17મી લોકસભાની આગામી ચૂંટણીઓ ક્યારે યોજાશે એની જોરદાર અટકળો વચ્ચે આ ચૂંટણીમાં નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન બનીને ભાજપને 2014ની જેમ 543માંથી ઐતિહાસિક એવી 282 બેઠકો જીતાડી શકશે કે કેમ તેના રાજકીય સમીકરણો રાજકીય પંડિતો દ્વારા રાજકીય શતરંજની બાજી બીછાવીને કરવામાં આવી રહ્યાં છે.
ખાસ નોંધ ઃ ગુજરાતી ન્યુઝ સર્વિસ (જીએનએસ) દ્વારા જુલાઇ મહિના દરમ્યાન દેશના 18 રાજ્યોના લઘુ અને મધ્યમ અખબારોના 428 જીલ્લાઓના 1300થી વધુ પત્રકારોએ કરેલા સર્વે અને 800થી વધુ અખબારોના તંત્રીઓ દ્વારા કરાયેલ એનાલીસીસ બાદ દેશના રાજકીય નિષ્ણાતોના અભિપ્રાયને આધારે આ સર્વે રિપોર્ટ અહી રજુ કરવામાં આવેલ છે.
2014 સુધીનું ભારત અને 2014થી 2018 સુધીના મોદીના ભારતની વચ્ચે જમીન આસમાનનો તફાવત જોવા મળી રહ્યો છે. એ વખતના એમણે આપેલા ચૂંટણી વચનો ચાર વર્ષ પછી તેમની જ સામે વિવિધ માધ્યમો દ્વારા મોં ફાડીને આવીને ઉભા છે અને જાણે કે પૂછી રહ્યાં છે કે રોજગારી, રામ મંદિર, કાશ્મીર માટેની કલમ 370, સમાન નાગરિક ધારો, આતંકવાદ, નક્સલવાદ, કાશ્મીરમાં શાંતિ અને મહિલા સુરક્ષાના આપેલા વચનો કેટલા પૂરા થયા એમ જાણે કે પૂછી રહ્યાં છે. જોકે તેના જવાબો વડાપ્રધાન મોદી આપે તે પહેલા ચાર વર્ષમાં ભાજપ અને એમના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે વચન મુજબ નહીં કરેલા આ કામો અને નહીં કરવા જોઈતા હતા એવા કામો જેમ કે નોટબંધી, જીએસટી, મંદી, શિવસેના જેવા સાથી પક્ષોની નારાજગી, તામિલનાડુમાં નવી પ્રાદેશિક નેતાગિરી, કાશ્મીરમાં ભંગાણ, બિહારમાં બિહારીબાબુ નીતિશકુમારનું સખળ ડખળ આ તમામ બાબતો જોતા અને સૌથી મોટું પરિબળ કે જેઓ ગઈ વખતે એક બીજાની સામે લડ્યાં તેઓ આ વખતે એક થઈને ચૂંટણી જંગના મેદાનમાં ઉતરવા રાજકીય શસ્ત્રો સજાવી રહ્યાં છે ત્યારે જે દેશવ્યાપી રાજકીય ચિત્ર બની રહ્યું છે તે દર્શાવે છે કે જો અત્યારે ચૂંટણી થાય તો મોદીને 543માંથી 282 તો નહીં જ પરંતુ 175થી 210 જેટલી બેઠકો મળી શકે. અલબત્ત, કોંગ્રેસે હરખાવા જેવું નથી કેમ કે તેના માટે સત્તા હજુ દૂર હોવાનું ચિત્ર પણ બની રહ્યું છે. વડાપ્રધાન મોદીએ ફરી દિલ્હીની ગાદી સર કરવા માટે પોતાના સ્વભાવની વિરૂદ્ધ જઈને રાજકીય તડજોડની નીતિ અપનાવવી પડે. ચાર વર્ષ દરમ્યાન તેમનું શાસન, તેમનો સ્વભાવ, રાજકીય દુશ્મનાવટ વગેરેને જોતા તેમના નેતૃત્વ હેઠળ સરકારમાં જોડાવા માટે કેટલા પક્ષો તૈયાર થશે એ પણ એક સવાલ છે.
2014માં વડાપ્રધાન મોદીના વચનો પણ સામાન્યમાં સામાન્ય મતદાતાએ 15 લાખની આશાએ તો ઠીક પરંતુ આ સરકાર કંઇક કરશે, કમ સે કમ મોંઘવારી તો ઘટાડશે, પેટ્રોલ-ડિઝલ સસ્તા કરશે અને વાસ્તવમાં તેમના માટે અચ્છે દિન લાવશે પરંતુ 2014 પછી જેમ જેમ સરકારની કામગીરી શરૂ થતી ગઈ તેમ તેમ તેમની નિષ્ફળતાઓ બહાર આવતી ગઈ છે. પાકિસ્તાન સાથે લવ લેટર લખવાનું બંધ થવું જોઇએ એમ કહેનાર મોદીએ સાડી અને શાલનો વહેવાર તથા નવાઝ શરીફને ત્યાં કાબુલથી અચાનક પહોંચી જવું, ત્યાર બાદ પઠાણકોટ એરબેઝ પર આતંકી હુમલો જે આતંકી હુમલા કાશ્મીરમાં હજુ પણ ચાલી રહ્યાં છે. રોજે રોજ સૈનિકો શહીદ થઈ રહ્યાં છે. પીડીપી સરકાર સાથે ભંગાણ પડ્યાં બાદ કાશ્મીરમાં આતંકવાદ ખતમ થઈ જશે એવી એક હવા ફેલાવવામાં આવી પરંતુ પરિસ્થિતિ એવી જ છે.
2014 બાદ જે રાજ્યોમાં ચૂંટણીઓ થઈ તેમાં ભાજપને સારી એવી સફળતા મળી છે. આજની તારીખમાં 20થી 21 રાજ્યોમાં ભાજપ અને ભાજપ સહયોગી પક્ષોની સરકાર છે. પૂર્વોત્તરના છ – સાત રાજ્યોમાં ભાજપે ડંકો વગાડ્યો છે તો વડાપ્રધાનના હોમ સ્ટેટ ગુજરાતમાં ભાજપને જાણે કે હાંફતા હાંફતા 99 બેઠકો મળી અને કેસરિયાની ઈજજત સચવાઈ ગઇ. ગુજરાતની ધરતી પરથી જ કોંગ્રેસ અને રાહુલ ગાંધીને નૈતિક અને રાજકીય મનોબળ મળ્યું. મંદિર મુલાકાત ગુજરાતથી શરૂ થઈ, કર્ણાટકમાં પણ તેનું પુનરાવર્તન થયું, કોંગ્રેસે સોફ્ટ હિન્દુત્વની જે લાઈન અપનાવી તેનાથી તેને રાજકીય લાભ મળ્યો તો બીજી તરફ તિન તલાક, હલાલા અને મુસ્લિમોના અન્ય પ્રશ્નોને લઇને ભાજપે સરકાર દ્વારા જે પગલાં ભર્યાં છે તેનાથી મુસ્લિમ તૃષ્ટિકરણ કરવામાં આવી રહ્યું હોવાની છાપ ઉપસી રહી છે. પોતાની આ છાપને દૂર કરવા રામ મંદિરનો મુદ્દો ઉછાળવામાં આવે છે. રામ મંદિરના મામલે જ વીએચપીમાંથી તોગડિયાની હકાલપટ્ટી થઈ અને આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસ અને તેના સાથી પક્ષોની સામે ભાજપે તોગડિયા જેવા અનેક અગ્રણીઓનો સામનો કરવો પડે તો નવાઈ નહીં.
અવિશ્વાસ પ્રસ્તાવમાં 325 વિરૂદ્ધ 126, મોદી માટે રાહતનો સંકેત…?
લોકસભાની ચૂંટણીમાં સામાન્ય રીતે રાજ્યવાર ચૂંટણીલક્ષી મુદ્દા હોતા નથી. રાષ્ટ્રીય કક્ષાએ જે મુદ્દા રજૂ થયા હોય કે ચાલી રહ્યાં હોય તે મતદારો પર પ્રભાવ પાડે છે. તેમ છતાં કાશ્મિરમાં આતંકવાદ અને કલમ-370નો મુદ્દો ચર્ચામાં આવી શકે.
લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચા અને મોડીરાત્રે મતદાનના પગલે અવિશ્વાસની વિરૂદ્ધમાં એટલે કે એનડીએ અને મોદીની તરફેણમાં 325 મત પડ્યા હતા જ્યારે પ્રસ્તાવની તરફેણમાં એટલે કે કોંગ્રેસની તરફેણમાં 126 મત પડ્યા હતા. કુલ 451 હાજર સભ્યોએ મતદાનમાં ભાગ લીધો હતો. રણનીતિ અનુસાર ઓરિસ્સાની બીજેડી પાર્ટીએ વોકઆઉટ કર્યો હતો, તે જોતા લોકસભાની ચૂંટણીમાં ઓરિસ્સામાં ભાજપ અને બીજેડી વચ્ચે બેઠકોની વહેંચણીના મુદ્દે ગઠબંધન થવાની શક્યતા છે. ભાજપથી નારાજ શિવસેનાએ મતદાનમાં ભાગ લીધો ન હતો. તેઓ ગેરહાજર રહ્યાં હતાં. તેમણે નારાજગી યથાવત રાખી છે પરંતુ ટેકો આપ્યો નથી. તે જોતા મહારાષ્ટ્રમાં જો શિવસેના એકલે હાથે ચૂંટણી લડે તો ભાજપને ખાસી એવી બેઠકો ગુમાવવી પડે.
તામિલનાડુમાં રજનીના સહારે મોદી તો કમલા હસન અને ડીએમકે કોંગ્રેસ સાથે
દિલ્હીમાં આપ દ્વારા તેમની સરકારને કરાતી હેરાનગતિનો મુદ્દો મુખ્ય બની શકે. પંજાબમાં કેન્દ્ર સરકાર દ્વારા અન્યાય અને સુરક્ષાનો મુદ્દો બનવાની શક્યતા છે.
દક્ષિણ ભારતમાં તામિલનાડુમાં પ્રાદેશિક પક્ષોની બોલબાલા છે. ગઈ વખતે ભાજપને તામિલનાડુમાં માત્ર 1 જ બેઠક મળી હતી. આ વખતે જાણીતા ફિલ્મસ્ટાર રજનીકાંતે રાજકારણમાં ઝંપલાવીને નવા પક્ષની રચના કરી છે. તેમના ચૂંટણી પ્રતિકમાં યોગની ધ્યાનમુદ્રા અને બેકગ્રાઉન્ડમાં કમળનું ફુલ મુકવામાં આવ્યું છે. તે જોતા રજનીકાંત મોદી સરકારની પ્રશંસા કરી રહ્યાં હોવાથી ચૂંટણીમાં પોતાની લોકપ્રિયતાના સહારે રજનીકાંતને સારા એવા પ્રમાણમાં બેઠકો મળવાની પુરેપુરી શક્યતા છે. તેઓ પરિણામ બાદ મોદીને ટેકો આપશે. એ જ રીતે અન્ય ફિલ્મ સ્ટાર કમલહાસને પણ મક્કલનીધિ મય્યમ નામની પાર્ટીની રચના કરી છે. તેણે મોદી સરકારનો વિરોધ જાહેરમાં કર્યો હોવાથી પરિણામ બાદ કોંગ્રેસની સાથે બેસે એવી શક્યતા છે. આમ તામિલનાડુમાં જયલલિતાની વિદાય બાદ તેમનો પક્ષ વેરવિખેર થઈ ગયો છે ત્યારે રજનીકાંત અને કમલહાસન ભાજપ કોંગ્રેસ માટે સહારો બની શકે છે.
ભાજપ – કોંગ્રેસ એકલે હાથે નહીં લડી શકે આગામી ચૂંટણી
રાજસ્થાનમાં ભાજપની સામે કોઇ મોટો મુદ્દો નહીં પણ રાજે સરકારની કામગીરીના મુદ્દા આવી શકે. ગુજરાતમાં મોદીને ફરીથી વડાપ્રધાન બનાવોનો હકારાત્મક મુદ્દો ચાલશે.
કર્ણાટકની ચૂંટણીમાં કોંગ્રેસની સાથે કેટલાક પક્ષો એકમંચ પર જોવા મળ્યા હતા. સપા, બપસા, ટીડીપી, તૃણમૃણ સહિતના પક્ષો કોંગ્રેસની સાથે સંયુક્ત મોરચો બનાવે તેવી શક્યતા વચ્ચે બસપાના માયાવતી કંઇક અલગ સૂર વ્યક્ત કરી રહ્યાં છે. તેમણે ત્રણ રાજ્યોમાં ગઠબંધન બનાવવાની વાત કરી છે. પરંતુ જ્યારે ચૂંટણીઓ જાહેર થાય ત્યારે તેમના પક્ષનું વલણ સમજાઈ શકે. બીજી તરફ ભાજપ પણ તમામ 543 બેઠકો એકલે હાથે લડશે નહીં. પંજાબમાં અકાલીદળ અને અન્ય રાજ્યોમાં કેટલીક બેઠકો સાથી પક્ષો માટે અલગ ફાળવે તેમ છે. એટલે કે જ્યાં સાથી પક્ષોના ઉમેદવારો હશે ત્યાં ભાજપ પોતાના ઉમેદવાર ઉભા નહીં રાખે. આમ 2014માં ભાજપ કોંગ્રેસ લગભગ સામસામે હતા પરંતુ મોદી સરકારની નીતિ રીતિ અને કાર્યશૈલીને જોતા વિરોધપક્ષોને પોતાના અસ્તિત્વને ટકાવી રાખવાનું ભય સર્જાયો છે અને તેથી ગોરખપુર, ફુલપુર સહિતની પેટાચૂંટણીઓમાં તેમણે પ્રયોગ કર્યો અને ભાજપને હારવું પડ્યું. તેનાથી પ્રેરાઈને જેમ કર્ણાટકમાં એક મંચ પર આવ્યા તેમ આગામી ચૂંટણીઓમાં પણ એક થાય તેમ છે. અલબત્ત ભાજપ તેમાં કેટલું ગાબડું પાડી શકે છે તેના પર આધાર છે.
7 રાજ્યોમાં બની શકે કોંગ્રેસ પ્રેરીત સંયુક્ત મોરચો
આંધ્રમાં વિશ્વાસઘાતનો મુદ્દો હાવી થાય….., કેરળમાં ભાજપના કાર્યકરોની હત્યાનો મુદ્દો સહાનુભૂતિ મેળવી આપે.
લોકસભામાં ભાજપનો ભેગા મળીને સામનો કરવા માટે કોંગ્રેસ અને અન્ય સાથી પક્ષો વચ્ચે સંયુક્ત મોરચો બનાવવાના પ્રયાસો ચાલી રહ્યાં છે. જે માહિતી બહાર આવી રહી છે તે દર્શાવે છે કે ઓછામાં ઓછા 7 રાજ્યોમાં મોરચો બનવાની શક્યતા છે. જેમાં યુપી, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઝારખંડ,તામિલનાડૂ ઇને જમ્મુ-કાશ્મિરનો સમાવેશ થાય છે.
ભાજપને અનેક રાજ્યોમાં પડી શકે છે મુશ્કેલી…
બિહારમાં નીતિશ નારાજ હોય તો વિશેષ રાજ્યનો દરજ્જો, લાલુને જેલનો મુદ્દો બની શકે.
લોકસભાની ચૂંટણીઓ દસ્તક દઇ રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા સમીકરણો મૂકાઇ રહ્યાં છે તેવા સમયે ભાજપને ક્યાં સહન કરવું પડે અથવા બેઠકો ઘટે તેવા રાજ્યોમાં જમ્મુ-કાશ્મિર, પંજાબ,દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર,કર્ણાટક, બિહાર, પ. બંગાળ, કેરળ, યુપી, તામિલનાડૂ, આંધ્રપ્રદેશ વગેરેનો સમાવેશ થાય છે. જેના કારણોમાં મહારાષ્ટ્રમાં શિવસેના,બિહારમાં લાલુ અને નીતિશ નડે, પંજાબ, કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે, બંગાળમાં મમતા ફાવવા નહીં દે,આંધ્રમાં ચંદ્રાબાબુ સખ્ત નારાજ છે, તામિલનાડૂમાં ગજ વાગતો નથી, કેરળમાં સામ્યવાદીઓ ફાવવા દેશે નહીં, હિલ્હીમાં આપ-કેજરીવાલ નડી શકે. કાશ્મિરમાં પીડીપી સાથે કિટ્ટા છે.
કોઇ એક મુદ્દો નહિં, અનેક મુદ્દાઓ અજમાવવાની ભજપની રણનીતિ….
તામિલનાડૂમાં ભાજપ કરતાં પ્રાદેશિક પક્ષો એકબીજા સામે લડશે. કર્ણાટકમાં સત્તાનો દુરૂપયોગ-રાજભવનનો ઉપયોગ મુદ્દો બને.
લોકસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ક્યા મુદા રજૂ કરવામાં આવશે તે અંગે ભાજપની રણનીતિ એવી મનાય છે કે તે કોઇ એક મુદ્દો નહીં પણ અલગ અલગ અને નાના મોટા મુદ્દાઓ અલગ અલગ નેતાઓ દ્વારા વિવિધ ખૂણેથી ઉભા કરાશે. મુખ્ય મુદ્દો હિન્દુત્વ રહે. કોંગ્રેસ મુસ્લિમોની પાર્ટી, રાષ્ટ્રવિરોધી પાર્ટી, ભ્રષ્ટાચારના મુદ્દા હશે. જાહેરમાં લોકોને મુંઝવણમાં નાંખી દેવામાં આવે.હિડન એજન્ડા રામ મંદિર-હિન્દુત્વ, કોંગ્રેસની બદનામી અને કોંગ્રેસમાંથી કોઇ નેતા બોલે તો તેને લઇને પ્રહારો થાય.
મોદી સરકારની વિવિધ જનહિતની યોજનાઓનો સહારો મળવો મુશ્કેલ..
બંગાળમાં ભાજપને મમતા જ નડશે. એ જ સૌથી મોટો મુદ્દો છે. મહારાષ્ટ્રમાં શિવસેના ભાજપની સામે હાલમાં એક મુદ્દો છે. ચૂંટણીઓ વખતે ભેગા થાય તો નવાઇ નહીં.
મોદી સરકાર ફરી જીતવાના પ્રયાસોમાં વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ ચૂંટણીમાં ભાજપને મત આપે તેવા પ્રયાસોમાં છે. હેલ્થ કાર્ડ અને આયુષ્યમાન ભારતમાં 10 કરોડ પરિવારો અને તેના 50 કરોડ સભ્યોનો લાભ મેળવે છે. મુદ્રા યોજનાનો લાભ 12 કરોડ લોકોને મળ્યો છે. રાંધણ ગેસની ઉજ્જવલા યોજના, પીએમ નિવાસ યોજના, જનધન યોજના, 5 કરોડ શ્રમજીવીઓ માટે વીમા સુરક્ષાની યોજના, ખેડૂતો માટે દોઢ ગણો ટેકાનો ભાવ વગેરે દ્વારા લાભાર્થીઓની યાદી બનાવી ચૂંટણીમાં ભાજપના પેજ પ્રમુખને તેની યાદી આપેને લાભાર્થી ભાજપને વોટ આપવા જાય તેવું આયોજન કરી રહી છે. આ ઉપરાંત દલિતો અને આદિવાસીઓ પણ ભાજપને મતો આપે તેવી રણાનીતિ છે. અને તેને કારણે જ મોદી સરકારે એક હજાર જેટલા અધિકારીઓને 486 જિલ્લામાં 21 હજાર કરતાં વધુ ગામોમાં મોકલીને સરકારની જુદી જુદી સાત યોજનાઓનો લાભ મળ્યો કે કેમ અને ન મળ્યો હોય તો સત્વરે લાભ આપવાની રણનીતિ અપનાવી છે. આ સાત યોજનાઓમાં ઉજ્જવલા, સૌભાગ્ય, જનધન, જીવન જ્યોતિ બીમા, મિશન ઈન્દ્રધનુષ, ગ્રામ સ્વરાજ અભિયાન વગેરે યોજનાઓનો સમાવેશ થાય છે. આ એ જિલ્લાઓ છે કે જ્યાં દલિતો અને આદિવાસીઓની સંખ્યા સૌથી વધારે છે. સરકારે આ વર્ગને ધ્યાનમાં રાખીને તંત્રને દોડતું રાખ્યું છે.
2014ના સાથી પક્ષોની નરાજગી ભજપ-મોદી માટે સૌથી મોટું નુંકશાન…?
યુપીમાં કાયદો- વ્યવસ્થા અને યોગી સરકારની કાર્યશૈલી તથા વિપક્ષોની એક્તા સૌથી મોટા મુદ્દા બની શકે.
2014માં ભાજપ અને મોદી સાથે જે સાથી પક્ષો હતા તેમાં 2018 આવતાં આવતાં સૌથી વધુ જો નારાજ હોય તો મહારાષ્ટ્રમાં શિવસેના છે. તેને મનાવવાના પ્રયાસો થયા પરંતુ ઉદ્ધ્વ ઠાકરે કહે છે કે લોકસભા એકલે હાથે લડશે. આંધ્રમાં ટીડીપી અલગ થઇ ગયું છે. ટીડીપીના તો કેન્દ્ર સરકારમાં મંત્રી પણ હતા. આંઘ્રમાં ચંદ્રબાબુ અલગ ચોકો રાખીને ચૂંટણી લડશે. પંજાબમાં શિરોમણી અકાલી દળ અંદરથી નારાજ હોવાનું મનાય છે. બિહારમાં નિતિશકુમાર પણ બિહારને વિશેષ દરજ્જોની માંગને લઇને દબાણ કરીને વધુ બેઠકો મેળવવા માંગતા હોય તેમ જણાય છે. રામવિલાસ પાસવાન લોજપા સાથે મોદીની સાથે રહે તેમ છે. દલિતોના મતો માટે ભાજપ પાસવાનને આગળ કરશે. તો મહારાષ્ટ્રમાં આઠવલેનો ઉપયોગ પણ દલિત સમાજ માટે જ થશે. જો કે પાસવાન અને આઠવલે નારાજ નથી. પણ તેઓ સત્તાલક્ષી છે. ગમે ત્યારે વાડ કૂદી જાય તેમ છે. અપના દળ ભાજપની સાથે રહેશે. પૂર્વોતરમાં ભાજપના સાથી પક્ષો કાયમી છે. દક્ષિણમાં ભાજપને રજનીકાંત પરોક્ષ ટેકો આપશે.
રાજ્યવાર કેવી રહેશે રાજકીય પરિસ્થિતિ….
ઉત્તર પ્રદેશ ઃ દેશના સૌથી મોટા રાજ્ય યુપીની વાત કરીએ તો 2014માં ભાજપે ઐતિહાસિક રીતે 80માંથી 71 બેઠકો મેળવી હતી. સપાને 5 અને કોંગ્રેસને 2 બેઠકો મળી હતી. જ્યારે અપના દળને 2 બેઠકો મળી હતી. પરંતુ માયાવતીને એક પણ બેઠક મળી નહોતી. ગોરખપુર અને ફુલપુર પેટા ચૂંટણી હાર્યા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વને લઇને ભાજપમાં આશંકાઓ પ્રવર્તી રહી છે. 2009 કરતાં 2014માં 71 બેઠકો મળ્યા બાદ આગામી ચૂંટણીમાં ભાજપને 40 બેઠકોથી સંતોષ માનવો પડે તો નવાઈ નહીં. યુપીમાં કોઈ સાથી પક્ષ નારાજ નથી.
ઉત્તરાખંડ ઃ ઉત્તરાખંડની પાંચ બેઠકો ભાજપ ફરીથી જીતે તેમ છે.
પશ્ચિમ બંગાળ ઃ પશ્ચિમ બંગાળમાં 42 બેઠકોમાંથી ભાજપે 2014માં માત્ર 2 જ બેઠકો મેળવી હતી. જે 2009 કરતાં એક વધારે હતી. વડાપ્રધાન બન્યા બાદ મોદી અને અમિત શાહે બંગાળમાં મુલાકાતો વધારી છે. બંગાળમાં ટીએમસીના ગઢમાં ગાબડું પાડવાના પ્રયાસો થઈ રહ્યાં છે. ટીએમસીને 42માંથી 34 બેઠકો મળી હતી. આ વખતે પણ મમતા બેનરજીનો મિજાજ અને સાથી પક્ષો સાથેની મિત્રતા જોતાં બંગાળમાં ટીએમસીને ફરીથી એટલી જ બેઠકો મળી શકે.પરંતુ ભાજપની તૈયારીઓ જોતાં મમતાને આ વખતે 34ને બદલે 30થી સંતોષ માનવો પડે તો નવાઇ નહીં. ભાજપને 5 થી 7 બેઠકો મળવાની ગણતરી છે.
બિહાર ઃ બિહારની વાત કરીએ તો નીતિશકુમારને લાલુ પ્રસાદથી અલગ કરીને ભાજપે લોકસભા માટે જ સત્તામાં ભાગીદારી પરાણે મેળવી છે. બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગણી વારંવાર કરીને બિહારીબાબુ નીતિશકુમાર નવાજૂની કરી શકે છે. તેઓ જેડીયુને વધુ બેઠકો મળવી જોઇએ એવી માંગણી સંદર્ભે ચૂંટણીઓ પહેલા કદાચ અલગ ચોકો પણ રચી શકે. 2014માં ભાજપે 40માંથી અગાઉ કરતાં દસ બેઠકો વધુ મેળવીને કુલ 22 બેઠકો મેળવી હતી. આ વખતે 40માંથી ભાજપને 20થી 25 બેઠકો મળવાની શક્યતા છે પરંતુ જો નીતિશ કુમાર તેમની સાથે રહે તો જ. જો નીતિશકુમાર અલગ પડે તો ભાજપને માત્ર 10 બેઠકો મળી શકે.
ગુજરાત ઃ ગુજરાતમાં 2014માં ભાજપે તમામ 26 બેઠકો એ મુદ્દે મેળવી હતી કે ગુજરાતના કોઈ નેતા વડાપ્રધાન બનવા જઈ રહ્યાં છે પરંતુ આ વખતે તેઓ ફરીથી મને વડાપ્રધાન બનાવો એવી અપીલ કરે તો તે મતદારોના ગળે કેટલી ઉતરશે એ પણ એક સવાલ છે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 21 બેઠકોનો ફટકો પડ્યો છે. કોંગ્રેસ 77 બેઠકો સાથે મજબૂત છે. જેમાં એનસીપી અને છોટુભાઇ વસાવાની બેઠકોનો પણ સમાવેશ થાય છે. તે જોતા આ વખતે ભાજપને મોદીના હોમ સ્ટેટમાં 26માંથી 20 બેઠકો મળી શકે.
પંજાબ ઃ પંજાબમાં ભાજપ- શિરોમણી અકાલી દળ હારી ગયા બાદ કેપ્ટન અમરિંદરસિંઘ એક મજબૂત મુખ્યમંત્રી છે ત્યારે લોકસભામાં તેઓ ભાજપને ફાવવા દે એમ લાગતુ નથી. ગઈ વખતે 13માંથી ભાજપને 2 જ બેઠકો મળી હતી. કોંગ્રેસને 3, આપ-4, અકાલી દળ-4 એમ બેઠકો વહેંચાઈ ગઈ હતી. આ વખતે કોંગ્રેસની સરકાર છે અને કેજરીવાલ પણ યુદ્ધના મુડમાં છે તેમ છતાં પંજાબમાં ભાજપ અને સાથી પક્ષને કદાચ 6થી 8 બેઠકોથી મળી શકે. પંજાબમાં જો કે સાથી પક્ષ નારાજ હોય તેમ જણાતું નથી.
જમ્મુ-કાશ્મીરઃ જમ્મુ-કાશ્મીરમાં પીડીપી સાથે ભંગાણ પડ્યું છે. ગઈ વખતે છ માંથી ત્રણ બેઠકો ભાજપને મળી હતી. આ વખતે ગવર્નર રાજ છ. પરંતુ જમ્મુ અને અન્ય હિન્દુ વસ્તીવાળા વિસ્તારોમાં હિન્દુ મતદારો નારાજ હોવાનું મનાય છે. ત્યારે છ માંથી 2 બેઠકો મેળવી શકે. અલબત્ત કાશ્મીરમાં જો અને તો ની પરિસ્થિતિ પ્રવર્તે છે.
ઓરિસ્સાઃ ઓરિસ્સામાં બીજુ જનતાદળ સામે ભાજપનો ગજ વાગ્યો નથી. ગઈ વખતે 21માંથી માત્ર એક જ બેઠક મળી હતી. આ વખતે નવિન પટનાયકને સાથે રાખવાના પ્રયાસો સફળ થતાં હોય તેમ તેમણે મોદીના વન નેશન વન ઇલેક્શનને ટેકો આપ્યો છે. ઉપરાંત અવિશ્વાસ પ્રસ્તાવમાં પણ બીજેડી રણનીતિના ભાગરૂપે વોકઆઉટ કરી ગઇ હતી. જેથી વિરૂધ્ધમાં મતદાનથી ટળી શકાય. જો ભાજપ સાથે બેસે તો ભાજપ 21માંથી પાંચ બેઠકો જીતી શકે.
હિમાચલઃ હિમાચલ પ્રદેશમાં ભાજપની સરકાર છે ત્યારે ગઇ વખતની જેમ તમામ ચાર બેઠકો જીતી શકે તેમ છે.
ઝારખંડઃ ઝારખંડમાં ભાજપની સરકાર છતાં કાયદો વ્યવસ્થા વગેરેને જોતો 14માંથી આ વખતે ફરીથી 12 બેઠક મળે તો ભયો ભયો. ઝારખંડ મુક્તિ મોરચા બે થી ત્રણ બેઠકો જીતી શકે.
કર્ણાટકઃ કર્ણાટકમાં યેદુરરપ્પા એક દિવસના મુખ્યમંત્રી બન્યા બાદ લોકસભાની ચૂંટણીમાં 28માંથી ફરીથી 17 બેઠકો મળવાની આશાએ કામ કરી રહ્યાં છે. જેડીએસ અને કોંગ્રેસ ગઠબંધનની સરકારમાં મુખ્યમંત્રી કુમારસ્વામીના જાહેરમાં પડેલા બોર બોર જેવા આંસુઓ સૂચક મનાય છે. તેમ છતાં જેડીએસ પાર્ટીના જે રીતે કોંગ્રેસ સાથે ગાઢ સંબંધો થઇ રહ્યાં છે તે જોતાં આ વખતે ભાજપને 28માંથી 10 બેઠક મળી શકે.
મધ્યપ્રદેશઃ મધ્યપ્રદેશમાં લોકસભાની સાથે વિધાનસભા યોજાય તો શિવરાજ ચૌહાણને ફરીથી સત્તા મળે કે ન મળે ભાજપને કુલ 29માંથી આ વખતે 27ને બદલે 15 બેઠકો મળી શકે. કેમ કે દલિત મતો માટે માયાવતી અને કોંગ્રેસ એમપીમાં ગઠબંધન કરી રહ્યાં છે. તેમનું ગઠબંધન વિધાનસભાની 70 બેઠકો પર અસર કરે એમ રાજકીય પંડિતો માની રહ્યાં છે. મધ્ય પ્રદેશમાં મોદી નહીં પણ શિવરાજ ચાલવાના છે. છતાં તેમને એન્ટી ઇન્કમબન્સી નડી શકે. ભાજપ એમપી ગુમાવે તો નવાઈ નહીં.
આસામઃ આસામમાં ભાજપની સરકાર છે. ગઈ વખતે કુલ 14માંથી સાત બેઠકો મળી હતી. આ વખતે 14માંથી 12 મળી શકે.
આંધ્રપ્રદેશઃ આંધ્રપ્રદેશમાં 2014માં ભાજપ અને ટીડીપી ગઠબંધન હતું. કુલ 25 બેઠકોમાંથી કુલ 17 બેઠકો મેળવી હતી. મોદી સરકારમાં ટીડીપીના મંત્રીઓ પણ હતા પરંતુ આંધ્રને વિશેષ દરજ્જો આપવાનું વચન મોદીએ નહીં પાળતા ચંદ્રાબાબુ નારાજ થઈને અલગ થયા છે. કોંગ્રેસ અને અન્ય પક્ષોના સંયુક્ત મોરચામાં તેમની હાજરી જોતા ભાજપનો આંધ્રમાં સફાયો થઇ જાય તો નવાઇ નહીં. લોકોનો વિરોધ જોતાં ભારે જોર લગાવે તો માંડ માંડ 4થી5 બેઠકો મળી શકે.
છત્તીસગઢઃ છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાવાની છે. મુખ્યમંત્રી રમણસિંગ સામે લોકોનો વિરોધ જોવા મળી રહ્યો છે. તે જોતાં ભાજપની સરકાર હોવા છતાં 11માંથી 7થી 8 બેઠકો મળી શકે.
કેન્દ્ર શાસિત પ્રદેશઃ આંદામાન એક, ચંદીગઢ એક, દાદરા નગરહવેલી એક, લક્ષદ્રિપ એક, દિવ-દમણ એક, પુડુચેરી એક મળીને છ બેઠકો ભાજપ જીતશે.
દિલ્હીઃ દિલ્હીમાં ગઈ વખતે ભાજપે તમામ સાત બેઠકો જીતી હતી. પરંતુ આમ આદમી પાર્ટીની સરકારને જે રીતે હેરાન કરવામાં આવી રહી છે તે જોતાં દિલ્હીવાસીઓનું વલણ એવું રહ્યું છે કે વિધાનસભામાં કેજરીવાલને અને લોકસભામાં મોદીને ટેકો આપે તો ભાજપને 4 બેઠકો આપે અને આપ પાર્ટી 3 બેઠકો જીતી શકે.
ગોવાઃ ગોવામાં ભાજપની સરકાર છે. જોકે ભાજપે પાછલા બારણેથી સરકાર બનાવી હોવા છતાં તેની બે બેઠકો ભાજપને મળી શકે.
હરિયાણાઃ હરિયાણામાં દસ બેઠકોમાંથી ગઈ વખતે ભાજપને સાત બેઠકો મળી હતી. મુખ્યમંત્રી ખટ્ટરની સામે કેટલાક સાંસદોનો વિરોધ રામ- રહિમનો કેસ, કાયદો વ્યવસ્થા વગેરેને જોતા પ્રજાનો વિરોધ થાય તો 10માંથી ભાજપને 7થી 8 બેઠકો મળી શકે.
તેલંગણાઃ તેલંગણામાં વાયએસઆર ભાજપની સાથે રહે તો પણ 17 બેઠકોમાંથી ભાજપને 1થી 2 બેઠકો મળી શકે.
તામિલનાડુઃ તામિલનાડુમાં પ્રાદેશિક પક્ષોની બોલબાલા છે. ગઈ વખતે 39 બેઠકોમાંથી ભાજપને માત્ર એક જ બેઠક મળી હતી. એઆઈએડીએમકે પક્ષમાં જયલલિતાના નિધન બાદ ભંગાણ પડ્યું છે. બીજી તરફ મોદીના ઈશારે રજનીકાંત રાજકારણમાં પ્રવેશીને નવી પાર્ટી બનાવી છે તો અન્ય ફિલ્મ સ્ટાર કમલ હસને પણ રાજકીય પાર્ટી બનાવીને ચૂંટણીઓ લડવાની જાહેરાત કરી છે. તામિલનાડુમાં રજનીકાંતને 39માંથી 15 અને કમાલહસનને પાંચ બેઠકો મળવાની શક્યતા છે. બન્ને પોતાની લોકપ્રિયતાના જોરે જીતી શકે. પરિણામો બાદ રજનીકાંત મોદીને કેન્દ્રમાં સરકાર બનાવવામાં ટેકો આપી શકે. જ્યારે કમલહસન કોંગ્રેસની સાથે રહે તેમ છે.
રાજસ્થાનઃ રાજસ્થાનમાં લોકસભાની સાથે વિધાનસભા ચૂંટણીઓ યોજવાની ગણતરી છે. જાટ અનામતનો મુદ્દો અને અલવર જેવા મામલાઓ અને અન્ય મુદ્દાઓ જોતાં વિધાનસભા ગુમાવે તો પણ 25માંથી 18થી 20 બેઠકો ભાજપને મળી શકે.
મહારાષ્ટ્રઃ મહારાષ્ટ્રની 48 બેઠકોમાંથી ગઈ વખતે 23 બેઠકો ભાજપે જીતી હતી. 2018 આવતા આવતા શિવસેના અલગ સૂર વ્યક્ત કરી રહ્યું છે. તેમને મનાવવાના પ્રયાસો છતાં ઉદ્દવ ઠાકરે લોકસભામાં અલગ ચોકો રચે તો ભાજપને નુકસાન થઈ શકે. શિવસેનાને ગઈ વખતે 18 બેઠકો મળી હતી. જેમાં વધારો થાય કે ન થાય પરંતુ ભાજપને ચોક્કસ નુકસાન કરી શકે.
આમ ઉપરોક્ત, રાજકીય વિશ્લેષણ જોતાં ભાજપને 175 થી 210 બેઠકો મળી શકે. કોંગ્રેસને ગઈ વખતે 44 મળી હતી જે આ વખતે વધીને 75થી 110 બેઠકો મળી શકે. જોકે સપા, બસપા, એનસીપી સહિત કેટલા સાથીપક્ષો તેની સાથે જોડાશે એના પર આધાર છે.
એનસીપી, શિવસેના, બીજેડી એઆઈએડીએમકે, ડીએમકે, સામ્યવાદીઓ, આપ, લોજપા, વાયએસઆર, અકાલીદળ, આરજેડી, ઝારખંડ મુક્તિ મોરચા, પીડીપી, ટીએમસી વગેરે આ ચૂંટણીમાં અંદાજે 100 બેઠકો લઇ જાય તેમ છે. સંયુક્ત મોરચાને 193થી 200 બેઠકો મળી શકે.
પૂર્વોત્તરમાં મણિપુરની બે, મેઘાલય એક, મિઝોરમમાં એક, ત્રિપુરાની બે, અરૂણાચલમાં બે મળીને આ રાજ્યોમાં ભાજપને તમામ બેઠકો મળવાની પુરેપુરી શક્યતા છે કેમ કે પૂર્વોત્તરના મોટાભાગના રાજ્યોમાં ભાજપે સત્તા મેળવી છે. તેમ છતાં જ્યાં ગઠબંધન છે ત્યાં જો એ પક્ષ ઉમેદવાર ઉભા રાખે તો ભાજપની બેઠકો ઘટી શકે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.