Home દુનિયા LACથી 11 કિમી દૂર 400 ગામ બનાવી રહ્યું છે ચીન

LACથી 11 કિમી દૂર 400 ગામ બનાવી રહ્યું છે ચીન

32
0

(GNS),27

પડોશી દેશ ચીન દરરોજ ભારત વિરુદ્ધ કોઈને કોઈ ષડયંત્ર રચી રહ્યો છે. દાયકાઓથી તેની નજર અરુણાચલ પ્રદેશ પર છે એટલું જ નહીં, હવે તે ઉત્તરાખંડ પર પણ નજર રાખી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું છે કે ચીન ઉત્તરાખંડ સરહદને અડીને આવેલા પોતાના વિસ્તારોમાં ગામડાઓ બનાવી રહ્યું છે. આ ગામોને ડિફેન્સ વિલેજ તરીકે ઓળખવામાં આવશે, જેની દેખરેખ ચીનની સેના એટલે કે પીપલ્સ લિબરેશન આર્મી દ્વારા કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે દરેક ગામમાં 250 ઘર હશે. મોટી વાત એ છે કે આ સરહદી ગામો વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)થી માત્ર 11 કિલોમીટર દૂર બનાવવામાં આવી રહ્યા છે. આ સિવાય ચીન LACથી 35 કિલોમીટર દૂર 55-56 ઘરો સાથે ગામડાઓ પણ બનાવી રહ્યું છે. પીપલ્સ લિબરેશન આર્મી પણ તેમની દેખરેખ રાખશે. આ તમામ ગામો ચીનની સરહદને અડીને આવેલા પૂર્વ સેક્ટરમાં 400 ગામોને વસાવવાની યોજનાનો ભાગ છે.

મહત્વનું છે કે પહાડી રાજ્ય ઉત્તરાખંડ ચીન સાથે 350 કિલોમીટરની સરહદ ધરાવે છે. જો કે, મોટાભાગના સરહદી વિસ્તારોમાં આજીવિકાનો ભારે અભાવ છે, જેના કારણે અહીં બહારથી સ્થળાંતર જોવા મળે છે. આ પહેલા સમાચાર આવ્યા હતા કે ચીન ઉત્તરાખંડમાં નીતિ પાસ પાસે નવા કેમ્પ લગાવી રહ્યું છે. નીતિ પાસ 1962ના ભારત-ચીન યુદ્ધથી બંધ છે, જ્યારે યુદ્ધ પહેલા તે ભારત અને તિબેટ વચ્ચેનો વેપાર માર્ગ હતો અને લાંબા સમયથી તેનો ઉપયોગ કરવામાં આવતો હતો.

સૂત્રોએ જણાવ્યું કે ચીન થોલિંગ સેક્ટરથી 45 કિલોમીટર દૂર સરહદી ગામ પણ બનાવી રહ્યું છે. ગામથી થોડાક મીટર દૂર લશ્કરી સંકુલ પણ બનાવવામાં આવ્યું છે. જો સંરક્ષણ અને વ્યૂહાત્મક વિશ્લેષકોનું માનીએ તો, બેઇજિંગ ચારે બાજુથી ભારતને ઘેરી લેવાનો પ્રયાસ કરી રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં સરહદની આસપાસ તેની ગતિવિધિઓમાં ઝડપથી ફેરફાર થયો છે.

જ્યાં ચીન પહેલા ચુપચાપ બેઠું હતું ત્યાં હવે હેલિપેડ અને રસ્તાઓ બનાવી રહ્યું છે. વિશ્લેષકો માને છે કે ભારતે ચીન સામે સંતુલિત અભિગમ અપનાવવો પડશે. LAC પાસે ચીનની હરકતો જોઈને ભારત પણ સરહદ નજીક પોતાની તાકાત વધારી રહ્યું છે.

રોડ અને પુલ નિર્માણ સહિત અનેક માળખાકીય સુવિધાઓના વિકાસ માટે ભારત દ્વારા શરૂ કરાયેલા પ્રોજેક્ટને ઝડપથી આગળ વધારવામાં આવી રહ્યા છે. તેના દ્વારા ભારતીય સેનાના જવાનો તે બિંદુઓ સુધી સરળતાથી પહોંચી શકશે. ચીનની આ નવી ચાલને લઈને ભારતીય સેના વધુ સતર્ક થઈ ગઈ છે. ભારતીય સેના પહેલાથી જ LAC પર સ્થિતી પર નજર રાખી રહી છે.

Previous articleઈમરાન ખાનના યુરીન સેમ્પલમાં કોકેઈન મળ્યું
Next articleહવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર યથાવત રહેવાની સંભાવના