Home જનક પુરોહિત JNU ની ઘટના ગુજરાતના નવનિર્માણ આંદોલનની પેટર્ન પર છે

JNU ની ઘટના ગુજરાતના નવનિર્માણ આંદોલનની પેટર્ન પર છે

367
0
SHARE

(જી.એન.એસ,જનક પુરોહિત)
દિલ્હી ખાતેની જવાહરલાલ નેહરુ યુનીવર્સીટી ઘણા લાંબા સમયથી વિવાદમાં છે . તેમાં તાજેતરમાં ABVPના કાર્યકરો દ્વારા કરવામાં આવેલા હુમલા પછી સમગ્ર દેશના યુવાનો – વિદ્યાર્થીઓ બહાર નીકળી રહ્યા છે . દેશમાં સંઘ સમર્થિત વિદ્યાર્થીઓ – યુવાનો અને બિન RSS વિદ્યાર્થીઓ – યુવાનો સામસામે આવી ગયા છે. દિલ્હી – કલકત્તા બાદ ગઈકાલે અમદાવાદમાં પણ કોંગ્રેસ – ભાજપની વિદ્યાર્થી પાંખ સામસામે આવી ગઈ . ABVP એ સંઘના સુત્ર ‘ હાથમે ઝંડા – ઝંડા મેં દંડા ’ ને ચરિતાર્થ કરી NSUI નાં કાર્યકરોની ધોલાઈ કરી હતી .
જેએનયુJNUથી શરુ થયેલા આંદોલનની પેટર્ન – ગુજરાતમાં ૧૯૭૪ માં એલ.ડી એન્જિનીયરીંગ કોલેજના ફૂડ બીલના વધારા સામેના આંદોલનની યાદ આપે છે . ચીમનભાઈ પટેલની સરકાર સામે જે પ્રકારે એલ.ડી એન્જિનીયરીંગ કેમ્પસમાંથી આંદોલનની ચીનગારીએ સમગ્ર ગુજરાતને ભડકે બાળ્યું હતું અને ચીમનભાઈ પટેલની સરકારને ઉખેડી ફેકી હતી . આવું જ કંઇક દિલ્હીની JNU માં જોવા મળે છે . દેશભરમાં આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓને એ ખબર કદાચ નહિ હોય કે JNU માં કયા મુદ્દે કોનું આંદોલન ચાલી રહ્યું છે . ગુજરાતમાં પણ આવું જ થયું હતું . JNU મા ફૂડ બીલમાં વધારાના મુદ્દે હડતાલ ચાલતી જ હતી . તેમાં પરીક્ષાઓની તૈયારી રૂપે રજીસ્ટ્રેશન શરુ થયું અને તોડફોડ વધી . રાતના બુકાની ધારીઓનો હુમલો – હુમલામાં અનેકો ઘવાયા અને તેનો પડઘો સમગ્ર દેશમાં પડ્યો છે .
સાવ સાદીસીધી લાગતી ઘટના પાછળ વિપક્ષના બુદ્ધિજીવીઓ ની તૈયાર કરેલી રૂપરેખા અચૂક હશે જ . બ્લ્યુ પ્રિન્ટ તૈયાર થયા બાદ JNU કે જામિયા મીલીયામાં વિવાદો શરુ થયા હશે .
ગુજરાતમાં જે પ્રકારે ચીમનભાઈ પટેલે હાઈકમાન્ડ વિરુદ્ધ બગાવત કરીને ઘનશ્યામ ઓઝા ની સરકાર ઉથલાવી , સત્તાપર આવ્યા હતા અને તેનાથી હાઈકમાન્ડ એટલે કે ઈન્દિરાજી નારાજ હતા જેથી નવનિર્માણ આંદોલનની સફળતા પાછળ કોંગ્રેસના છુપા આશીર્વાદ હતા . ત્યારે વિપક્ષ જનસંઘ અને સંસ્થા કોંગ્રેસ તેનો હાથો બન્યા અને પોતાનું રાજકારણ રમી ૧૯૭૫ માં સત્તા હાંસલ કરી હતી .
અત્યારે દેશમાં ભાજપની વધી રહેલી તાકાતને ખાળી શકાય એવા સર્વમાન્ય એકપણ નેતા નથી . ૧૯૭૪ – ૭૫ માં જયપ્રકાશ નારાયણ હતા . આજે કોઈ એક વ્યક્તિની નેતાગીરી હેઠળ દેશ વ્યાપી આંદોલન શક્ય નથી . માટે જ ડાબેરીઓ અને કોંગ્રેસ તથા મુસ્લિમ સંગઠનો સાથે મળીને યુનીવર્સીટી અને કોલેજનો ઉપયોગ કરીને દેશના વિદ્યાર્થીઓના માધ્યમથી પોતાના રાજકીય હિસાબો પતાવવા કામે લાગ્યા છે. એક તરફ માત્ર સંઘ પરિવાર અને સામે તમામ વિપક્ષો અને મોદી વિરોધી સંગઠનો છે . દેશમાં જયારે મંદીનો માહોલ શરુ થઇ ચુક્યો છે , ત્યારે વિપક્ષના હાથમાં ઘણા મુદ્દા આવી જતા હોય છે . તેમનો મુખ્ય મુદ્દો બેરોજગારી છે . ભૂતકાળમાં ગુજરાતમાં જયારે તોફાનો થતા ત્યારે ચોક્કસ વિસ્તારમાં ચોક્કસ દુકાનોમાં લુંટફાંટ થતી હતી અને લોકો આખા વર્ષની જરૂરીયાત જેટલું ઘરભેગું કરી લેતા હતા .
હવે જયારે મંદીનો માહોલ છે , બેરોજગારી સળગતી સમસ્યા છે , ત્યારે આંદોલનની આગ જો વધુ પ્રસરશે તો ગુજરાત જેવી ઘટનાઓ ચાલુ થઇ જશે .
અત્યારે જે પણ ચિત્ર દેખાઈ રહ્યું છે . તેને સામાન્ય ગણવાની જરૂર નથી . શરૂઆત જોતા લાગે છે કે આ લાંબી લડતના મંડાણ છે .
જોકે સામે કેન્દ્રમાં ભાજપ સરકાર છે . અમિત શાહ ગૃહમંત્રી છે . ગુજરાતમાં અનેક આંદોલનો જોયા છે , કર્યા છે અને નિપટાવ્યા છે . જેથી આંદોલનો નો બહોળો અનુભવ ધરાવતા ગૃહ મંત્રી વિપક્ષની ચાલ સમજી ન શકે એટલા નાદાન તો નથી જ , પરંતુ વિપક્ષી આંદોલનો અને સરકારી તાકાત ના મુકાબલામાં આખરે સામાન્ય પ્રજાને જ સહન કરવું પડતું હોય છે . આંદોલનો કરાવનારા AC ચેમ્બરમાં બેસી TV પર મજા લેતા હોય છે , અને નાદાન યુવાનો શહીદ થઈને મા – બાપ ને નિરાધાર કરી દેતા હોય છે . આ વાસ્તવિક્તા હોવા છતાં આપણા દેશમાં આંદોલનમાં કુદી પડવા માટે એક મોટો વર્ગ હંમેશા તૈયાર હોય છે .
પ્રજાના પાયાના પ્રશ્નો ને બાજુપાર મુકીને વિપક્ષ રાજકીય મુદ્દે લડત કરે છે . તેનો ફાયદો શાસક પક્ષને પણ થાય છે કારણકે આંદોલન અનેક પેટા પ્રશ્નો ઉભા કરે છે અને પ્રજાનું સમગ્ર ધ્યાન આવા ફાલતું મુદ્દામાં અટવાયેલું રહે છે . રાજકારણીઓને રાજકીય લડત લડવાની ફાવટ હોય છે જ . વિપક્ષ ક્યારેય પોઝીટીવ સુચન કરતો નથી કે બેરોજગારોને વધુ રોજગારી પૂરી પાડવા કયા કયા પગલા લેવા જોઈએ . માત્ર આક્ષેપો કરીને યુવાનોને મેદાનમાં લાવી દેવામાં આવે છે .
ખેડૂતોના પ્રશ્નો સમગ્ર દેશમાં એક સમાન છે . અને છતાં મિડિયામાં સહુથી વધુ ચર્ચા JNU ની ઘટના અને તેના પ્રત્યાઘાતો પર જ થઇ રહી છે . ડીબેટ સંભાળીને આશ્ચર્ય થાય છે કે રાજકીય પક્ષો પોતાને સાચા પાડવા કેવી વાહિયાત દલીલો કરતા હોય છે . અને ઉગ્રતાપૂર્ણ દલીલ એ જે તે નેતા માટે રાજકીય સીડી બની જતી હોય છે . આપણા યુવાનો ૨૧મી સદીને આ જ રીતે વેડફી નાખશે તો વિશ્વગુરુ બનવાની વાતો હવામાં જ રહેશે.

Print Friendly, PDF & Email