(જી.એન.એસ) તા. 27
ભારતીય નૌસેના દ્વારા અરબી સમુદ્રમાં પોતાની તાકાત બતાવી છે. નેવીએ સમુદ્રની વચ્ચે દુશ્મનને તેની એન્ટી-શિપ મિસાઇલની શક્તિનું પ્રદર્શન કર્યું. અરબી સમુદ્રમાં તૈનાત ભારતીય નેવીના યુદ્ધ જહાજોએ તાજેતરમાં અનેક એન્ટી-શિપ મિસાઇલ ફાયરિંગ કર્યા છે. નૌકાદળે આજે દુનિયાને આની ઝલક બતાવી. ભારતીય નેવીએ જણાવ્યું હતું કે નૌકાદળ યુદ્ધ માટે તૈયાર, વિશ્વસનીય અને ભવિષ્યમાં રાષ્ટ્રના દરિયાઈ હિતોનું રક્ષણ કરવા માટે, ગમે ત્યારે, ગમે ત્યાં, ગમે તે રીતે તૈયાર છે.
ભારતીય નૌકાદળે પણ દૂર સુધી નિશાન સાધી શકે તેવી મિસાઈલો, પ્લેટફોર્મ અને વેપન સિસ્ટમનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે. આ જ ક્રમમાં નૌકાદળે ગઈકાલે એન્ટી-શિપ ફાયરિંગનું સફળ ટેસ્ટિંગ કર્યું હતું.
ભારતીય નૌકાદળે સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર કેટલાક વીડિયો શેર કર્યા છે. તેમાં જોવા મળી રહ્યું છે કે, જહાજોથી મિસાઈલો ઝીંકી ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આના એક દિવસ પહેલા યુદ્ધ જહાજોની તસવીર શેર કરવામાં આવી હતી, જેમાં લખાયું હતું કે, ‘ભારતીય નૌકાદળ દરિયાઈ હિતોની સુરક્ષા કરવા માટે કોઈપણ સમયે, કોઈપણ સ્થળે અને કોઈપણ પ્રકારના યુદ્ધ માટે તૈયાર છે.’ ભારતીય નૌકાદળની આ પોસ્ટે દુશ્મન દેશને સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે.
થોડા દિવસ અગાઉ ભારતીય નૌકાદળના યુદ્ધજહાજ INS સૂરત દ્વારા અરબી સમુદ્ર પર ઝડપથી ઉડતા ટાર્ગેટ પર MR-SAM મિસાઈલ સિસ્ટમ વડે સચોટ રીતે નિશાન સાધી અને તેને નષ્ટ કરી દુશ્મન દેશને તાકાત બતાવી દીધી છે. MR-SAM સપાટીથી સપાટી પર પ્રહાર કરતી મિસાઇલો અને અન્ય હવાઈ લક્ષ્યો સામે ખૂબ અસરકારક છે. આ પરીક્ષણ બાદ ભારતીય નૌસેનાએ X પર લખ્યું, ‘ભારતીય નૌસેનાના નવીનતમ સ્વદેશી માર્ગદર્શિત મિસાઇલ વિનાશક INS સુરતે સમુદ્રમાં લક્ષ્યને સફળતાપૂર્વક હિટ કર્યું, જે આપણી સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવવામાં વધુ એક સીમાચિહ્નરૂપ છે.’