Home દુનિયા IND – NZ : આજે ટીમ ઇન્ડિયા નવા કોચ અને...

IND – NZ : આજે ટીમ ઇન્ડિયા નવા કોચ અને નવા કેપ્ટન સાથે T20 ની શરૂઆત

147
0

(જી.એન.એસ) , તા.૧૭

જયપુર

યુએઈમાં ટીમની નિષ્ફળતા બાદ ભારતે હાર્દિક પંડયાના વિકલ્પની તલાશ શરૃ કરી દીધી છે. આઇપીએલમાં જબરજસ્ત પર્ફોમન્સ આપનારા વેંકટેશ ઐયરની ઓલરાઉન્ડર તરીકેની ક્ષમતાની ન્યુઝીલેન્ડ સામે કસોટી થશે. વેંકટેશની સાથે સાથે ગાયકવાડ, હર્ષલ પટેલ અને અવેશ ખાનને પણ આઇપીએલના શાનદાર દેખાવને કારણે ટીમ ઈન્ડિયામાં તક મળી છે. જ્યારે ટી-૨૦ વર્લ્ડ કપની ટીમમાંથી પડતા મૂકાયેલા યઝવેન્દ્ર ચહલે આઇપીએલમાં નોંધપાત્ર દેખાવ કરતાં ટીમમાં ફરી સ્થાન મેળવી લીધું છે. જયપુરમાં આવતીકાલે સાંજે ૭.૦૦ વાગ્યાથી શ્રેણીની પ્રથમ ટી-૨૦ મેચનો પ્રારંભ થશે. ન્યુઝીલેન્ડની ટીમ ટી-૨૦ વર્લ્ડ કપની ફાઈનલના ત્રીજા જ દિવસે ભારતમાં ટી-૨૦ શ્રેણી રમવા ઉતરશે.

ટી-૨૦ શ્રેણીની પ્રથમ મેચના પ્રારંભ સાથે ટીમ ઈન્ડિયાના નિયમિત ટી-૨૦ કેપ્ટન તરીકે રોહિત શર્મા અને કોચ તરીકે રાહુલ દ્રવિડનો કાર્યકાળ પણ શરૃ થઈ જશેે. યુએઈમાં રમાયેલા ટી-૨૦ વર્લ્ડ કપમાં સુપર-૧૨માં જ બહાર ફેંકાયેલી ભારતીય ટીમ આવતીકાલની ટી-૨૦ની સાથે આવતા વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી-૨૦ વર્લ્ડ કપની તૈયારીઓ પણ શરૃ કરી દેશે. કોહલી અને બુમરાહને શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો હોવાથી આઇપીએલમાં ચમકેલા યુવા ખેલાડીઓ પાસે તેમની પ્રતિભા દર્શાવવાની તક છે.

ન્યુઝીલેન્ડનો કેપ્ટન વિલિયમસન ટી-૨૦ વર્લ્ડ કપના થાકને કારણે ભારત સામેની ટી-૨૦ શ્રેણીમાંથી ખસી ગયો છે. વિલિયમસનની ગેરહાજરીમાં હવે સાઉથી ન્યુઝીલેન્ડની ટી-૨૦ ટીમનું સુકાન સંભાળશે. જ્યારે ન્યુઝીલેન્ડની ટીમમાં તમામ સ્ટાર્સ ટી-૨૦ વર્લ્ડ કપની ફાઈનલ રમ્યા બાદ સીધા ભારત આવી પહોંચ્યા છે. જેના કારણે મુકાબલો રસપ્રદ બનશે.

T20 ટીમ ઇન્ડિયામાં રોહિત શર્મા (કેપ્ટન), રાહુલ, હર્ષલ પટેલ, પંત, ગાયકવાડ, સૂર્યકુમાર, સિરાજ , અક્ષર પટેલ, કિશન, ચહલ, અશ્વિન, બી.કુમાર, વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર અને અવેશ ખાન નો સમાવેશ છે જયારે ન્યુઝીલેન્ડ ની ટીમમાં  સાઉથી (કેપ્ટન), ફિલિપ્સ, એસ્ટલ, બોલ્ટ, ફર્ગ્યુસન, સોઢી, નીશમ , જેમીસન, સેઈફેર્ટ, મિલને, , મિચેલ, ચેપમેન, ગપ્ટિલ, અને સાન્ટનર નો સમાવેશ થયો છે.

ભારતની ટીમમાં પાંચ ઓપનર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે ઓપનિંગમાં તો રોહિત અને રાહુલની જોડી નક્કી જ છે. કિશન, ગાયકવાડ તેમજ વેંકટેશ ઐયરને મીડલ ઓર્ડરમાં ચાન્સ મળી શકે છે. શ્રેયસ ઐયર પણ ફિટનેસ સાથે ટીમમાં પાછો ફર્યો છે. સુર્યકુમારે પણ આગવી લય મેળવવી પડશે. જાડેજાની ગેરહાજરીમાં અક્ષર પટેલ તેનું સ્થાન લઈ શકે છે. જ્યારે અશ્વિનનું કમબેક નક્કી છે. ભુવનેશ્વરની સાથે ફાસ્ટ બોલર તરીકે દીપક ચાહર, અવેશ ખાન તેમજ હર્ષલ પટેલ તેમજ સિરાજ વચ્ચે સ્પર્ધા થશે.

સાઉથી અને બોલ્ટની સાથે ઈશ સોઢી અને સાન્ટનર ભારતીય ટીમને ટી-૨૦ વર્લ્ડ કપમાં પરેશાન કરી ચૂક્યા છે. ભારતની નજર ટી-૨૦ વર્લ્ડ કપની હારનો બદલો લેવા પર રહેશે. ન્યુઝીલેન્ડે તેની પ્રથમ હરોળની ટીમ ઉતારી છે. જ્યારે ભારતે કોહલીની સાથે બુમરાહ અને જાડેજાને આરામ આપ્યો છે, જેના કારણે યુવા ખેલાડીઓએ જવાબદારી સાથે પર્ફોમન્સ આપવું પડશે.

ઓલરાઉન્ડર નીશમ પણ ભારત માટે મુશ્કેલી સર્જી શકે છે. ન્યુઝીલેન્ડ ભારત સામે તેના ઓલરાઉન્ડર કાયલ જેમીસનને અજમાવી શકે છે. ટીમની બેટીંગનો મદાર ગપ્ટિલ, મિચેલ, ફિલિપ્સ, સેઈફેર્ટ પર રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવડાપ્રધાન મોદી સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટ દ્વારા સુલ્તાનપુર પહોંચ્યા હતા
Next articleવૈશ્વિક મોરચે ફુગાવા – મોંઘવારીના વધતાં જોખમ અને વિવિધ દેશોમાં ફરી કોરોના સંક્રમણની નવી લહેરની ચિંતા વધતાં સ્થાનિક શેરબજારમાં પીછેહઠ યથાવત્…!!