Home ગુજરાત GNS વિશેષ: કોરોના સારવાર અને ટેસ્ટીંગ માટે ખાનગી લેબ અને હોસ્પિટલોનો ઉપયોગ...

GNS વિશેષ: કોરોના સારવાર અને ટેસ્ટીંગ માટે ખાનગી લેબ અને હોસ્પિટલોનો ઉપયોગ કરવો જરૂરી

480
0
SHARE
તો સરકારને ખાનગી હોસ્પિટલોના હજારો બેડ અને લેબની મળશે સુવિધા
નાના નાના શહેરો સુધી કાર્યરત પણ હાલમાં બંધ ખનગી લેબને સોંપી શકાય ટેસ્ટીંગની કામગીરી,…..ઝડપ આવશે-કોરોનાની ચેઇન તૂટશે…!
ટેસ્ટીંગની માત્રા વધશે, કોરોનાના છુપા દર્દીઓ હાથમાં આવશે…. પરિણામે….એવા લોકોના ટેસ્ટીંગથી કોરોની ચેઇન તૂટશે, કોરોના ભાગશે …..
કોરોનાથી લોકોને બચાવવા ખાનગી હોસ્પિટલો કે ખાનગી લેબની સેવામાં 200 કરોડ વપરાઇ જાય તો પણ તેનો કોઇ વિરોધ નહીં થાય….

(જીએનએસ.) ગાંધીનગર, તા.25
કોરોના…કોરોના…કોરોના…છેલ્લાં બે મહિનાથી ગુજરાત અને દેશના લોકો કોરોના નામથી એવા ભડકે છે કે કોઇ ખાલી કો…બોલે તો તરત જ તે શબ્દ કોરોના જ છે એમ માની લે છે…!! રૂપાણી સરકાર વતી સચિવ જયંતિ રવિએ કોરોના સામે હજુ બે મહિના જંગ લડવાની હાકલ કરી છે. અમદાવાદના મ્યુનિ. કમિશ્નર વિજય નેહરા વળી રવિથી બે ડગલા આગળ જઇને કહે છે કે એકલા અમદાવાદમાં 15 મે સુધીમાં 50 હજાર કેસો થઇ શકે….યાદ રહે કે આ પ્રકારની જાહેરાતો ચૂટણીના સમયે સહેલાઇથી મળતાં આગેવાનો કે સરકારના મુખિયા વિજય રૂપાણી કે આરોગ્ય મંત્રી નીતિન પટેલે કરી નથી. તેઓ આવી મહત્વની અને 6 કરોડની વસ્તીને સ્પર્શતી જાહેરાત પોતે કેમ કરતાં નથી અને અધિકારીઓને કેમ આગળ કરે છે તે પણ પોલીટીકલ સાયન્સના વિદ્યાર્થીઓ માટે એક સંશોધનનો વિષય હોઇ શકે. કોરોનાના કેસો વધી રહ્યાં છે. સરકાર પગલા લઇ રહ્યાં છે. છતાં રોગ કાબુમાં આવતો નથી. આ અંગે જીએનએસ દ્વારા કેટલાક તબીબ નિષ્ણાતો સાથે વાતચીત કરીને તેમણે જે ઉપાયો સૂચવ્યાં તેનો જો અમલ કરવામાં આવે તો ટેસ્ટીંગની માત્રા વધશે, કોરોનાના છુપા દર્દીઓ હાથમાં આવશે પરિણામે બીજાને ચેપ લાગતો અટકશે અને ખૂબ ઝડપથી કોરોનાના ચેઇન તોડવામાં સરકાર સફળ થઇ શકે.
તબીબોએ જે સૂચનો કર્યાં છે તે મુજબ એક તો, કોરોના વાઇરસની ચેઇન એટલે કે સાંકળ કે કડી તોડવી જરૂરી છે. એક પોઝીટીવ બીજાને અને બીજો ત્રીજાને ચેપ ફેલાવે તે થઇ સાંકળ. પણ જો પહેલાને કે બીજાને શોધી કાઢવામાં આવે તો આ સંકળ આગળ વધતી અટકે. અને તે માટે ટેસ્ટીંગની માત્રા વધારવી પડે. સરકાર પાસે સરકારી હોસ્પિટલોની એક મર્યાદા છે. પણ જો ખાનગી હોસ્પિટલો કે જે સારામાં સારી લેબ સાથે સુસજ્જ છે. હાલમાં લોકડાઉન અને કોરોનાને લીધે ખાનગી હોસ્પિટલો ઇમરજન્સી સિવાય ખાલી છે. સરકાર તેમની સાથે કરાર કરે. રૂમ ચાર્જ નક્કી કરે. ટેસ્ટીંગના દર નક્કી કરે અને કોરોના પોઝીટીવના દર્દીઓને સરકારી હોસપિટલોમાં જગ્યા ના હોય તો ભાડે રખાયેલી ખાનગી હોસ્પિટલોમાં મોકલે. જ્યાં ટેસ્ટીંગ થશે અને સારવાર થશે. સરકાર કોરોના સારવારના દર નક્કી કરે અને પેશન્ટ દીઠ ચૂકવે. તેમાં પારદર્શકતા રાખવામાં આવે. જેથી સરકાર કે હોસ્પિટલો સામે કોઇ આંગળી ના ચિંધે.
સરકાર પાસે ઇમરજન્સીમાં આવી હોસ્પિટલો સંપાદિત કરવાની કાયદાકિય સત્તા છે. પણ જો ફાઇસ્ટાર પ્રકારની કે સારામાં સારી સુવિધા ધરાવનાર મલ્ટી સુપર સ્પેશ્યાલીટી વાળી હોસ્પિટલો સામે ચાલીને સરકાર સાથે જોડાય તેવા પ્રયાસો સરકાર કરે તો તે સાનુકૂળ રહેશે. તેમની સાથે એક પેશન્ટને સારવાર કરવાના કિફાયતી દર સરકાર નક્કી કરે. જો તેમ થાય તો અમદાવાદ અને ગુજરાતમાં સેંકડો હોસ્પિટલોના હજારો બેડ અને લેબનો લાભ સરકારને મળે. ખાનગી હોસ્પિટલો પણ કોરોના જંગમાં પોતાનું યોગદાન આપી શકે.
ઉપરાંત, અમદાવાદ સહિત નાના શહેરોમાં સારી સુવિધા ધરાવતી લેબોરેટરીઓ છે. તેમાંથી માપદંડ પ્રમાણેની લેબ પસંદ કરીને કોરોનાના ટેસ્ટીંગની માન્યતા આપે તો સરકારી લેબ પરનું ભારણ ઘટશે અને ખાનગી લેબને આવક પણ થશે. જો કે ટેસ્ટીંગના પૈસા દર્દીને બદલે સરકાર ચૂકવે. સરકાર તેના વાજબી દર નક્કી કરે અને તેમને જંગમાં સામેલ કરે તો હજારો લેબમાં રોજેરોજ હજારોની સંખ્યાંમાં ટેસ્ટીંગ થશે. હાલમાં જે રોજના 3 હજાર ટેસ્ટીંગની ક્ષમતા છે તેમાં વધારો થતીં પોઝીટીવ પેશન્ટને શોધી કાઢવામાં ઝડપ આવશે અને તેમ કરતાં કોરોનાની ચેઇન તોડવામાં સફળતા મળી શકે. હાલમાં આવી લેબ લોકડાઉનમાં બંધ છે ત્યારે તેમને પણ આવક મળશે. અને ટેસ્ટીંગના અભાવે જે સંભવિત કોરોના પોઝીટીવ લોકો ખુલેઆમ ફરી રહ્યાં છે, તેમાંથી ઘણાને ખબર પણ નહીં હોય કે તેમનામાં કોરોનાના લક્ષણો છે, એવા લોકોના ટેસ્ટીંગથી કોરોની ચેઇન તૂટશે, કોરોના ભાગશે.
નિષ્ણાતોનું માનવુ છે કે સરકારે સંખ્યાંબંધ કોરોના હોસ્પિટલો તૈયાર કરી છે. રોજ 200 કેસો વધી રહ્યાં છે. 200 કેસ એટલે 200 દર્દીઓ અને 200 દર્દીઓ એટલે 200 પથારીઓ કે બેડની વ્યવસ્થા કરવી પડે. 1200 બેડની હોસ્પિટલમાં જગ્યા નથી. તેથી સરકારે આ જંગમાં ખાનગી હોસ્પિટલોની અને ખાનગી લેબની મદદ લેવી જોઇએ. નમસ્તે ટ્રમ્પમાં 200 કરોડ ખર્ચાયા. પ્રજામાંથી કોઇએ વિરોધ કર્યો નહોતો. કોરોનાથી લોકોને બચાવવા ખાનગી હોસ્પિટલો કે ખાનગી લેબની સેવામાં 200 કરોડ વપરાઇ જાય તો પણ તેનો કોઇ વિરોધ નહીં થાય. કારણ કે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ કહ્યું છે, જાન હૈ તો જહાન હૈ….જાન ભી બચાના હૈ, જહાન ભી બચાના હૈ….!

Print Friendly, PDF & Email