Home ગુજરાત GNS વિશેષઃ કોરોના મહામારીમાં અધિકારીઓ આગળ, મંત્રીઓ ક્યાંય જડતા જ નથી…આવું કેમ...

GNS વિશેષઃ કોરોના મહામારીમાં અધિકારીઓ આગળ, મંત્રીઓ ક્યાંય જડતા જ નથી…આવું કેમ રૂપાણી સાહેબ…?

269
0
SHARE
ભૂકંપ-પૂર-ગોધરા જેવી આપત્તિમાં મેનેજમેન્ટ અને કંટ્રોલરૂમ સંભાળનારા મંત્રીઓ….કોરોનામાં ક્યાં લપાઇ ગયા…?
જો ડોક્ટરો-નર્સો જાનનું જોખમ લઇને કોરોનાનો સામનો કરી રહ્યાં હોય તો કેટલાક મંત્રીઓ કે ધારાસભ્યો જોખમ ના લઇ શકે….?

(જીએનએસ. પ્રવિણ ઘમંડે)
ગુજરાતમાં કોરોના મહામારીએ એટલી માઝા મૂકી છે કે એક જ દિવસમાં 49 લોકોના મોત થયા છે. કુલ 33 જિલ્લામાંથી 32 જિલ્લામાં કોરોના ફેલાઇ ગયો છે. લોકડાઉન-2 અને લોકડાઉન-3માં કોરોના કેસો એકલા અમદાવાદમાં એટલા બધા વધ્યા કે ક્યાંક અમદાવાદ બીજુ વુહાન ના બની જાય….! ગુજરાતમાં એટલી ભયાવહ સ્થિતિ છે કે લોકોને તંત્ર પર વિશ્વાસ રાખવો કે કેમ તે એક સવાલ છે. કેમ કે કેસો વધતાં ગયા ત્યારે સરકાર તરફથી પ્રવક્તા મહિલા અધિકારી દ્વારા એમ કહેવાયું કે ભવે કેસો વધે, પણ ડોન્ટ વરી…ગભરાશો નહીં…! કેસ વધે તો સરકાર ભલે ચિંતા ના કરે પરંતુ લોકોને તો ચિંતા થાય તે સ્વાભાવિક છે. પરંતુ એક બીજી અસ્વાભાવિક બાબતની ગુજરાત નોંધ લઇ રહ્યું છે આપત્તિના સમયે કાઠુ કાઢનાર ગુજરાતમાં આ વખતે કોરોના મહામારીમાં મંત્રીઓ કેમ ગાયબ છે આપત્તિનો સામનો કરવામાં…?મોરબી ડેમ તૂટ્યો ત્યારે તે વખતના મુખ્યમંત્રી ગાંધીનગર છોડીને મોરબીમાં ધામા નાંખીને રહ્યાં હતા અને રાહત કાર્ય પર સીધી દેખરેખ રાખી હતી. હાલના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદના સૌથી વધુ કોરોનાના કેસો નોંધાયા એ વિસ્તારની મુલાકાતે ગયા…? જવાબ આપવાની જરૂર છે ખરી…?
ગુજરાતનો એ વારસો રહ્યો છે કે આપત્તિના સમયે મંત્રીઓએ મોરચો સંભાળ્યો છે. ભૂકંપ વખતે મંત્રીઓને જે તે ભૂકંપગ્રસ્ત જિલ્લા કે વિસ્તારની જવાબદારી સોંપાઇ હતી. ગોધરાના રમખાણો વખતે મંત્રીઓએ પોલીસ કન્ટ્રોલ રૂમમાં બેસીને કામગીરી પર સીધી દેખરેખ રાખી હતી. પૂર વખતે પણ મંત્રીઓને જે તે પૂરગ્રસ્ત વિસ્તારોની જવાબદારી સોંપવામાં આવતી હતી. પરંતુ આ વખતે કદાજ કોરોનાનો ચેપ ના લાગે તેવી કોઇ બીક કે ડરના માર્યા મંત્રીઓ મોરચેથી ગાયબ છે. ગાયબ શું આવ્યાં જ નથી. આવ્યાં હોય તો ગાયબ થાય. અહીં તો એક પણ મંત્રીને કોરોનાગ્રસ્ત જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી નથી. રેડઝોન અમદાવાદમાં તો એટલી ખરાબ હાલત છે કે એક એક વિસ્તારમાં એક એક મંત્રીને નિમવા પડે તો જ રોગચાળાને કાબુમાં લેવામાં કંઇક સફળતા મળે. પરંતુ કોરોના સામેની લડાઇમાં અગ્રમ મોરચે કોણ છે….?
ચૂંટાયેલી પાંખના મંત્રીઓના સ્થાને અધિકારીઓનો ચહેરા ટીવી દ્વારા લોકો સુધી પહોંચી રહ્યાં છે. કોરોનાની માહિતી માટે મહિલા અધિકારી જયંતિ રવિ. સરકારના પગલાની માહિતી માટે અશ્વિનીકુમાર. અને હવે અમદાવાદનો હવાલો કમિશ્નર વિજય નેહરાને હટાવીને સીધા ગાંધીનગરથી મૂકાયેલા રાજીવ ગુપ્તાને સોંપાયો, આરોગ્ય વિભાગનો હવાલો પંકજકુમારને સોંપાયો. ક્યાંય મંત્રીઓના નામો દેખાતા નથી….!
આ તે કેવી સરકાર છે….આ તે કેવા મંત્રીઓ છે કે જે પ્રજાની મુશ્કેલીમાં તેમની પડખે નથી….! મંત્રીઓની સાથે સાથે સત્તાપક્ષ ભાજપના કોઇ ધારાસભ્ય કે સાંસદ કોરોનાની મહામારીમાં તેમના ખબરઅંતર પૂછવા પણ જતાં નથી…! ભૂકંપ વખતે મંત્રીઓને જવાબદારી સોંપાઇ હતી. ભલે તેમાં કોઇ લાભાલાભ ના હોય પણ હાલમાં કોરોનાની મહામારીમાં જો પ્રજાના પ્રતિનિધિઓ પ્રજાની વચ્ચે જશે તો તેમાં જીવનનો લાભા જ લાભ છે….! હાલમાં મંત્રીઓ કે ધારાસભ્યો વગેરે. કોરોનાગ્રસ્તોને મળશે તો તેઓ તેમને જીવનભર યાદ રાખશે. યાદ રહે કે ગાંધીજીએ કુષ્ઠરોગીઓની સારવાર કરી હતી. કમસે કમ તેમાંથી પ્રેરણા લઇને કોઇ મંત્રી લીલીઝંડી ફરકાવવાને બદલે સીવીલ હોસ્પિટલની મુલાકાત લે તો કેટલાય કોરોના દર્દીઓમાં રોગ સામે લડવાનો જોમ અને જુસ્સો વધે. તેમને એમ થાય કે મંત્રીઓ કે પ્રતિનિધિઓ માત્ર વોટ લેવા જ આવતા નથી, તેમની કપરી મુશીબતમાં પણ ખબર કાઢવા આવે છે.
કોરોના સામેની લડાઇમાં ભાજપ સરકારના મંત્રીઓ અને મુખ્યમંત્રીની ગેરહાજરી એ બાબતનો પુરાવો છે કે રૂપાણી સરકાર અધિકારીઓના ભરોસે ચાલી રહી છે. સરકારના મંત્રીઓ પણ કોરોનાના ચેપીરોગથી ડરીને સરકારી બંગલામાં લપાઇને બેસી ગયા છે. 25 વર્ષ સત્તા ભોગવનાર સરકારને હજુ પણ ખબર નથી કે આપત્તિનો સામનો કઇ રીતે કરવો અને સરકારના મંત્રીઓની તેમાં શું ભૂમિકા હોવી જોઇએ. જિલ્લા આયોજનમંડળની બેઠકમાં પ્રભારી મંત્રી નિયમિત હાજરી આપે તો કોરોનાના કપરાકાળમાં કોઇ સરકારી હોસ્પિટલની મુલાકાત લેતાં શરમ નથી આવતી પણ તેમને કદાજ પેલા શબ્દો યાદ આવતા હશે- જાન હૈ તો જહાન હૈ….! સાહેબાન, જો આ જ શબ્દો કોરોના સામે લડી રહેલા કોરોના વોરિયર્સ ડોક્ટરો-નર્સો યાદ રાખે તો શું થાય…?
જો ડોક્ટરો-નર્સો જાનનું જોખમ લઇને કોરોનાનો સામનો કરી રહ્યાં હોય તો કેટલાક મંત્રીઓ કે ધારાસભ્યો જોખમ ના લઇ શકે….?

Print Friendly, PDF & Email