Home દુનિયા - WORLD G20: જમ્મુ અને કાશ્મીરમાં વિદેશી પ્રતિનિધિઓનું ભવ્ય સ્વાગત, ફિલ્મ ટુરિઝમના પ્રમોશન પર...

G20: જમ્મુ અને કાશ્મીરમાં વિદેશી પ્રતિનિધિઓનું ભવ્ય સ્વાગત, ફિલ્મ ટુરિઝમના પ્રમોશન પર ચર્ચા

72
0

(જી એન એસ)

• શ્રીનગરમાં G20 ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠક શરૂ
• પ્રથમ દિવસે ‘ભારત એઝ અ ફિલ્મ ટુરિઝમ ડેસ્ટિનેશન’ વિષય પર ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું
• પેનલ ચર્ચામાં સ્પેન, સિંગાપોર, મોરેશિયસ, નાઈજીરીયા, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ અને ભારતના પ્રતિનિધિઓએ ભાગ લીધો

શ્રીનગર, 22

ભારતની G20 અધ્યક્ષતામાં જમ્મુ અને કાશ્મીરમાં ત્રીજી ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠક આજે શરૂ થઈ હતી. G20 જૂથના લગભગ 60 વિદેશી પ્રતિનિધિઓએ બેઠકમાં ભાગ લીધો હતો. સોમવારે સવારે કડક સુરક્ષા વચ્ચે ચાર્ટર્ડ ફ્લાઈટમાં શ્રીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રતિનિધિઓ પહોંચ્યા હતા જ્યાં તેમનું કેન્દ્રીય પ્રવાસન મંત્રી જી. કિશન રેડ્ડી અને G20 શેરપા અમિતાભ કાંત દ્વારા પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતુ. આ બેઠકમાં 60 વિદેશી પ્રતિનિધિઓ ઉપરાંત દેશભરમાંથી પ્રવાસન સંબંધિત વિવિધ સંસ્થાઓના લગભગ 65 પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. સ્થળની સુરક્ષા માટે NSG અને મરીન કમાન્ડોની મદદથી સમગ્ર ખીણમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ બેઠક 24 મેના રોજ પૂર્ણ થશે.

22 મેના રોજ બેઠકના પ્રથમ દિવસે શેર-એ-કાશ્મીર કન્વેન્શન સેન્ટર ખાતે ફિલ્મ પ્રવાસનને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરતી એક સાઇડ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ‘ભારત એઝ અ ફિલ્મ ટુરિઝમ ડેસ્ટિનેશન’ વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. છેલ્લે, વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં ફિલ્મ ટુરિઝમના આર્થિક લાભો અને ડેસ્ટિનેશન પર ફિલ્મ ટુરિઝમની અસર અંગે પેનલ ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે સંબોધન કરતા G-20 શેરપા અમિતાભ કાંતે જણાવ્યુ કે, કાશ્મીરમાં આ મેગા ઇવેન્ટની સકારાત્મક અસર પડશે અને રાજ્યમાં શાંતિ, સમૃદ્ધિ અને નોકરીઓનું સર્જન થશે. તેમણે કહ્યું કે આ બેઠકથી પ્રવાસન ઉદ્યોગનો વિકાસ થશે અને મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવશે.

વિવિધ વક્તાઓએ ફિલ્મો દ્વારા ગંતવ્યોને પ્રોત્સાહન આપવા માટે અપનાવવામાં આવેલા વિવિધ પડકારો અને દેશ-વિશિષ્ટ પહેલો પર પ્રકાશ પાડ્યો હતો. સ્પેન, સિંગાપોર, મોરેશિયસ, નાઈજીરીયા, દક્ષિણ આફ્રિકા, બ્રાઝીલ અને ભારતના પ્રતિનિધિઓએ પેનલ ચર્ચામાં ભાગ લીધો હતો. ત્રીજી પ્રવાસન કાર્યકારી જૂથની બેઠક દરમિયાન, પ્રતિનિધિઓએ સરકાર દ્વારા આયોજિત કલા અને શિલ્પ બજારની પણ મુલાકાત લીધી હતી.

ત્રણ દિવસીય આ કાર્યક્રમમાં ગ્રીન ટુરીઝમ, ડીજીટાઈઝેશન, સ્કીલીંગ, ટુરીઝમ MSME અને ડેસ્ટીનેશન સહિતના પાંચ મુખ્ય પ્રાથમિકતા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. પ્રવાસન જૂથની બેઠક ઘાટીના લોકોને તેમની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવા ઉપરાંત પ્રદેશની પ્રવાસન ક્ષમતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિને ઉજાગર કરવાની અનન્ય તક પૂરી પાડશે.

મીટિંગના છેલ્લા દિવસે તમામ મહેમાનો કાશ્મીરમાં સકારાત્મક પરિવર્તનનો અનુભવ કરવા માટે પોલો વ્યૂ, જેલમ રિવર ફ્રન્ટ અને શ્રીનગર શહેરમાં કેટલાક અન્ય સ્થળોની મુલાકાત લેશે. પ્રવાસન કાર્યકારી જૂથની પ્રથમ બેઠક ફેબ્રુઆરીમાં ગુજરાતના કચ્છના રણમાં અને બીજી બેઠક એપ્રિલમાં પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં યોજાઈ હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાત સરકારનો C To D પ્રવેશ પ્રક્રિયાને લઇને મહત્વનો નિર્ણય
Next articleબોલીવુડના અભિનેતા અનુપમ ખેર શૂટિંગ દરમિયાન ઘાયલ