Home ગુજરાત DGPનું જાહેર “કબુલાતનામું” નશાબંધીને વરેલા ગુજરાતમાં દારૂ વેચાય છે…..!!?

DGPનું જાહેર “કબુલાતનામું” નશાબંધીને વરેલા ગુજરાતમાં દારૂ વેચાય છે…..!!?

917
0

રાજસ્થાન પોલીસે ગુજરાત પોલીસનો ૨૦ લાખનો તોડ કર્યો છે શું આ ઘટનાને પગલે પોલીસવડાને ખાસ પરિપત્ર કરવાની ફરજ પડી છે?

(જી.એન.એસ)ગાંધીનગર,તા.૨
દારૂબંધીને વરેલા ગુજરાત રાજ્યમાં પોલીસ વડાની દારૂની અને જુગારની બદી રોકવા માટે ખાસ પરિપત્ર કરીને ખાસ ઝુંબેશ શરુ કરવી પડે એ જ બતાવે છે કે ગુજરાતમાં દારૂબંધી સાવ નિષ્ફળ ગઇ છે અને હજારો પોલીસનો કાફલો હોવા છતાં રાજ્યમાં બેરોકટોક દારૂની ગેરકાયદે હેરાફેરી ચાલી રહી છે એટલું જ નહિ વાહનોમાં લક્ઝરી બસનો ઉપયોગની સાથે ટ્રેનમાં પણ દારૂની ગેરકાયદે હેરફેર થઇ રહી છે પોલીસવડાએ ૨ જૂનથી શરુ કરીને એક સપ્તાહ સુધી વિશેષ ડ્રાઇવ શરુ કરવા વિનંતી કરી છે પરંતુ શું એક સપ્તાહ પછી ગુજરાતમાં ગેરકાયદે દારૂની હેરફેર,ઉત્પાદન,વેચાણ અને હપ્તારાજ અટકી જશે?
ગુજરાત રાજ્યની સ્થાપના કાળથી નશાબંધીની નીતિ અપનાવવામાં આવી છે. રાષ્ટ્રપિતા ગાંધીજી ગુજરાતમાં જન્મ્યા હોવાથી અને રાષ્ટ્રપિતા પોતે નશાબંધીના હિમાયતી હોવાથી ૧મે,૧૯૬૦થી ગુજરાતે નશાબંધીની નીતિ અપનાવી પરંતુ ગાંધીનગરની ગાદી પર ભલભલી સરકારો આવી અને ગઇ પરંતુ ગેરકાયદે દેશી અને વિદેશી દારૂનો વેપલો ધમધોકાર ચાલી રહ્યો છે. તેની સાથે સાથે પોલીસતંત્રમાં હપ્તારાજ પણ ચાલી રહ્યું છે. જ્યારે જ્યારે કોઇ ઘટના કે લઠ્ઠાકાંડ બને ત્યારે સરકાર ઊંઘમાંથી જાગીને પોલીસતંત્રને ‘કડક આદેશો’ આપે છે. પરંતુ જ્યારે સમય વિત્યા પછી બધુ ભૂલાઇ જાય છે અને દિવ-દમણ-રાજસ્થાન,મધ્યપ્રદેશથી દારૂનો ગેરકાયદે જથ્થો આવતો હોય છે.
હાલમાં કોઇ લઠ્ઠાકાંડનો બનાવ બન્યો નથી તેમ છતાં પોલીસવડાની દારૂ-જુગારની બદી માટે વિશેષ ઝુંબેશની વિનંતી કેમ કરવી પડી તે પોલીસબેડામાં ચર્ચાનો વિષય બન્યો છે.
પોલીસવડાએ સાત મુદ્દાનો પરિપત્ર બહાર પાડીને તમામ પોલીસ કમિશ્નરો,રેન્જ અધિકારીઓ,ક્રાઇમ બ્રાન્ચ વગેરેને આદેશ નહિ પણ ‘વિનંતી’ કરી છે કે આ દરોડાઓ સફળ થાય તેની ખાસ કાળજી લેવા વિનંતી છે. શું પોલીસવડાને વિનંતી કરવી પડે છે? આ ઉપરાંત પરિપત્રમાં સૌથી ગંભીર બાબત એ છે કે સાત નંબરના મુદ્દામાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યાં પોલીસની સંભવિત મેળાપીપણા હોવાનું સંભવ હોય ત્યાં ખાસ દરોડા સફળ થાય તેની કાળજી લેવા ‘વિનંતી’ કરી છે. આ બતાવે છે કે ખુદ ગુજરાતના પોલીસવડાને પણ શંકા અને ખાતરી છે કે એમની પોલીસ બુટલેગરો અને જુગારીઓ સાથે મળી ગયેલી હોય છે. એથી પરિપત્રમાં એવો ઉલ્લેખ કરવો પડ્યો કે જે સ્થળે પોલીસની મેળાપી પણું હોય ત્યાં ચોક્કસ દરોડા પાડવા જોઇએ.
તાજેતરમાં રાજસ્થાનથી ત્રણ ટ્રક ભરીને દારૂનો ગેરકાયદે જથ્થો ગુજરાત પોલીસે મંગાવ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે અને એમ કહેવાય છે કે રાજસ્થાન પોલીસે ગુજરાત પોલીસનો ૨૦ લાખનો તોડ કર્યો છે શું આ ઘટનાને પગલે પોલીસવડાને ખાસ પરિપત્ર કરવાની ફરજ પડી છે?
ગુજરાત સરકારે દારૂબંધીના કાયદામાં એવો સુધારો કર્યો છે કે દારૂનો ગેરકાયદે જથ્થો જે વાહનમાં લાવવામાં આવતો હોય,હેરફેર થતી હોય,ઉપયોગમાં લેવાતો હોય તે વાહન જપ્ત કરી લેવું. દક્ષિણ ગુજરાતમાં સુરત,નવસારી વિસ્તારમાં ટ્રેન દ્વારા દારૂની ગેરકાયદે હેરફેર થાય છે. ટ્રેનના ડબ્બામાં બુટલેગરો અને દારૂ લઇ જતાં ખેપિયાઓ પકડાતા હોય છે પરંતુ કાયદાની જોગવાઇ અનુસાર એ ટ્રેનને કેમ જપ્ત કરવામાં આવતી નથી? જો એ શક્ય ન હોય તો સરકારે સુધારેલા કાયદામાં વાહનોનો જે ઉલ્લેખ કર્યો છે તેમાં ટ્રેન,વિમાન વગેરેને બાદ કરી દેવા જોઇએ કેમ કે ટ્રેનમાં દારૂની હેરફેર અટકવાની નથી અને તેને જપ્ત કરી શકાય એમ નથી. જો લક્ઝરી બસ,ટ્રક વગેરે જપ્ત થતા હોય તો ટ્રેનનો ડબ્બો મુદ્દામાલ તરીકે કેમ જપ્ત કરાતો નથી?

Previous articleતંત્રની બેદરકારી આવી સામેઃ લારી ગલ્લાવાળા દુકાનોથી વંચિત
Next articleથાવાણીની ‘લુખ્ખાગીરી’ બાદ ‘ભાઈગીરી’ઃ માર મારનાર મહિલાને ‘બહેન’ બનાવી