ગુજરાતમાં CAAના સંપૂર્ણ- ઝડપી અમલ માટે સરકાર કટિબદ્ધ
કેન્દ્ર સરકાર દ્વારા CAA કાયદાના અમલ બદલ ગાંધીનગર ખાતે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીનું અભિવાદન કરતાં વિવિધ જિલ્લાના CAAના લાભાર્થીઓ
CAAના અમલથી પીડિતોના ઘરે દિવાળીનો માહોલ-કેન્દ્ર સરકારનો દિલથી આભાર માન્યો
(જી.એન.એસ),તા.૧૪
ગાંધીનગર,
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે તાજેતરમાં સિટિઝન અમેન્ડમેન્ટ એક્ટ-CAAનો કાયદો અમલી બનાવ્યો છે તે કાયદો કોઈપણ ભારતીયની નાગરિકતા છીનવતો નથી. આ કાયદો ભારતના પાડોશી દેશ પાકિસ્તાન,બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી પારાવાર યાતનાઓનો ભોગ બનેલા અને ત્યાંથી ભારતમાં શરણ લેવા માટે આવેલા હિન્દુ, શીખ, ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ અને પારસી ધર્મના પીડિતોને ભારતની નાગરિકતા આપવા માટે લાવવામાં આવ્યો છે. આમાં હાલમાં ભારતમાં નિવાસ કરતાં કોઈપણ ધર્મના નાગરિકની નાગરિકતા લઇ લેવાની કોઈ જોગવાઈ નથી તેવી સ્પષ્ટતા કરતાં ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતે ગુજરાતમાં CAAના લાભાર્થીઓને સંબોધતાં જણાવ્યું હતું.
કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં અમલી બનાવાયેલા ભારતીય નાગરિકતા કાનૂન-CAA કાયદાના અમલ બદલ વર્ષો પહેલા પાકિસ્તાનથી ભારત-ગુજરાતના વિવિધ જિલ્લામાં આવીને વસેલા પીડિત ભાઈ-બહેનો દ્વારા આજે ગાંધીનગર ખાતે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
ગૃહ રાજ્ય મંત્રી શ્રી સંઘવીએ કહ્યું હતું કે, અકલ્પનીય યાતનાઓ સહન કરીને પાડોશી દેશોમાંથી ભારતમાં આવીને વસેલા નાગરિકોનું ભારતીય નાગરિકતાનું વર્ષો જૂનું સ્વપ્ન સાકાર થયું છે, આજે તેમના ઘરે દિવાળી આવી છે. આ મોદી સરકારની ગેરંટી એટલે કે કોઈપણ કામ ૧૦૦ ટકા પૂર્ણ કરવાની ગેરંટી છે.તમે બધા ગુજરાતમાં હવે સંપૂર્ણ સલામત-સુરક્ષિત છો તેમ તેમણે ઉમેર્યું હતું.
CAA અંતગર્ત ભારતની નાગરિકતા સંદર્ભે નાના-મોટા પ્રશ્નોના ઝડપી-હકારાત્મક નિકાલ લાવવા યોગ્ય કક્ષાએ સંકલન કરવામાં આવી રહ્યું છે. CAAના અમલ બદલ આજે આપના સૌ તરફથી જે ભેટ-સોગાદ અને અભિનંદન પત્ર મને આપવામાં આવ્યા છે તે તમામ તમારા વતી વડાપ્રધાનશ્રી તેમજ ગૃહ મંત્રીશ્રીને દિલ્હી ખાતે સન્માન સાથે મોકલી આપવામાં આવશે તેમ,જણાવી ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ સૌને અભિનંદન પાઠવ્યા હતા.
રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાયએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા સંપૂર્ણ અભ્યાસ કરીને અમલી બનાવાયેલા CAA કાયદાના ગુજરાતમાં ઝડપી અમલ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. તેના માટે હાલમાં પોલીસ દ્વારા જરૂરી તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ અભિવાદન સમારોહમાં પાકિસ્તાનથી ભારતમાં આવેલા અને અમદાવાદ, મોરબી, રાજકોટ, મહેસાણા, કચ્છ તેમજ પાટણના રાધનપુરમાં સ્થાયી થયેલા પરિવારોમાંથી ૧૦૭ જેટલા ભાઈઓ-બહેનોએ ઉપસ્થિત રહીને કેન્દ્ર સરકાર દ્વારા ૭૦ વર્ષ બાદ આ કાયદાના અમલ માટે નેતૃત્વ લેનાર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહનો અંત:કરણ પૂર્વક આભાર માન્યો હતો.
આ પ્રસંગે પાકિસ્તાનના કરાંચીથી વર્ષ ૧૯૯૦માં અમદાવાદમાં આવેલા પીડિત શ્રી ડિમ્પલબેન વાઘવાણી, રાજકોટમાં સ્થાયી થયેલા શ્રી નાનુબાઈ તેમજ થરપારકર- મીઠીમાંથી આવેલા અને કચ્છના નખત્રાણામાં રહેતા શ્રી મહેતાબસિંહ સોઢાએ પાકિસ્તાનમાં હિન્દુ પરિવારની બહેન-દિકરીઓ તેમજ હિન્દુઓ પર કરવામાં આવતા અત્યાચારો અંગે પોતાના દુઃખદ અનુભવો વર્ણવતાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.
આ વેળાએ ગૃહ સચિવ શ્રી નિપૂર્ણાં તોરવણે, સિમા જાગરણ મંચ અંતર્ગત વિસ્થાપિત હિન્દુ સહાયતા મંચના શ્રી જીવણભાઈ આહીર, સિંધી વેલ્ફેર એસોસિએશન અમદાવાદના હોદ્દેદારો સહિત વિવિધ સંગઠનોના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.