(જી.એન.એસ)અમદાવાદ,તા.૨૫
ગરીબ કે મધ્યવર્ગના લોકોના સંતાનો માટે MBBS ભણવું સપનું બની જશે! કરોડપતિ વાલીઓને જ પોષાય તેવો તોતિંગ ફી વધારાને ગુજરાત સરકારે મંજૂરી આપી દીધી છે. સરકારે આ વર્ષની શરૂઆતમાં જીએમઈઆરએસ મેડિકલ કોલેજોમાં ધરખમ વધારો કર્યા બાદ વિરોધને પગલે ઘટાડો તો કર્યો હતો. પરંતુ બીજી બાજુ ખાનગી મેડિકલ કોલેજોમાં ધરખમ ફી વધારો ઝીંક્યો છે. સરકારે એમબીબીએસમાં એટલી બધી ફી કરી દીધી છે વાલીએ સંતાનને એમબીબીએસ કરાવવા માટે એક કરોડ રૂપિયા ખર્ચી નાખવા પડે છે. ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી હેઠળની ગુજરાતની 13 મેડિકલ કોલેજોની ફીમાં 80 ટકાનો વધારો થયો છે. ફીમાં આ વધારો આ શૈક્ષણિક સત્રથી લાગુ થશે. સરકારના આ નિર્ણયથી વાલીઓ લાલઘુમ થયા છે. આ ભાવવધારો ગરીબો તો છો, મધ્યવર્ગીય પરિવારોને પણ પોસાય તેમ નથી. એટલે કે પૈસાદાર પરિવારના સંતાનો જ ડોક્ટર બની શકશે. ગુજરાતમાં GMERS હેઠળ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, હિંમતનગર, પાટણ, ગોધરા, વલસાડ, નવસારી, જૂનાગઢ સહિત કુલ 13 મેડિકલ કોલેજો છે. તેમની ફીમાં 80 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યની મેડિકલ અને પેરા મેડિકલ કોલેજોની ફીમાં વધારો જાહેર કરાયો છે. વાસ્તવમાં ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથીક કોલેજની ફીમાં ત્રણ વર્ષ માટે વધારો નક્કી કરાયો છે. મેડિકલ કોલેજની ફીમાં એક વર્ષ માટે વધારો નક્કી કરાયો જ્યારે બે વર્ષની હવે નક્કી કરાશે. પ્રાથમિક વિગતો મુજબ 19 મેડિકલ કોલેજની MBBS ની ફીમાં 10 ટકાથી લઈને 50 ટકા સુધીનો વધારો અપાયો છે. જેમાં સૌથી વધુ નડિયાદની એન. ડી. દેસાઈ મેડીકલ કોલેજની ફીમાં વધારો અપાયો છે. આ કોલેજોમાં સ્ટેટ ક્વોટામાં 1500, ઓલ ઈન્ડિયા ક્વોટામાં 75, મેનેજમેન્ટ ક્વોટામાં 210 અને NRI ક્વોટામાં 315 બેઠકો ઉપલબ્ધ છે. ખાનગી કોલેજોની નવી જાહેરા કરાયેલી ફીમાં સરકારી ક્વોટામાં વાર્ષિક ફી સરેરાશ 8થી 10 લાખ રૂપિયા છે એટલે કે પાંચ વર્ષના 50 લાખથી વધુ ખર્ચવા પડે અને મેનેજમેન્ટ ક્વોટામાં વર્ષની ફી સરેરાશ ફી 18થી 20 લાખ રૂપિયા છે. આમ એક કરોડ રૂપિયા ખર્ચી નાખવા પડે. સરકારના આ નિર્ણયનો વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ફી વધારાના આ નિર્ણયને લઈને વાલીઓ અને પેરેન્ટ્સ એસોસિએશન સોસાયટી સામે ભારે નારાજ છે. તેમની માંગ છે કે આ ફી ઘટાડવી જોઈએ જેથી મિડલ કે લોઅર મિડલ ક્લાસના વિદ્યાર્થીઓ પણ તેમનું ડોક્ટર બનવાનું સપનું પૂરું કરી શકે. એફઆરસીએ મ્યુનિ. સંચાલિત હોસ્પિટલ સહિતની 19 સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજોમાં 2 લાખથી 4.60 લાખની ફી વઘારો કરતા વાલીઓએ વિરોધ કર્યો છે. શનિવારે ગુલબાઈ ટેકરા સ્થિત એફઆરસીની ઓફિસ ખાતે વાલીઓએ ફી વધારા મુદ્દે વિરોધ પ્રદર્શિત કરી વધારો પાછો ખેંચવાની માગણી કરી.
ગુજરાતની આ કોલેજોમાં થયો ફી વધારો
વડોદરાની પારુલ મેડિકલ કોલેજની સરકારી ક્વોટાની 10 લાખ અને મેનેજમેન્ટ ક્વોટાની 19.50 લાખ ફી
કચ્છની ગુજરાત અદાણી કોલેજની સરકારી ક્વોટાની 8.70 લાખ અને મેનેજમેન્ટ ક્વોટાની 18.55 લાખ ફી
અમદાવાદની ઝાયડસ મેડિકલ કોલેજની સરકારી ક્વોટાની 9.37 લાખ અને મેનેજમેન્ટ ક્વોટાની 18.73 લાખ
અમદાવાદની ડૉ. એમ.કે.શાહ કોલેજની સરકારી ક્વોટાની 9.66 લાખ અને મેનેજમેન્ટ ક્વોટાની 19.32 લાખ ફી
સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડિકલ કોલેજની સરકારી ક્વોટાની 8.70 લાખ અને મેનેજમેન્ટ ક્વોટાની 20 લાખ ફી
કરમસદની પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજની સરકારી ક્વોટાની 10 લાખ અને મેનેજમેન્ટ ક્વોટાની 19.91 લાખ ફી
સુરતની મ્યુનિ. ઇન્સ્ટિટયૂટ મેડિકલ એજ્યુકેશનની સરકારી ક્વોટાની 8.95 લાખ અને મેનેજમેન્ટ ક્વોટાની 19.96 લાખ ફી
પાલનપુરની બનાસ મેડિકલ કોલેજની સરકારી ક્વોટાની 7.98 લાખ અને મેનેજમેન્ટ ક્વોટાની 19.24 લાખ ફી
અમદાવાદની AMC MET કોલેજની સરકારી ક્વોટાની 9.14 લાખ અને મેનેજમેન્ટ ક્વોટાની 23 લાખ ફી
એનએચએલ મ્યુનિ. મેડિકલ કોલેજની સરકારી ક્વોટાની 7.41 લાખ અને મેનેજમેન્ટ ક્વોટાની 22.20 લાખ ફી
ભરૂચની કિરણ સી. પટેલ મેડિકલ કોલેજની સરકારી ક્વોટાની 8.50 લાખ અને મેનેજમેન્ટ ક્વોટાની 18 લાખ ફી
મહેસાણાની નૂતન મેડિકલ કોલેજની સરકારી ક્વોટાની 9.50 લાખ અને મેનેજમેન્ટ ક્વોટાની 18.50 લાખ ફી
અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજની સરકારી ક્વોટાની 8.58 લાખ અને મેનેજમેન્ટ ક્વોટાની 17.16 લાખ ફી
નડિયાદની એનડી દેસાઈ મેડીકલ કોલેજની સરકારી ક્વોટાની 9.81 લાખ અને મેનેજમેન્ટ ક્વોટાની 22.50 લાખ ફી
કલોલની અનન્યા કોલેજની સરકારી ક્વોટાની 9.5 લાખ અને મેનેજમેન્ટ ક્વોટાની 17.32 લાખ ફી
અમદાવાદની સાલ મેડિકલ સાયન્સ કોલેજની સરકારી ક્વોટાની 9.52 લાખ અને મેનેજમેન્ટ ક્વોટાની 17.60 લાખ ફી
ગાંધીનગરની શ્રી સ્વામિનારાયણ મેડિકલ કોલેજની સરકારી ક્વોટાની 9.05 લાખ અને મેનેજમેન્ટ ક્વોટાની 17.32 લાખ ફી
સુરતની કિરણ મેડિકલ કોલેજની સરકારી ક્વોટાની 9.05 લાખ અને મેનેજમેન્ટ ક્વોટાની 17.32 લાખ ફી
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.