દંપતી વચ્ચે કોઈ બાબતે વિવાદ ચાલતો હોવાની ચર્ચા
(જી.એન.એસ) રાજકોટ,તા.૩૦
મૂળ રાજકોટના અને દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના 34 વર્ષીય ન્યુરો સર્જન ડો. રાજ ઘોણિયા ગઇકાલે (18 ઓગસ્ટ) દિલ્હીના ગૌતમનગર વિસ્તારમાં તેમના નિવાસસ્થાને મૃત હાલતમાં મળ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન ડોક્ટર રાજ ઘોણિયાએ વધુપડતી દવા પી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ સાથે પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં આપઘાત પાછળ કોઈ જવાબદાર ન હોવાનો ઉલ્લેખ કર્યો છે. રાજકોટના ડો. રાજ ઘોણિયા (ઉં.વ.34) 6 મહિના પહેલાં જ AIIMSમાંથી તેમની ન્યુરો સર્જરી (MCH) પૂર્ણ કરી હતી અને તેમના મૃત્યુના માત્ર 15 દિવસ પહેલાં જ યુએસમાં તાલીમ લઈને પરત ફર્યા હતા. ડો. રાજ ઘોણિયા પરિણીત હતા, પરંતુ તેમની પત્ની ઘટના સમયે હાજર ન હોવાનું સામે આવ્યું છે. તેઓ ઘરે એકલા હતા એ દરમિયાન વધુપડતી દવા પી તેમણે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. રાજ ઘોણિયાએ પ્રેમલગ્ન કર્યા હતા. દંપતી વચ્ચે કોઈ બાબતે વિવાદ ચાલતો હોવાની ચર્ચા છે, જેના આધારે પોલીસે એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે. મોબાઇલ રેકોર્ડિંગ તેમજ કોલ ડિટેઇલ સહિતની પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આજે રક્ષાબંધનનો તહેવાર હોવાથી ડો. રાજની પત્ની તેના મામાના ઘરે ગયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. તેની વિદાય બાદ ડોક્ટરે કથિતપણે આકરું પગલું ભર્યું હતું. તેમની પત્ની પણ એક ખાનગી હોસ્પિટલમાં માઇક્રોબાયોલોજીમાં વરિષ્ઠ નિવાસી હોવાનું સામે આવ્યું હતું. પત્ની ગઇકાલે સવારથી જ પોતાના પતિને ફોન કરી રહી હતી, પરંતુ ફોન ઊપડતો નહોતો, જેથી તેણે તેની તપાસ કરવા માટે નજીકમાં રહેતા અન્ય ડોક્ટર આકાંશાને જાણ કરી હતી. બાદમાં આકાંશાએ તેમની પોલીસને જાણ કરી હતી. ગઇકાલે બપોરે 2 વાગ્યે પોલીસને જાણ કરવામાં આવતાં પીસીઆર વેન ઘટનાસ્થળે પહોંચી હતી. ડોક્ટર તેમના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવતાં મૃતદેહને એઈમ્સમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં હાજર તબીબે તપાસી તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પોલીસે મૃતદેહનું પોસમોર્ટમ કરાવી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે યુવાન ડોકટરના અકાળે અવસાનથી સાથી તબીબો, મિત્રો અને પરિવારમાં ઘેરા શોકની લાગણી છવાઈ જવા પામી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.