(જી.એન.એસ),તા.13
ઇસ્લામાબાદ,
આર્થિક રીતે કંગાળ થઈ ગયેલા પાકિસ્તાનમાં લોકોની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે. અહીં લોકો એક ટંક ખાવા માટે તલપાપડ છે. સ્થિતિ એવી છે કે શહેરી વિસ્તારના 74 ટકા લોકો પાસે જરૂરી વસ્તુઓ ખરીદવા માટે રૂપિયા નથી. ઘણા લોકોને તેમના જરૂરીયાતના ખર્ચાઓને પહોંચી વળવા માટે 2-2 નોકરી કરવાની ફરજ પડે છે. ઘણા લોકોને પૈસા ઉધાર લઈને તેમના ખર્ચાઓ પૂરા કરવા પડે છે. પલ્સ કન્સલ્ટન્ટ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં આ ચોંકાવનારી બાબતો સામે આવી છે. પાકિસ્તાની મીડિયાએ આ સર્વે આધારિત અહેવાલ દર્શાવ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાન અને પાકિસ્તાનીઓ હાલમાં નાણાકીય કઠણાઈઓનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાની ન્યૂઝ ચેનલ ARY ન્યૂઝે સર્વે આધારિત સમાચાર રજૂ કરતા અહેવાલમાં કહ્યું છે કે, પાકિસ્તાનમાં છેલ્લા એક વર્ષમાં જે રીતે મોંઘવારી વધી છે, તે પ્રમાણમાં લોકોની આવક વધી નથી. આ જ કારણ છે કે શહેરના લોકોને ઘણી જરૂરી વસ્તુઓ પર કાપ મૂકવો પડે છે. સર્વે અનુસાર, મે 2023માં લગભગ 60 ટકા લોકો માનતા હતા કે તેઓ મોંઘવારીને કારણે આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. 2024માં આવા લોકોની સંખ્યા 14 ટકા વધીને 74 ટકા થઈ છે. ARY ન્યૂઝે સર્વેને ટાંકીને મીડિયા રિપોર્ટમાં જણાવ્યું છે કે, પાકિસ્તાનમાં શહેરી લોકોને તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે 2 નોકરી કરવી પડે છે.
સર્વે અનુસાર, પાકિસ્તાનની 240 મિલિયન વસ્તીમાંથી અડધાથી વધુ લોકો બચત કરવા માટે સક્ષમ નથી. દેશની 56 ટકા વસ્તી ગમે તેટલી કમાણી કરે, તો પણ તેઓ કોઈને કોઈ રીતે તેમના ખર્ચને પહોંચી વળવા અસક્ષમ છે. તેમની પાયાની જરૂરિયાતો પૂરી કર્યા પછી પણ તેમની પાસે બચત માટે પૈસા બચતા જ નથી. પલ્સ કન્સલ્ટન્ટ દ્વારા કરાયેલ સર્વે પાકિસ્તાનના 11 મોટા શહેરમાં હાથ ધરવામાં આવ્યો હતો. જુલાઈથી ઓગસ્ટ 2024 વચ્ચે કરવામાં આવેલા આ સર્વેમાં 1110 લોકો સાથે વાત કરવામાં આવી હતી. આ સર્વે 18 થી 55 વર્ષની વયના લોકો વચ્ચે કરવામાં આવ્યો હતો. પલ્સ કન્સલ્ટન્ટ દ્વારા કરવામાં આવેલા આ સર્વેમાં, જેમણે ભાગ લીધો હતો તેમની સાથે ફોન પર વાત પણ કરવામાં આવી હતી. આ વાતચીતના આધારે જ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. પાકિસ્તાનની આર્થિક હાલત એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે, પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે વિદેશી લોન પર નિર્ભર રહેવુ પડે છે. આ જ કારણ છે કે પાકિસ્તાનનું વૈશ્વિક દેવું સતત વધી રહ્યું છે. જેના કારણે હવે તેમને અન્ય કોઈ આંતરરરાષ્ટ્રીય સંસ્થા ઉધાર નાણા આપતુ નથી. પાકિસ્તાનના નાણા મંત્રાલયે ગયા અઠવાડિયે સંસદમાં જણાવ્યું હતું કે, લગભગ 16 વર્ષમાં પાકિસ્તાનનું જાહેર દેવું 61.4 લાખ કરોડ રૂપિયા વધી ગયું છે. આ દેવું 2008માં રૂ. 6.1 લાખ કરોડ હતું, જે 2024ના અંત સુધીમાં રૂ. 67.5 લાખ કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.