(જી.એન.એસ),તા.૩૧
ઈઝરાયેલ,
આતંકવાદી સંગઠન હિઝબુલ્લાએ, ગયા શનિવારે ઈઝરાયેલના મજદલ શમ્સ શહેર પર શ્રેણીબદ્ધ હુમલા કર્યા હતા. જેમાં બાળકો સહિત 12 લોકો માર્યા ગયા હતા. હુમલાનો બદલો લેતા ઇઝરાયેલી સેનાએ, ગઈકાલ મંગળવારે લેબનીઝ રાજધાની બેરૂત પર એક પછી એક અનેક હુમલા કર્યા. ઈઝરાયેલી સેનાના નિશાના પર હિઝબુલ્લાહ કમાન્ડર ફુઆદ શુકર હતો, જેને મજદલ શમ્સ શહેર પર શ્રેણીબદ્ધ હુમલા માટે જવાબદાર માનવામાં આવે છે. ઇઝરાયેલના સૈન્યે જણાવ્યું હતું કે, આ હુમલો મજદલ શમ્સ શહેરમાં બાળકો સહિત 12 લોકોના મૃત્યુ માટે જવાબદાર એવા આતંકવાદી કમાન્ડરના છુપાયેલા ઠેકાણાને નિશાન બનાવ્યુ હતુ,
ઈઝરાયેલે શનિવારે મજદલ શમ્સ શહેરમાં રોકેટ હુમલા માટે હિઝબુલ્લાહને જવાબદાર ઠેરવ્યો હતો. જો કે ઉગ્રવાદી સંગઠને હુમલામાં પોતાની ભૂમિકા હોવાનો ઇનકાર કર્યો હતો. ફુઆદ શુકર લેબનીઝ હિઝબુલ્લાના ખૂબ લાંબા સમયથી સભ્ય છે અને હિઝબુલ્લાના સેક્રેટરી જનરલ હસન નસરાલ્લાહના લશ્કરી સલાહકાર તરીકે સેવા આપે છે. શુકરે 1983માં બેરૂત, લેબનોનમાં યુએસ મરીન કોર્પ્સ બેરેક પર બોમ્બ ધડાકા કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જેમાં 241 યુએસના કર્મચારીઓ માર્યા ગયા હતા. મંગળવારે બેરૂતમાં ઇઝરાયેલે કરેલા હુમલામાં, નિશાન બનનારા હિઝબુલ્લાહ કમાન્ડર ફુઆદ શુકર વિશે માહિતી આપનારને 5 મિલિયન ડોલર સુધીના ઇનામની જાહેરાત યુનાઇટેડ સ્ટેટ્સે કરી હતી.
ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન યોવ ગેલન્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં લખ્યું છે કે, “હિઝબુલ્લાએ તેની મર્યાદાઓ વટાવી દીધી છે, જેનાથી IDFને બદલો લેવા માટે પ્રેરિત કરવામાં આવ્યું છે.” લેબનોનની સરકારી સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે, ડ્રોન હુમલામાં ત્રણ રોકેટ છોડવામાં આવ્યા હતા, જેમાં એક મહિલાનું મોત થયું હતું અને અનેક લોકો ઘાયલ થયા હતા, જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે. એજન્સીના જણાવ્યા અનુસાર ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. હિઝબુલ્લાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, મંગળવારે સાંજે બેરુતની દક્ષિણે હિઝબુલ્લાહના ગઢ પર ઇઝરાયેલના હવાઈ હુમલાથી જાનમાલને ભારે નુકસાન થયું હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.