(જી.એન.એસ),તા.૨૭
નવીદિલ્હી,
ગઇ કાલે માયાનગરી મુંબઇ અને આજે રાજધાની દિલ્લીના હાલ બેહાલ થયા છે. મુશળધાર વરસેલા વરસાદમાં સમગ્ર દિલ્હી જળમગ્ન બની છે. મુશળધાર વરસાદે રાજધાનીના હાલ બેહાલ કરી નાંખ્યા છે. દિલ્લીમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો અને જોતજોતામાં દિલ્લીના અનેક વિસ્તારો જળમગ્ન બની ગયા. દિલ્લીના કોનોટ પ્લેસ,મોતીબાગ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો. જેના કારણે મુખ્ય રસ્તાઓ જાણે કે બેટમાં ફેરવાઇ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. રિંગ રોડ પર પાણીનો એવો પ્રહાર જોવા મળ્યો કે જાણે કે રિંગ રોડ પર કોઇ નહેર વહેતી હોય. દિલ્લીના શાંતિપથ પર પણ મોટા પાયે પાણી ભરાયા. વરસાદને કારણે સવારે નોકરી-ધંધા પર જતા લોકો તેમજ શાળા-કોલેજમાં જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી વેઠવી પડી. હવામાન વિભાગે દિલ્લીમાં વરસાદને લઇને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.જો કે જે રીતે ધોધમાર વરસાદ પડી રહ્યો છે તે જોતા હજુ પણ વરસાદની તીવ્રતા વધી શકે છે. દિલ્લીમાં જે વિસ્તારોમાં પાણી ભરાયા છે તે વિસ્તારોમાં ન જવા તંત્રએ લોકોને અપીલ કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ભારે વરસાદને કારણે મુખ્ય માર્ગો તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પર હજુ પણ પાણીનો ભરાવો થઇ શકે છે. જેને લઇને કેટલાક અંડરપાસ બંધ રહી શકે છે. ભારે વરસાદને કારણે વિઝિબિલિટીમાં પણ ઘટાડો થઇ શકે છે.
બીજી તરફ અનરાધાર વરસાદને કારણે પૂણે શહેર પાણી પાણી થઇ ગયું છે. પૂણેમાં 24 કલાકમાં જ 114 મિમિ એટલે કે અંદાજે 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. જે છેલ્લા 66 વર્ષમાં એક દિવસમાં પડેલો ત્રીજો સૌથી વધુ વરસાદ હતો. અગાઉ 1958માં 24 કલાકમાં 5.5 ઇંચ અને 1967માં 5.25 ઇંચ વરસાદ નોંધાયો હતો. પૂણેમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદને કારણે લોકો પાણીનો ભરાવો, ભૂસ્ખલન અને પૂર જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. પૂણેના અનેક વિસ્તારો અને સોસાયટી જળમગ્ન બની. સ્થિતિ એટલી કથળી ગઇ છે કે તંત્રએ લોકોને ખૂબ જ જરૂરી કામ હોય ત્યારે જ બહાર નીકળવા તાકીદ કરી છે. પૂણે ઉપરાંત પિંપરી ચિંચવાડ અને જિલ્લાના પશ્ચિમ વિસ્તારોમાં શાળાઓમાં રજા પણ જાહેર કરાઇ છે. મહારાષ્ટ્રના પૂણે ઉપરાંત અનેક જિલ્લાઓમાં પણ ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. મહારાષ્ટ્રમાં મુંબઈ, થાણે, રાયગઢ, પાલઘર, રત્નાગિરી, સિંધુદુર્ગ, સાતારા અને સાંગલી સહિત કુલ 18 સ્થળોએ NDRF અને SDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં ફાયર બ્રિગેડ અને ટાસ્ક ફોર્સ પણ તૈનાત કરવામાં આવી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.