-પ્રામાણિકતાની છાપ ધરાવતા IPS અધિકારી હસમુખ પટેલે 20-20ના મામલે રૂપાણીને આપ્યો જવાબ…?
-સરકાર સામે પડેલા આઇપીએસના થયા આવા હાલહવાલ….!
(જી.એન.એસ,પ્રવિણ ઘમંડે),તા.૪
શું વર્તમાન ભાજપ સરકાર સામે વધુ એક આઇપીએસ અધિકારી બાંયો ચઢાવવાની તૈયારીમાં છે કે શું…? આવો એક પ્રશ્ન પોલીસ બેડામાં અને રાજકિય વર્તુળોમાં ચર્ચાઇ રહ્યો છે. હાલમાં ગુજરાત પોલીસ હાઉસીંગ નિગમના એમડી કે જેઓ સરકારના ગુડબુકમાં નથી અને જ્યાં તેમને પોસ્ટીંગ આપવામાં આવી ત્યાં તેમણે પ્રામાણિકતાથી ફરજ બજાવી તે હસમુખ પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હું ટેસ્ટ મેચ નહીં પણ ટવેન્ટી ટવેન્ટી(20-20) રમવા આવ્યો છું…..એવા શબ્દોને લઇને જાણે કે સીએમને જવાબ અને સલાહ આપતા હોય એવી ટ્વીટ કરીને વિવાદમાં આવ્યા છે.
ઇશુનું નવુ વર્ષ શરૂ થયું છે. જેના આંકડા 20-20 મેચની જેમ ઇ.સ.2020 છે. ક્રિકેટની રમતમાં ટેસ્ટ મેચ બાદ વન-ડે સીરીઝ શરૂ થઇ અને વન-ડેમાં 20 ઓવરની ટવેન્ટી ટવેન્ટી મેચ શરૂ થઇ છે. જેમાં ઝડપથી રન લઇને જીતવાનું હોય છે. સીએમ રૂપાણીની સામે તેમના પક્ષમાંથી જ અને તેમના વિરોધીઓ દ્વારા તેમના વિશે અવારનવાર વિરોધી હાલરડા ગાવામાં આવે છે. ખુદ રૂપાણીએ હમણાંજ કહ્યું કે મને સીએમપદેથી દૂર કરાશે એવો અપપ્રચાર જાણી જોઇને ચલાવવામાં આવે છે. પોતાના આવા રાજકીય વિરોધીઓને જવાબ આપવા રૂપાણીએ બિલ્ડરોના સંગઠન ગાહેડ અને ક્રેડાઇના એક જાહેર કાર્યક્રમના મંચ પરથી હમણાં જ એમ કહીને ધડાકો કર્યો હતો કે તેઓ ટેસ્ટ મેચ નહીં પણ 20-20 રમવા આવ્યાં છે અને અડધી પીચે રમુ છું..મારા નામે એક મોટા શહેરોમાં એક ઇંચ પણ જમીન નથી…હું કોઇ બિલ્ડરનો ભાગીદાર નથી કે કોઇ બિલ્ડર મારા ભાગીદાર નથી…એમ કહીને પોતે બિલ્ડર લોબીથી દૂર છે અને કરપ્ટ પણ નથી એવો સંદેશો આપ્યો.
તેમના આ ખુલાસા બાદ આઇપીએસ અધિકારી હસમુખ પટેલે બીજી જાન્યુઆરી, ૨૦૨૦ની મોડી રાત્રે ૧૧:૦૫ વાગ્યે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી એડીજી અને ગુજરાત પોલીસ હાઉસિંગના એમડી હસમુખ પટેલે ખાસ ગુજરાતીમાં ટ્વિટ કર્યું હતું કે, ”૨૦૨૦નું વર્ષ ઉતાવળે ટોચે પહોંચવાની દોટ, પ્રતિષ્ઠા માટે સેવાકાર્ય, દંભ, દેખાડો, સ્વપ્રસિદ્ધિ, પોતાનો જ મત સાચો હોવાનો દુરાગ્રહ જેવી બાબતોથી ભરેલી ૨૦-૨૦ મેચને બદલે પ્રેમ, અહિંસા, શાંતિ, સત્ય, સહિષ્ણુતા, સદભાવ, પ્રામાણિકતા જેવા જીવનમૂલ્યો ભરી જીવનયાત્રાનું પગથિયું બની રહે તેવી શુભેચ્છા.”
આમ તો પ્રથમ દ્રષ્ટિએ તે એક સામાન્ય સંદેશો જ લાગે. પરંતુ પ્રામાણિકતાના કારણે જેઓ સાઇડલાઇનમાં મૂકી દેવાયા તેવા આઇપીએસ અધિકારીએ પોતાની ટ્વીટમાં રૂપાણીના 20-20 રમવા આવ્યો…શબ્દોમાંથી 20-20નો ઉપયોગ કર્યો, ટોચે પહોંચવાની ઉતાવળ, દંભ, દેખાડો, સ્વપ્રસિધ્ધિ અને હું જ સાચો જેવા શબ્દોનો ઉપયોગ રૂપાણી સરકાર માટે જ કર્યો હોવાનું અર્થ ઘટન થઇ રહ્યું હોય તો તે કદાજ યોગાનુયોગ પણ હોઇ શકે અને પોતાના કામની કદર ના થતી હોય ત્યારે સરકારને ફૂંફાડો મારવાનો એક પ્રયાસ પણ હોઇ શકે, એમ પણ એવો એક મત વ્યક્ત થઇ રહ્યો છે.
ભાજપ સરકાર સામે આઇપીએસ અધિકારીઓનો વિરોધ નવી બાબત રહી નથી. આઇપીએસ અધિકારીઓમાં કુલદીપ શર્મા, શ્રીકુમાર, રાહુલ શર્મા, સંજીવ ભટ્ટ, રજનીશરાય વગેરે. જે તે સમયે ભાજપ સરકાર સામે પડ્યા હતા. જો કે કે.જી. વણઝારા, એનકે અમીન, વગેરે. આઇપીએસ અધિકારીઓ ભાજપ સરકારના ગુડબુકમાં હતા અને છે.
રાજકિય સૂત્રો કહે છે કે કુલદીપ શર્મા પોતાની સલામતી માટે ત્યારબાદ કાંગ્રેસમાં જોડાઇ ગયા. શ્રીકુમાર નિવૃત થઇને માદરે વતન છે પણ ગોધરા કાંડના નાણાવટી પંચના આખરી રિપોર્ટમાં શ્રીકુમાર અને રાહુલ શર્માની ભૂમિકા સામે ટીપ્પણી પસાર કરવામાં આવી છે. જો કે પંચની આ નોંધ બાદ તેમની સામે ભાજપ સરકારે હજુ સુધી એવી કોઇ તપાસ શરૂ કરી નથી જેવી સંજીવ ભટ્ટ સામે 24 વર્ષ જુના કસ્ટોડિયલ કેસમાં તપાસ હાથ ધરાઇ હતી. ભટ્ટને 24 વર્ષ જુના આ કેસમાં જન્મટીપની સજા થઇ છે. અને રજનીશરાય હારી થાકીને આખરે અમદવાદની મેનેજમેન્ટ સંસ્થા આઇઆઇએમ(IIM-A)માં પ્રોફેસર તરીકે જોડાયા છે. જો કે તેમની પ્રોફેસર તરીકેની નિમણૂંક અંગે પણ કેન્દ્રીય સત્તાવાળાઓએ આઇઆઇએમનો ખુલાસો માંગ્યો છે કે રાયને કેમ લીધા….?
સૂત્રો કહે છે કે સરકાર સામે પડેલા આઇપીએસના કિસ્સા જોતાં આઇપીએસ અધિકારી હસમુખ પટેલ દ્વારા કરાયેલી ટ્વીટ અને તેમને સારી(સારી એટલે મલાઇદાર એવો એક અર્થ પણ કરવામાં આવે છે) જગ્યાએ કેમ મૂકવામાં આવતા નથી એવો કોઇ બળાપો કાઢવા માટે 20-20 વાળી ટ્વીટ રૂપાણીને જવાબ આપવા માટે કરી હશે તો તેમણે તેનો સામનો કરવાની કદાજ તૈયારી રાખી પણ હશે….!
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.