(જી.એન.એસ) તા. 29
ગોંડલ,
રાજકોટના ગોંડલ તાલુકામાં વહેલી સવારે હીટ એન્ડ રનની ઘટનામાં બાઇક ચાલક યુવાનને અજાણ્યા કારચાલકે અડફેટે લેતા ગંભીર ઇજાઓ થઈ હતી, જેના કારણે યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને અજાણ્યા કારચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગોંડલ તાલુકાના વાસાવડ ખાતે રહેતા પાર્થ મહેશભાઈ ત્રિવેદી (ઉ.25) નિત્યક્રમ મુજબ બાઇક લઇ વાસાવડથી નોકરી પર જઈ રહ્યો હતો. ત્યારે વહેલી સવારે 6 કલાકે મોવિયા ગોંડલ વચ્ચે રુપાવટી નજીકનાં નવા પુલ પર કોઈ અજાણ્યા કારચાલકે પૂરઝડપે આવી પાર્થની બાઇકને હડફેટે લેતા યુવક હવામાં ફંગોળાયો હતો. ફંગોળાયેલા પાર્થને માથામાં ગંભીર ઇજા પંહોચતા ઘટના સ્થળે તેનું કરુણ મોત નીપજ્યું હતું. બનાવ બાદ ત્યાં હાજર લોકોએ 108 ઈમરજન્સીને જાણ કરી હતી. 108 એમ્બ્યુલન્સે મૃતદેહને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. મૃતદેહની આઇડેન્ટી કાર્ડનાં આધારે ઓળખ થતા વાસાવડનાં સરપંચ બકુલભાઇ જયસ્વાલને જાણ કરાતા તેમણે પાર્થના પરિવારને બનાવ અંગે જાણ કરી હતી. પિતા મહેશભાઈ સહિત પરિવાર ગોંડલ હોસ્પિટલ દોડી ગયો હતો. પાર્થ અપરિણીત હતો. બે ભાઇઓનાં પરિવારમાં મોટો હતો અને રાજકોટ નેશનલ હાઇવે ભુણાવા પાસે આવેલી શક્તિમાન ફેકટરીમાં કામ કરતો હતો. પાર્થના પિતા મહેશભાઈ વાસાવડ માં કેબલ કનેક્શન ચલાવે છે અને સમસ્ત બ્રહ્મસમાજનાં અગ્રણી છે. પરિવારના આધાર સ્થંભ યુવાનની અણધારી વિદાયથી પરિવારમાં કલ્પાંત છવાયો હતો. બનાવ અંગે તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.