(જી.એન.એસ),તા.૨૪
સાઉદી અરેબિયા,
સાઉદી અરેબિયામાં હજ દરમિયાન 1126થી વધુ લોકોના મોત થયા છે. સાઉદી સરકાર પર હાજીઓ માટે યોગ્ય વ્યવસ્થા ન કરવાના આરોપ લાગી રહ્યા છે ત્યારબાદ હવે સાઉદી અરબ તરફથી પહેલીવાર આ મામલે નિવેદન સામે આવ્યું છે. સાઉદીના એક વરિષ્ઠ અધિકારીએ શુક્રવારે ખાડી દેશ દ્વારા થઈ રહેલી હજયાત્રાની વ્યવસ્થાનો બચાવ કર્યો. સાઉદી અરબ પર આરોપ હતો કે લોકોની સારી રીતે દેખભાળ કરવામાં આવી નથી અને અત્યાર સુધીમાં વિવિધ દેશોના 1100થી વધુ લોકોના મોત થયા. જેમાં ભીષણ ગરમી એક મુખ્ય કારણ ગણાવવામાં આવ્યું. ત્યારબાદ હવે આ મોતો પર પહેલીવાર સરકારનું નિવેદન સામે આવ્યું છે. સાઉદી અધિકારીએ ન્યૂઝ એજન્સી એએફપીને જણાવ્યું કે “સાઉદી અરબ નિષ્ફળ ગયું નથી. પરંતુ લોકો તરફથી ખોટો નિર્ણય લેવામાં આવ્યો. જેમણે જોખમો સમજ્યા નહીં.”
ન્યૂઝ એજન્સી એએફપીએ 1126 લોકોના મોતની પુષ્ટિ કરી. જેમાંથી અડધાથી વધુ ઈજિપ્તના હતા. જેમાં રાજનયિકોના અધિકૃત નિવેદનો અને રિપોર્ટ્સને આધાર બનાવવામાં આવ્યા છે. સાઉદી અરબના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે સાઉદી સરકારે હજના બે સૌથી વ્યસ્ત દિવસોમાં 577 મોતની પુષ્ટિ કરી છે. જેમાં શનિવારે વધુ મોત થયા. તે દિવસે તીર્થયાત્રીઓ માઉન્ટ અરાફત પર ધોમધખતા તાપમાં કલાકો સુધી પ્રાર્થના કરવા માટે ભેગા થયા હતા અને બીજો દિવસ રવિવાર હતો જ્યારે મીનામાં શૈતાનને પથ્થર મારવાની રસ્મ થઈ રહી હતી. સાઉદી અધિકારીઓએ પહેલા કહ્યું હતું કે આ વર્ષે 1.8 મીલિયન તીર્થયાત્રીઓએ ભાગ લીધો જે ગત વર્ષ જેટલા જ છે અને 1.6 મિલિયન વિદેશથી આવ્યા હતા. અધિકારીએ એ પણ સ્વીકાર્યું કે 577 નો આંકડો આંશિક છે અને સમગ્ર હજ યાત્રાના દિવસોને કવર કરતો નથી. તેમણે કહ્યું કે આ કપરી હવામાન સ્થિતિ અને ભીષણ ગરમીના કારણે થયું. અધિકારીએ જણાવ્યું કે હજ કરવાનો કોટો દેશોના આધારે ફાળવવામાં આવે છે. લોટરી દ્વારા તેમને ફાળવાય છે. પરમિટ હોવા છતાં એક ભારે ખર્ચ થાય છે. અનેક લોકો એવા છે જે પરમિટ વગર હજ યાત્રા કરવાની કોશિશ કરે છે. તેમણે ધરપકડ કે દેશનિકાલનો સામનો કરવો પડે છે. લોકો પૈસા બચાવવા માટે ખોટી રીતે હજ કરવા આવે છે, જેમનો રેકોર્ડ કોઈ સરકાર પાસે હોતો નથી.
અધિકારીએ જણાવ્યું કે અનેક લોકો પૈસા બચાવવાના ચક્કરમાં ખોટા રસ્તે દેશમાં ઘૂસી જાય છે જેના કારણે હજારો ડોલર બચે છે. તેમનો પણ રેકોર્ડ મુશ્કેલથી મળે છે. જ્યારે સાઉદી અરબે સામાન્ય પર્યટન વિઝા જાહેર કર્યા છે જેના કારણે ખાડી દેશમાં પ્રવેશ કરવો સરળ થયો છે. આ વર્ષના હજ પહેલા સાઉદી અધિકારીઓએ કહ્યું કે તેમણે મક્કાથી 300000 થી વધુ સંભવિત એવા તીર્થયાત્રીઓને જવા દીધા જેમની પાસે હજ પરમિટ હતી નહી. જો કે દર વર્ષની જેમ આ વર્ષે પણ એવા હજારો યાત્રી છે જે વિઝા વગર હજ માટે મક્કા ગયા છે. પૈસાની કમીના કારણે અનેક યાત્રીઓ વિઝા લેતા નથી અને ખોટી રીતે મક્કા પહોંચવાની કોશિશ કરે છે. જો કે આમ કરવું ખુબ જ ખતરનાક મનાય છે. છૂપાઈ છૂપાઈને મક્કા પહોંચવા માટે આકરા તડકાવાળા વિસ્તારોમાંથી પસાર થવું પડે છે. જેમાં અનેક લોકોના જીવ જાય છે. અધિકારીના જણાવ્યાં મુજબ 4 લાખ નોંધણી વગરના તીર્થયાત્રીઓ હોવાનું અનુમાન છે. ઈજિપ્ત તરફ ઈશારો કરતા કહ્યું કે લગભગ તમામ એક જ દેશની નાગરિકતાવાળા છે. રિપોર્ટ મુજબ 650થી વધુ ઈજિપ્તના લોકોના મોતને ભેટ્યા છે. જેમાંથી લગભગ 630 લોકો પાસે હજ પરમિટ હતી નહીં.
ભારતથી હજ માટે મક્કા ગયેલા અનેક મુસાફરોના મોત થયાની આશંકા કેટલાય દિવસથી થઈ રહી હતી. પરંતુ હવે વિદેશ મંત્રાલયે પહેલીવાર અધિકૃત રીતે મક્કા ગયેલા ભારતીય હજયાત્રીઓના મોતની સટીક જાણકારી આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે આ વર્ષે 175,000 ભારતીયો હજયાત્રા પર ગયા હતા. જેમાંથી અમે અત્યાર સુધીમાં 98 લોકોને ગુમાવ્યા છે. આ મોત કુદરતી કારણોસર થયા છે. બીમારી, કુદરતી કારણ, ક્રોનિક બીમારી, અને વૃદ્ધાવસ્થાના કારાણે અરાફાતના દિવસે પણ છ ભારતીયોના મોત થયા. ત્યાંના હવામાન વિજ્ઞાન કેન્દ્રએ આ સપ્તાહની શરૂઆતમાં મક્કાની ગ્રાન્ડ મસ્જિદમાં મહત્તમ તાપમાન 51.8 ડિગ્રી સેલ્સિયસ નોંધ્યુ હતું. ક્યાંક ક્યાંક તાપમાન 52 ડિગ્રીને પણ પાર કરી ગયું. ભીષણ ગરમીના કારણે હજયાત્રીઓ ઠેર ઠેર બેહોશ થઈને પડતા પણ જોવા મળ્યા. ગત મહિને પ્રકાશિત એક સાઉદી અભ્યાસ મુજબ ક્ષેત્રમાં તાપમાન દર દાયકામાં 0.4 ડિગ્રી વધી રહ્યું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.