Home ગુજરાત ગાંધીનગર મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ૪૪ રિચાર્જ બોરવેલનું લોકાર્પણ ગાંધીનગરમાં સંપન્ન

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ૪૪ રિચાર્જ બોરવેલનું લોકાર્પણ ગાંધીનગરમાં સંપન્ન

27
0

(જી.એન.એસ) તા. 18

ગાંધીનગર,

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન-VYO દ્વારા રાજ્યમાં નિર્મિત ૪૪ રિચાર્જ બોરવેલનું ગાંધીનગરથી લોકાર્પણ કર્યું હતું. વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજેશકુમારજીની પ્રેરણાથી VYO એ જળ સંરક્ષણ અભિયાન અંતર્ગત આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે રાજ્યનાં ૭૫ ગામોમાં રિચાર્જ બોરવેલનું આયોજન કર્યું હતું. આ અગાઉ ૩૧ રીચાર્જ બોરવેલના સફળતાપૂર્વક લોકાર્પણ બાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે ૧૮ મી જુને વધુ ૪૪ રિચાર્જ બોરવેલના લોકાર્પણ કર્યા હતા. આ અવસરે શ્રી વ્રજેશકુમારજીની પાવન નિશ્રામાં મુખ્ય મનોરથી શ્રી પ્રદીપભાઈ ધામેચા ગાંધીનગરના મેયર શ્રી હિતેશ મકવાણા, ધારાસભ્યો શ્રી જીતુભાઈ વાઘાણી, રીટાબેન પટેલ, કેયુરભાઈ રોકડીયા અને અગ્રણીઓ તથા વીવાયઓના સ્વયંસેવકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાણી જેવા મહત્વપૂર્ણ વિષય સહિત જીવ માત્રની સેવાના ઉદ્દેશ્યથી થતા સમાજ સેવા કાર્યોમાં સરકારના સહયોગની નેમ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, પાણી એ વિકાસની પહેલી શરત છે અને ગ્રીન કવર ઘટી જતાં પાણી હવે રોકાઈને જમીનમાં ઉતરતા નથી. આના પરિણામે ભૂગર્ભ જળસ્તર નીચા ગયા છે અને પાણીની સમસ્યા સર્જાઇ છે તેને નિવારવા બોરવેલ રિચાર્જ જરૂરી બન્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પડકારો આવે તે પહેલાં જ આગવા વિઝનથી તેના ઉપાયોનું આયોજન કરે છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગ્લોબલ વોર્મિંગ સામે પર્યાવરણ અને પ્રાકૃતિક સંપદાની જાળવણી અને રખરખાવ તથા જળ સંચય, જળ સંરક્ષણ જેવા અભિયાન તેમના માર્ગદર્શનમાં સફળ થયા છે. આઝાદીના અમૃત મહોત્સવ અવસરે દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવર નિર્માણનો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ આપેલો કોલ ગુજરાતે સુપેરે ઝીલી લીધો છે એમ પણ શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, પાણી એ કુદરતની અનમોલ ભેટ છે. તેનું સંવર્ધન કરવું તથા પ્રકૃતિ સાથે જોડાયેલા રહેવું એ આપણા ભવિષ્ય માટે આવશ્યક છે. તેમણે ગુજરાતમાં જળ સંચય-જળ સંરક્ષણ અભિયાનથી ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવ્યા હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

કેન્દ્ર સરકારની અટલ ભૂજળ યોજના અન્વયે આ વર્ષે રાજ્યના બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાઓમાં રિચાર્જ ટ્યુબવેલ માટેના ૯૮ કરોડ રૂપિયાના કામોનું આયોજન છે તેની પણ ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી. આ કાર્યક્રમના મુખ્ય મનોરથી શ્રી પ્રદીપભાઈ ધામેચા પરિવાર UK એ શ્રી વ્રજેશકુમારજીના આશીર્વાદ અને કૃપાથી તેમને વતનભૂમિની જે સેવા કરવાની તક મળી છે તેને અમૂલ્ય ગણાવી હતી. વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજેશકુમારજીએ આ અભિયાન ગામડાઓમાં ભૂગર્ભ જળસ્તર ઉંચા લાવીને ખેતી તથા પીવાના પાણી માટે આશીર્વાદ રૂપ બનશે તેવા વિશ્વાસ સાથે આશીર્વચન પાઠવ્યા હતા. વૈષ્ણવ ભક્તોની વિશાળ ઉપસ્થિતિમાં આ અવસરે વચનામૃત, ભક્તિ સંગીતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article૨૧મી જૂને ૧૦મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બનાસકાંઠાના સરહદી ગામ નડાબેટમાં યોજાશે
Next articleભારતના પૂર્વ ક્રિકેટર અને પૂર્વ સાંસદ ગૌતમ ગંભીરે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી