Home ગુજરાત કચ્છ ૨૧મી જૂને ૧૦મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બનાસકાંઠાના સરહદી ગામ નડાબેટમાં યોજાશે

૨૧મી જૂને ૧૦મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બનાસકાંઠાના સરહદી ગામ નડાબેટમાં યોજાશે

26
0

(જી.એન.એસ) તા. 18

ગાંધીનગર/કચ્છ,

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકે ૧૦મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને આખરી ઓપ આપ્યો

રમત-ગમત રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી, યોગ બોર્ડના અધ્યક્ષશ્રી સહિત વરિષ્ઠ અધિકારીઓ સહભાગી થયા

‘સ્વયં અને સમાજ માટે યોગ’ ની થીમ પર રાજ્યભરમાં ૩૧૨ મુખ્ય સ્થળોએ યોગ દિવસ ઉજવાશે

ગ્રામ પંચાયતથી લઈને મહાનગરપાલિકા સુધી શાળાઓ – કોલેજીસ – આઈ.ટી.આઈ. – જેલ – આરોગ્ય – પોલીસ સહિતના વિભાગો અને સમગ્ર ગુજરાત યોગમય બને તેવું સુદ્રઢ આયોજન

મુખ્યમંત્રીશ્રી – વિધાનસભા અધ્યક્ષશ્રી – રમતગમત રાજ્યમંત્રીશ્રી રાજ્યકક્ષાના કાર્યક્રમમાં જોડાશે

•        રાજ્યભરમાં સવા કરોડ લોકોની સહભાગીતાથી ૧૦મા અંતરરાષ્ટ્રીય યોગ દિવસને ભવ્ય સફળતા અપાવવાની નેમ.

•        વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રેરક સંબોધનનું સમગ્ર રાજ્યમાં જીવંત પ્રસારણ થશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આગામી ૨૧મી જૂને યોજાનારા ૧૦મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યમાં ઉજવણીના આયોજનને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આખરી ઓપ આપ્યો હતો.

ગુજરાતમાં આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠાના સરહદી ગામ અને સીમાદર્શન માટે સુપ્રસિદ્ધ નડાબેટ ખાતે યોજાવાનો છે.

રાજ્ય સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને બોર્ડર સિક્યોરિટી ફોર્સ – BSFના સહયોગથી આ રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ૨૦૧૪માં યુનાઇટેડ નેશન્સ દ્વારા ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો છે અને ૨૦૧૫ થી આ દિવસ વિશ્વના દેશોમાં ઉજવાય છે.

દર વર્ષે ૨૧મી જૂને વ્યાપક લોક ભાગીદારીથી વિવિધ વિષયવસ્તુ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. તદઅનુસાર, ૨૦૨૪નો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ‘સ્વયં અને સમાજ માટે યોગ’ વિષયવસ્તુ સાથે યોજવાનો છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં અંદાજે સવા કરોડ લોકોની સહભાગીતાથી આ યોગ દિવસને ભવ્ય સફળતા અપાવવાના આયોજનની તલસ્પર્શી સમીક્ષા કરી હતી. રમત-ગમત રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, યોગ બોર્ડના અધ્યક્ષ શ્રી શીશપાલજી તથા મુખ્ય સચિવ શ્રી રાજકુમાર અને રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો આ બેઠકમાં જોડાયા હતા.

મુખ્યમંત્રીશ્રી સમક્ષ આ બેઠકમાં યોગ દિવસના આયોજન અંગેનું પ્રેઝન્ટેશન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. રમત-ગમત અગ્ર સચિવ શ્રી અશ્વિનીકુમારે આ પ્રેઝન્ટેશનમાં જણાવ્યું કે, ૨૧મી જૂને સવારે ૦૭:૦૦ થી ૦૭:૪૫ સુધી એટલે કે ૪૫ મિનિટ સવા કરોડ લોકો સામાન્ય યોગ પ્રોટોકોલ તાલીમમાં ભાગ લેશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તથા રમત-ગમત રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી નડાબેટમાં યોજાનારા મુખ્ય કાર્યક્રમમાં જોડાવાના છે. મંત્રીમંડળના મંત્રીશ્રીઓ અને પદાધિકારીઓ રાજ્યના વિવિધ સ્થળે સહભાગી થશે. રાજ્યભરમાં ૮ મહાનગરપાલિકાઓ, ૩૨ જિલ્લાઓ તથા ૨૫૧ તાલુકા, ૨૦ નગરપાલિકા એમ કુલ ૩૧૨ મુખ્ય સ્થળોએ આ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

આ ઉપરાંત ગ્રામ પંચાયત સ્તરથી લઈને મહાનગરપાલિકાના વોર્ડ કક્ષા સુધી, શાળા, કોલેજ, આઈ.ટી.આઈ., જેલ, પોલીસ, આરોગ્ય સેવા જેવા વિભાગો અને યોગપ્રેમી નાગરિકોની ભાગીદારી સાથે આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર ગુજરાત યોગમય બનશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સવારે ૦૬:૩૦ કલાકે તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સવારે ૦૬:૪૦ કલાકે આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં પ્રેરક સંબોધન કરશે અને તેનું સમગ્ર રાજ્યમાં જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૪ની ઉજવણી માટે લોકોમાં ઉત્સાહ પ્રેરિત કરવા માટે માર્ચ-૨૦૨૪ થી ૧૦૦ દિવસ કાઉન્ટ ડાઉન કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.

અગ્ર સચિવ શ્રી અશ્વિનીકુમારે આ કાર્યક્રમની છણાવટ કરતા કહ્યું કે, કાઉન્‍ટ ડાઉન કાર્યક્રમો અન્‍વયે યોગોત્સવ-૨૦૨૪ થીમ સાથે ૧૦૦ થી વધુ કાર્યક્રમો યોજીને કોમન યોગ પ્રોટોકોલ શિબિરોનું આયોજન થયું હતું. અત્યાર સુધીમાં અઢી લાખથી વધુ લોકોએ તેમાં ભાગ લીધો છે એમ તેમણે ઉમેર્યું હતું.

એટલું જ નહીં, બાળકોમાં યોગાભ્યાસને વધુ પ્રચલિત બનાવવા સમર કેમ્પ યોજીને ૨૦૦ થી વધુ સ્થળોએ યોગ-સંસ્કાર શિબિરનો ૨૨ હજારથી વધુ બાળકોને લાભ આપવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અગાઉના વર્ષોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રાજ્યમાં મળેલી ભવ્ય સફળતા અને ગુજરાતે સ્થાપેલા નવા વર્લ્ડ રેકોર્ડ્સની જેમ જ આગામી યોગ દિવસમાં પણ નવા કીર્તિમાન સ્થાપવામાં ગુજરાત અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.                       

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજ્યસભા સચિવાલયના ૫૦ જેટલા અધિકારીઓ ગુજરાતના 4 દિવસીય અભ્યાસ પ્રવાસે
Next articleમુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ૪૪ રિચાર્જ બોરવેલનું લોકાર્પણ ગાંધીનગરમાં સંપન્ન