ભારતની તમામ કૃષિ યુનિવર્સિટીઓમાં આગામી શૈક્ષણિક વર્ષથી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનું પદ્ધતિસરનું શિક્ષણ શરૂ કરાશે
(જી.એન.એસ) તા. 12
ગાંધીનગર,
નેચરલ ફાર્મિંગમાં વિદ્યાર્થીઓ બી.એસ.સી. એગ્રીકલ્ચર (ઑનર્સ) અને એમ.એસ.સી.નો અભ્યાસ કરી શકશે
પ્રાકૃતિક કૃષિ પદ્ધતિને પદ્ધતિસરના શિક્ષણ દ્વારા ભણાવવાની પ્રક્રિયા આગામી શૈક્ષણિક વર્ષથી સમગ્ર ભારતમાં શરૂ થઈ રહી છે. નેચરલ ફાર્મિંગમાં વિદ્યાર્થીઓ બી.એસ.સી. એગ્રીકલ્ચર (ઑનર્સ) અને એમ.એસ.સી.નો અભ્યાસ કરી શકશે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શનમાં ભારતના 12 કૃષિ વૈજ્ઞાનિકો અને વિષય નિષ્ણાતો દ્વારા પ્રાકૃતિક કૃષિનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. ગુજરાત માટે આ ગૌરવ અને આનંદની વાત છે કે, ગુજરાત રાજભવનમાં આ માટે સૌપ્રથમ બેઠક યોજાઈ હતી, ત્યારબાદ દેશના વિવિધ રાજ્યોમાં શ્રેણીબદ્ધ બેઠકો અને વિચાર-વિમર્શ પછી નેચરલ ફાર્મિંગનો આ અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ષ – 2022માં આ પ્રાકૃતિક કૃષિના આ અભ્યાસક્રમનું અનાવરણ કર્યું હતું.
વર્ષ 2023-24 થી ગુજરાતની તમામ કૃષિ યુનિવર્સિટીઓમાં પ્રાકૃતિક કૃષિનો અભ્યાસક્રમ દાખલ કરવામાં આવ્યો છે. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ- ઈન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર રિસર્ચ (ICAR) દ્વારા પાંચમી ડીન કમિટીમાં વર્ષ 2024-25 થી સમગ્ર દેશની તમામ કૃષિ યુનિવર્સિટીઓમાં નેચરલ ફાર્મિંગનો અભ્યાસક્રમ લાગુ કરવામાં આવ્યો છે.
ચાર વર્ષ અને 185 ક્રેડિટનો નેચરલ ફાર્મિંગનો અભ્યાસક્રમ ભારતની અગ્રણી કૃષિ યુનિવર્સિટીઓ; શ્રી યશવંતસિંહ પરમાર યુનિવર્સિટી ઑફ હૉર્ટીકલ્ચર એન્ડ ફોરેસ્ટ્રી, નોની- હિમાચલ પ્રદેશ, રાણી લક્ષ્મીબાઈ સેન્ટ્રલ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી, ઝાંસી-ઉત્તર પ્રદેશ, ડૉ. રાજેન્દ્રપ્રસાદ સેન્ટ્રલ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી, સમસ્તીપુર-બિહાર અને સેન્ટ્રલ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, ઈમ્ફાલ-મણીપુરની સાથે-સાથે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીમાં પણ આ અભ્યાસક્રમ આ શૈક્ષણિક વર્ષથી ભણાવવામાં આવશે.
ગુજરાત સરકારની પહેલથી મધ્ય ગુજરાતના હાલોલમાં વિશ્વની સૌપ્રથમ પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા નેચરલ ફાર્મિંગના બી.એસ.સી. એગ્રીકલ્ચર (ઑનર્સ)ના અભ્યાસ માટે હાલોલ અને અમરેલીની કોલેજોને મંજૂરી આપવામાં આવી છે. વર્ષ 2024-25 માટે આ બંને કોલેજોમાં 50-50 વિદ્યાર્થીઓની ક્ષમતામાં પ્રવેશ આપવાની પ્રક્રિયા ચાલી રહી છે.
રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગથી જમીન અને માનવ જીવનનું આરોગ્ય જોખમાયું છે. આ પરિસ્થિતિનો ઉકેલ એકમાત્ર પ્રાકૃતિક કૃષિ છે. નેચરલ ફાર્મિંગના અભ્યાસક્રમમાં પ્રાકૃતિક કૃષિનું વિજ્ઞાન અને જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત, જંતુનાશક અસ્ત્રો, આચ્છાદન, મિશ્ર પાક અને વાપ્સા જેવા તેના મુખ્ય આયામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દેશી અળસિયા તેમજ સૂક્ષ્મમિત્રજીવાણુઓ દ્વારા જમીનના આરોગ્યની જાળવણી અને ફળદ્રુપતામાં વૃદ્ધિ વગેરેની બાબતોનો અભ્યાસ વિદ્યાર્થીઓ વૈજ્ઞાનિક અભિગમથી કરી શકે તે આ અભ્યાસક્રમનો ઉદ્દેશ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.