Home મધ્ય ગુજરાત અમદાવાદ હોસ્પિટલના સ્ટાફે અજાણી ૪ વર્ષની બાળકીને એક મહિના સુધી માતા-પિતાની જેમ સારસંભાળ...

હોસ્પિટલના સ્ટાફે અજાણી ૪ વર્ષની બાળકીને એક મહિના સુધી માતા-પિતાની જેમ સારસંભાળ લીધી અને સારવાર થકી સ્વસ્થ નવજીવન આપ્યું

33
0

અમદાવાદની એલ.જી હોસ્પિટલના સ્ટાફે માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

(જી.એન.એસ) તા. 7

અમદાવાદ,

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શેઠ એલ.જી. જનરલ હોસ્પિટલ ખાતે ૬ મે, ૨૦૨૪ના રોજ આશરે ૪ વર્ષની એક અજાણી બાળકીને દાઝી ગયેલ (સુપર ફેસિયલ ટુ ડીપ બર્ન્સ) હાલતમાં  બર્ન્સ વોર્ડ ખાતે અજાણી વ્યક્તિ દ્વારા ૧૦૮ મારફતે લાવવામાં આવી હતી.

હોસ્પિટલના નિયમ અનુસાર કારંજ પોલીસ સ્ટેશન ખાતે આ બાળકી અંગેની જાણ કરવામાં આવી હતી.  પોલીસ દ્વારા તપાસ કરતા જાણવા મળેલ કે આ અજાણી બાળકીને ભદ્રકાળી માતાજીના મંદિરના સામે આવેલ બગીચામાં મૂકીને એક સ્ત્રી જતી રહી હતી ત્યારબાદ આ બાળકી અન્ય બાળકો સાથે રમતી હતી તે દરમ્યાન ત્યાં કોઈએ ચુલા પર ભાત રાંધવા મૂકેલ હોઈ બાળકીનો પગ લપસતાં તપેલાને ઠોકર વાગતા નીચે પડી ગયેલ અને તપેલામાં રહેલ ગરમ પાણી આ બાળકીના ચહેરાના ભાગે તેમજ ડાબા તેમજ જમણા ખભા ઉપર પડ્યું હતું, જેથી તે ખૂબ જ દાઝી ગયેલ. અસહ્ય પીડાને લીધે રડતી બાળકીને જોઈને આજુબાજુમાં રહેતા અજાણ્યા વ્યક્તિને દયા આવી અને તેણે માનવતા દાખવીને બાળકીને હોસ્પિટલ પહોંચાડી હતી. હોસ્પિટલના ડેપ્યૂટી ડાયરેક્ટરશ્રીના કહેવા મુજબ બાળકી ખૂબ જ નાની હોવાથી અને તેના માતા-પિતાની પણ કોઈ જાણ ન હોવાથી અત્રેની હોસ્પિટલના સ્ટાફ દ્વારા જ પોતાની દીકરીની જેમ જ જવાબદારી સમજીને અને તેનો તમામ ખર્ચ ઉઠાવીને તેની તમામ સારસંભાળ રાખવામાં આવી હતી. હોસ્પિટલના સ્ટાફ દ્વારા બાળકીને કપડા, જમવાની વ્યવસ્થા, નાસ્તો,રમકડા તથા તેને દિવસ દરમ્યાનની તમામ પ્રવૃત્તિમાં ખૂબ જ કાળજી રાખીને તેને સ્વસ્થ થવામાં મદદરૂપ થયા હતા.

આમ, આ દીકરીને હોસ્પિટલ પહોંચાડવાથી લઈને તેને સાજા થવા સુધીમાં કારંજ પોલીસ સ્ટેશનનો પણ ખૂબ જ સારો સહયોગ મળવાથી  સ્ટાફ તેમજ બર્ન્સ વોર્ડના ડોક્ટરો તથા અન્ય સ્ટાફના અથાગ પ્રયત્નના કારણે બાળકી સ્વસ્થ થઇ છે. અને તેને નવજીવન પ્રાપ્ત થયું છે.  હવે થોડાક સમયમાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે અને વિધિવત્ રીતે કારંજ પોલીસ સ્ટેશનના સ્ટાફને જાણ કરીને તેઓને બાળકી સોપવામાં આવશે. પોલીસ મારફતે ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના સહયોગથી બાળકીને સારું જીવન મળે તે માટે તેને નારીગૃહ ખાતે મોકલી આપવામાં આવશે. આમ, એલ.જી હોસ્પિટલ ખાતેના તમામ સ્ટાફ દ્વારા અજાણી બાળકીને એક મહિના સુધી માતા-પિતાની જેમ સારસંભાળ રાખીને સારવારની સાથે માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleફાયર સેફટી, બીયુ પરવાનગી અને વીજ લોડ બાબતે ભાવનગરનું તંત્ર એક્શનમાં
Next articleચોમાસા દરમ્યાન ૧૫ જૂનથી ૧૫ ઑક્ટોબર સુધી ગુજરાતના તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે