(જી.એન.એસ) તા. 13
અમદાવાદ,
ભારે ઉકળાટ બાદ સાંજે વરસાદ પડતા રાજ્યના લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. અમદાવાદમાં આજે સાંજે એક કલાક સુધી વંટોળ અને ગાજવીજ બાદ વરસાદ પડ્યો હતો. આખો દિવસ ભારે ઉકળાટ બાદ સાંજે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જેને કારણ ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદના ગોતા, વૈષ્ણોદેવી, સાયન્સ સિટી, ન્યૂ રાણીપ, આશ્રમ રોડ, સીજી રોડ અને નારણપુરા, મણિનગર, નિકોલ. વટવા, નારોલ સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો છે અને ભારે પવનના કારણે રોડ પર વિઝિબિલિટી ડાઉન થઈ હતી.
ભારે પવન સાથે ધૂળ ઉડતા વિઝિબિલિટી ઘટી જતા સાજે ઓફિસેથી ઘરે જતા લોકોને મુશ્કેલી નડી હતી. ખાસ કરીને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભારે પવન બાદ સાંજે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. અમદાવાદ નજીકના બોપલ ઘુમા અને આંબલીમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો.
વાવાઝોડા અને વરસાદને કારણે અમદાવાદના અનેક વિસ્તારમાં ઝાડ પડવાના અને શોટસર્કિટના બનાવો બન્યા હતા. ફોયરબ્રિગેડના જણાવ્યા મુજબ નવરંગપુરામાં ઝાડ પડવાના બે બનાવ બન્યા હતા. તે સિવાય ગોમતીપુર અને શાહપુરમાં પણ ઝાડ પડવાના બનાવો બન્યા હતા જોકે તેમાં કોઈ જાનહાની થી ન હતી. તે સિવાય ચાંદખેડા, ન્યુ મણીનગર અને બોપલ વિસ્તારમાં શોટસર્કિટના બનાવો બન્યા હોવાનું ફાયર સૂત્રોએ જણાવ્યું હતું.
બોટાદ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. બરવાળા તેમજ બોટાદ તાલુકામાં વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ બોટાદ જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ભારે પવન અને ધૂળની ડમરી વચ્ચે બોટાદ શહેરના મુખ્ય માર્ગો પર વરસાદ પડ્યો છે. બોટાદ શહેરના પાળીયાદ રોડ, સ્ટેશન રોડ, ગઢડા રોડ, ભાવનગર રોડ તમામ વિસ્તારમાં પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે.
દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. દાહોદ શહેરમાં કાળા ડીબાંગ વાદળો સાથે વાવાઝોડું જોવા મળ્યું હતું. દાહોદ શહેર ભારે પવન સાથે વાવઝોડું જોવા મળ્યું, મીરાખેડી ખાતે બરફના કરા પડ્યા હતા. છાપરી કતવારા, રામપુરા સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે.
નર્મદા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. બપોર બાદ કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે વરસાદ પડતાં અનેક ઝાડ તૂટી પડ્યા હતા. ડેડીયાપાડા, સાગબારા અને રાજપીપળા શહેરમાં કાચા મકાનોના પતરા ઉડ્યા હતા. આદિવાસી વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. કેરીના પાકને મોટાપાયે નુકસાન થયું છે. રાજપીપળા શેહરમા વીજ પુરવઠો ખોરવાયો છે.
મહીસાગર જિલ્લાના બાલાસિનોર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો છે. બાલાસિનોર શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ સાંજના સમયે બાલાસિનોર શહેરમાં ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો છે. ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ છે.
અમરેલી પંથકમાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો છે. અમરેલી શહેર સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. અમરેલી શહેરમા ભારે પવન ફૂકાતા ધુળની ડમરીઓ ઉડી હતી. અમરેલી નજીક આવેલા વરસડા ગામમાં મીની વાવાઝોડુ ફુંકાયુ હતું. વરસડા ગામમાં કરા સાથે વરસાદ વરસ્યો છે. લાઠી તાલુકાના મતિરાલા ગામમાં પણ ભારે પવન અને કરા સાથે વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન અને કરા સાથે વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદના કારણે ખેડૂતો પણ ચિંતામાં મૂકાઈ ગયા છે. સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.