(જી.એન.એસ),તા.૧૭
મુંબઈ,
રોયલ ચેલેન્જર્સ બેંગલોર આઈપીએલમાં અત્યાર સુધીમાં સાત પૈકીની ફક્ત એક મેચમાં વિજય મેળવી શકી છે જ્યારે છમાં તેનો પરાજય થયો છે. બેંગલોર માટે હવે બાકી રહેલી દરેક મેચ સેમિફાઈનલ સમાન બની રહેશે તેમ ટીમના હેડ કોચ એન્ડી ફ્લાવરે જણાવ્યું હતું. સોમવારે આરસીબી સામે સનરાઈઝર્સ હૈદરાબાદે આઈપીએલના ઇતિહાસનો સર્વોચ્ચ 287 રનનો સ્કોર નોંધાવ્યો હતો. બેંગલોરના બેટ્સમેનોએ પણ વળતી લડત આપવા પ્રયાસ કર્યો હતો અને તેનો 25 રને પરાજય થયો હતો. એન્ડી ફ્લાવરના મતે, આરસીબીને હવે આઈપીએલમાં સાત મેચ રમવાની છે. હવે ટીમ માટે નોકઆઉટ તબક્કો શરૂ થયો છે જેથી દરેક મેચ સેમિફાઈનલ બની રહેશે. પરંતુ અમારે વિચાર કરવો પડશે અને હવે મજબૂતી સાથે પરત ફરવું પડશે.
આરસીબીની દિશાવિહીન બોલિંગ સામે સનરાઈઝર્સ હૈદરાબાદના બેટ્સમેનોએ જોરદાર ફટકાબાજી કરીને ત્રણ વિકેટે 287 રન ખડક્યા હતા. જવાબમાં આરસીબીએ દિનેશ કાર્તિકના 35 બોલમાં લડાયક 83 રનની મદદથી સાત વિકેટે 262 રન કર્યા હતા. ફ્લાવરે કબૂલ્યું હતું કે છેલ્લી મેચ અમારા માટે કપરી સાબિત થઈ હતી. હરીફ ટીમે અમારો આત્મવિશ્વાસ છીનવી લીધો હતો. ઈંગ્લેન્ડના પૂર્વ કોચના મતે દિનેશ કાર્તિકે જે પ્રકારે હૈદરાબાદના બોલર્સનો સામનો કર્યો તેની પ્રશંસા કરી હતી. કાર્તિક ભારતની ટી20 વર્લ્ડ કપ ટીમમાં સ્થાન મેળવે તો આશ્ચર્ય પામવું નહીં તેમ ફ્લાવરે જણાવ્યું હતું. રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો આઈપીએલમાં આગામી મુકાબલો 21 એપ્રિલે ઈડન ગાર્ડન્સમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે થશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.