જેન્ડર રિસોર્સ સેન્ટર દ્વારા આયોજિત વિવિધ સત્રોમાં નિષ્ણાતોએ જાતિગત સંવેદનશીલતા વિષય પર માર્ગદર્શન આપ્યું
(જી.એન.એસ) તા. ૧૩
ગાંધીનગર,
રોજિંદા જીવન અને કાર્યસ્થળ પર લિંગ આધારિત પૂર્વગ્રહોને ઓળખી વધુ સંવેદનશીલ અને સમાનતાપૂર્ણ વર્તન અપનાવવાના હેતુ સાથે “POSH Act, 2013 તથા જેન્ડર સેન્સિટાઈઝેશન” વિષય પર તા. ૧૧ અને ૧૨ મે, ૨૦૨૬ દરમિયાન દ્વારકા હોલ, સ્વર્ણિમ સંકુલ-૨, સચિવાલય, ગાંધીનગર ખાતે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
તાલીમ દરમિયાન યોજાયેલા વિવિધ સત્રોમાં POSH Act, 2013 તથા કાર્યસ્થળે ગરિમાપૂર્ણ અભિગમ અને સમાવેશતા વિષય પર નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. તા. ૧૧ મેના રોજ શ્રી યોગિતા આહુજા, Chairperson CII_Indian Women Network અને તા.૧૨ મે ના રોજ ડૉ. જરણા પાઠક, સેક્રેટરી, અમદાવાદ વીમેન એક્શન ગ્રુપ (AWAG) દ્વારા કાયદાકીય જોગવાઈઓ, ફરિયાદ નિવારણ વ્યવસ્થા તથા સુરક્ષિત કાર્યસ્થળ નિર્માણ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. આ તાલીમ કાર્યક્રમનો મુખ્ય હેતુ કાર્યસ્થળે મહિલાઓના જાતીય સતામણી નિવારણ માટેના કાયદા (POSH Act, 2013) અંગે જાગૃતિ વધારવા તેમજ અધિકારીઓ અને કર્મચારીઓમાં જાતિગત સંવેદનશીલતા, સમાનતા અને સમાવેશી અભિગમ વિકસાવવાનો હતો.

રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ કાર્યરત જેન્ડર રિસોર્સ સેન્ટર દ્વારા સામાન્ય વહીવટ વિભાગના અધિકારીઓશ્રી અને કર્મચારીશ્રીઓ માટે આ બે દિવસની ખાસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. સત્રના અંતે પોસ્ટ-ટેસ્ટ દ્વારા ભાગલેનારાઓના જ્ઞાનમાં થયેલા વિકાસનું મૂલ્યાંકન પણ કરવામાં આવ્યું હતું.

