ભારતીય બુલિયન માર્કેટમાં બુધવારનો દિવસ ઐતિહાસિક સાબિત થયો હતો. એમસીએક્સ પર ચાંદીના ભાવમાં એક જ દિવસમાં આવેલા તોતિંગ ઉછાળાએ તમામ અગાઉના રેકોર્ડ તોડી નાંખ્યા હતા. એક જ સેશનમાં ચાંદીના વાયદા ભાવમાં રૂ. ૭,૫૯૦નો વધારો નોંધાતા ભાવ રૂ. ૨,૦૫,૩૪૫ પ્રતિ કિલોગ્રામની સપાટી પાર કરી ગયો હતો. આ ઉછાળો આશરે ૩.૮૪ ટકાનો રહ્યો હતો, જેને બજાર નિષ્ણાતોએ અભૂતપૂર્વ ગણાવ્યો છે. માર્ચ ૨૦૨૬ના ચાંદીના વાયદાએ રૂ. ૨ લાખની ઐતિહાસિક સપાટી પાર કરતાં રોકાણકારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
ટૂંકા ગાળામાં જ રોકાણકારોને નોંધપાત્ર નફો મળતા બુલિયન માર્કેટ ફરી ચર્ચામાં આવ્યું છે. ઔદ્યોગિક માંગમાં સતત વધારો અને વૈશ્વિક અનિશ્ચિતતાએ ચાંદીના ભાવને મજબૂત ટેકો આપ્યો હોવાનું જાણકારોનું માનવું છે. ચાંદીની સાથે-સાથે સોનામાં પણ તેજીનો માહોલ યથાવત રહ્યો હતો. એમસીએક્સ પર ફેબ્રુઆરી ૨૦૨૬ના સોનાના વાયદા ભાવમાં રૂ. ૨૪૧નો વધારો નોંધાયો હતો, જે સાથે સોનાનો ભાવ રૂ. ૧,૩૪,૬૫૦ પ્રતિ ૧૦ ગ્રામ પર પહોંચ્યો હતો.
જો કે સોનામાં વધારો ચાંદીની સરખામણીમાં મર્યાદિત રહ્યો હતો, તેમ છતાં બંને કિંમતી ધાતુઓમાં તેજીનો ટ્રેન્ડ સ્પષ્ટ જોવા મળ્યો હતો. બજાર નિષ્ણાતોના મતે, વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા, મુખ્ય કરન્સી સામે ડોલરની નબળાઈ અને ભૂરાજકીય તણાવ જેવા પરિબળોના કારણે સોના-ચાંદીમાં ખરીદી વધી છે. જોખમ વધતા રોકાણકારો સુરક્ષિત આશ્રય તરીકે કિંમતી ધાતુઓ તરફ વળતા હોવાથી ભાવમાં તેજી જોવા મળી રહી છે. એકંદરે, બુલિયન માર્કેટમાં આવેલી આ ઐતિહાસિક તેજીએ રોકાણકારોને મોટો ફાયદો કરાવ્યો છે.

