(જી.એન.એસ.-પ્રશાંત દયાળ)
ગુજરાતમાં દારૂબંધી ભલે હોય પણ દારૂના ધંધા પોલીસની મહેરબાની જ ચાલી શકે છે તે નગ્ન વાસ્તવીકતા છે, પણ ગાંધીનગરના એક પોલીસ અધિકારીએ જ ખુદ ત્રણ ટ્રક દારૂ મંગાવ્યો હતો. જેમાંથી એક ટ્રક રાજસ્થાન પોલીસે પકડી લીધી હતી. આ ટ્રકમાં ગાંધીનગરના બે પોલીસ જવાનો પણ હતા. આખરે આ મામલે પતાવટ કરવાનું નક્કી થતાં ટ્રક અને પોલીસ છોડવા પેટે રાજસ્થાન પોલીસે 20 લાખ લીધા હોવાની જાણકારી મળી રહી છે.
ગુજરાતમાં દારૂનો ધંધો કરતા મોટા ભાગના બુટલેગર પોલીસની ભાષામાં જેને ભરણ કહેવાય છે, તેવો હપ્તો આપી જ ધંધો કરે છે. પોલીસ હપ્તો ખાય છે તેવું ઉપર સુધી ખબર હોવાને કારણે પોલીસ ઉપર નજર રાખવા સ્ટેટ મોનીટરીંગ સેલ પણ છે, છતાં આ સેલ પણ કેવી રીતે કામ કરે છે તેની બધાને જ ખબર છે. આમ સેલની કામગીરી બીલાડીને ખીરની રખેવાડી સોંપવા જેવી છે, પરંતુ હવે વાત પોલીસે દારૂ મંગાવ્યો તેની છે. તા 23મી મેના રોજ લોકસભાની ચૂંટણીની મતગણતરી હતી તે દિવસે ગાંધીનગરના એક પોલીસ ઈન્સપેકટર દ્વારા રાજસ્થાનથી સારી કવોલીટીનો ત્રણ ટ્રક દારૂ મંગાવ્યો હતો.
આ સમય બહુ સુચક છે, ચૂંટણીના પરિણામના દિવસે એક પોલીસ ઈન્સપેકટર દારૂ કોના માટે મંગાવ્યો હતો તે તપાસનો વિષય છે. રાજસ્થાન દારૂ લેવા ખાસ ગાંધીનગરના પોલીસનો સ્ટાફ પણ ગયો હતો, રાજસ્થાનના ઠેકા ઉપરથી સારૂ દારૂ ભરેલી ટ્રક ગુજરાત આવવા રવાના થઈ હતી અને ગુજરાતની હદમાં પ્રવેશ કરતા પહેલા એક ટ્રકને શંકાના આધારે રાજસ્થાન પોલીસે રોકતા તેમાંથી દારૂ મળી આવ્યો હતો, જો કે બે ટ્રક રાજસ્થાનની પોલીસની નજર બહાર ગુજરાતમાં દાખલ થઈ ગઈ હતી.
રાજસ્થાન પોલીસ દ્વારા દારૂની ટ્રક પકડાઈ જતાં ગાંધીનગરના પોલીસ ઈન્સપેકટરે દારૂની ટ્રક અને પોતાના માણસોને છોડાવવા માટે ધમપાછાડા શરૂ કર્યા હતા. જો આ મામલે ગુનો દાખલ થાય તો ઈન્સપેકટરની મુશ્કેલી વધી શકે તેમ હતી. આથી પતાવટ કરવાની વાત શરૂ થઈ રાજસ્થાન પોલીસે સ્થળ ઉપર પતાવટ કરવા માટે 40 લાખ માંગ્યા હતા. આખરે 20 લાખમાં મામલો પતાવવામાં આવ્યો હતો. ગુજરાતમાં આવી પહોંચેલી બે ટ્રકોનું પોલીસની ભાષામાં કટીંગ કહેવામાં આવે છે તે થઈ ગયું હતું.
પણ રાજસ્થાન સરહદે મામલો પુરો થયો તેનો ગાંધીનગરના ઈન્સપેકટર હાશકારો લે તે પહેલા રાજસ્થાનના સ્થાનિક ઉચ્ચ પોલીસ અધિકારીને આ ઘટનાની જાણ થતાં તેમણે પોતાના સ્ટાફનો ઉધડો લઈ નાખ્યો હતો, જો કે ગાંધીનગર પોલીસ સાથેની ટ્રક તો રવાના થઈ ચુકી હતી. આથી રાજસ્થાન પોલીસના ઉચ્ચ અધિકારી દ્વારા આ મામલે ગુજરાતના ડીજીપી ઓફિસને પ્રકરણની જાણ કરવામાં આવતા સ્ટેટ મોનીટરીંગ સેલ કામે લાગ્યો હતો અને તેમણે આ ટ્રક ખાલી થાય તે પહેલા પકડી લીધી હતી. આ મામલે રાજસ્થાન પોલીસ ગુજરાત અને રાજસ્થાન પોલીસ સામે ગુનો દાખલ કરવા માગતી હતી, પણ ઉચ્ચ અધિકારીઓએ ગુજરાત પોલીસની આબરૂ બચાવવા માટે વિનંતી કરતા હાલ મામલો ઠંડો પડયો છે, પણ પ્રકરણ પછી દારૂની ટ્રકો મંગાવનાર પોલીસ ઈન્સપેકટર રજા ઉપર ઉતરી ગયા છે.
ગાંધીનગર ડીએસપી ઓફિસ સચિવાલયથી માંડ બે કિલોમીટર દુર આવેલી છે. એક તરફ સરકાર કડક કાયદાની દુહાઈ આપે છે જ્યારે સચિવાલયની બાજુમાં બેઠેલા પોલીસ અધિકારીઓ ખુદ દારૂની ટ્રકો મંગાવે છે ત્યારે પોલીસે દેશી દારૂના અડ્ડાઓ ઉપર દરોડા પાડી અને પોટલી પીનારાને પકડી કાયદાનો અમલ કરાવ્યાનો સંતોષ લઈ રહી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.