Home ગુજરાત ઉત્તર ગુજરાત કામધેનુ યુનિવર્સિટીના દસમા દીક્ષાંત સમારોહમાં શ્રી આચાર્ય દેવવ્રતજીએ ૮૨૬ જેટલા વિદ્યાર્થીઓને ડિગ્રી...

કામધેનુ યુનિવર્સિટીના દસમા દીક્ષાંત સમારોહમાં શ્રી આચાર્ય દેવવ્રતજીએ ૮૨૬ જેટલા વિદ્યાર્થીઓને ડિગ્રી અને એવોર્ડ્સ એનાયત કર્યા

38
0

કામધેનુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને એક પશુપાલક અને ખેડૂત તરીકે સંબોધન કરતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

સખત પરિશ્રમ, કઠિન તપસ્યા અને મહાન કર્મયોગ જ સફળતાની ચાવી છે:- શ્રી આચાર્ય દેવવ્રતજી

દેશી ગાયની નસલ સુધારવા, દૂધ ઉત્પાદન અને ગુણવત્તા વધારવા વિશેષ સંશોધનો અને પ્રયત્નો કરવા વિદ્યાર્થીઓને અનુરોધ

(જી.એન.એસ),તા.૦૫

ગાંધીનગર,

કામધેનુ યુનિવર્સિટીના દસમા દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ અને કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ૮૨૬ જેટલા વિદ્યાર્થીઓને પશુપાલન અને પશુ ચિકિત્સા, ડેરી ટેકનોલોજી તથા મત્સ્યપાલન ક્ષેત્રના વિવિધ અભ્યાસક્રમો માટે ડિગ્રી અને એવોર્ડ્સ એનાયત કર્યા હતા. ડિગ્રી લઈને કાર્યક્ષેત્રમાં પદાર્પણ કરવા જઈ રહેલા વિદ્યાર્થીઓને તેમણે દેશી ગાયની નસલ સુધારવા, દૂધ ઉત્પાદન ક્ષમતા વધારવા અને દૂધ તથા કૃષિમાં પોષક તત્વો વધારવા વિશેષ સંશોધનો અને પ્રયત્નો કરવા અનુરોધ કર્યો હતો. સખત પરિશ્રમ, કઠિન તપસ્યા અને મહાન કર્મયોગ જ જીવનને સફળ બનાવવાની ચાવી છે, એમ કહીને તેમણે યુવાનોને વિકસિત અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સ્વયં પશુપાલક છે. હરિયાણાના કુરુક્ષેત્રમાં ૨૦૦ એકર ભૂમિમાં પ્રાકૃતિક કૃષિ ફાર્મની સાથોસાથ તેમની ગૌશાળામાં ૩૫૦ જેટલી ગાયો પણ છે. તેમણે જાતે મહેનત કરીને પોતાની દેશી ગાયોની નસલ સુધારી છે. આજે તેમની ગૌશાળામાં પ્રતિ પશુ-પ્રતિદિન સરેરાશ ૨૮ લીટર દૂધ મળી રહ્યું છે. તેમની એક દેશી ગાય પ્રતિદિન ૨૪ લીટર જેટલું દૂધ આપી શકે એવી ઉત્તમ નસલ ધરાવે છે.

કામધેનુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને એક પશુપાલક અને ખેડૂત તરીકે સંબોધન કરતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, મેં સ્વયં પશુપાલન કર્યું છે એટલે કહી રહ્યો છું કે, દુધાળા પશુઓની નસલ સુધારણા, એમ્બ્રિયો ગ્રેડિંગ અને સેક્સ સૉર્ટેડ સીમન ટેકનોલોજી જેવા ક્રાંતિકારી સંશોધનોથી રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી અને કર્તવ્યભાવનાથી દેશને પ્રગતિના માર્ગે આગળ લઈ જાઓ. દૂધ ઉત્પાદન વધશે તો પશુપાલક અને ખેડૂત સમૃદ્ધ થશે. ખેડૂત સમૃદ્ધ થશે તો રાષ્ટ્ર સમૃદ્ધ થશે. દૂધ અને અનાજની ગુણવત્તા સુધરશે તો કુપોષણની સમસ્યાનો ઉકેલ આવશે. તેમણે કહ્યું કે ડિગ્રી તો માત્ર નોકરી માટે છે, જે પણ ક્ષેત્રમાં કામ કરો ત્યાં ક્રાંતિ કરો અને નવો ઇતિહાસ રચો.

પશુપાલન અને કૃષિ એકમેકના પુરક છે. જેમ દૂધનું ઉત્પાદન અને ગુણવત્તા બંને વધારવાની આવશ્યકતા છે તેમ કૃષિ ઉત્પાદનોમાં પણ ગુણવત્તા સુધારવાની તાતી આવશ્યકતા છે એમ કહીને શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગથી ધરતી બિનઉપજાઉ અને વેરાન તો બની જ છે, જે ખેત ઉત્પાદન મેળવી રહ્યા છીએ તેમાં પણ ૪૫% પોષક તત્વો નથી રહ્યા. એટલું જ નહીં, ખેત ઉત્પાદનો દ્વારા માનવ શરીરમાં ધીમું ઝેર જઈ રહ્યું છે, જેનાથી જીવલેણ અને ગંભીર રોગોની સમસ્યા વકરી છે. આપણે અનાજના ભંડાર તો ભર્યા પણ પોષક તત્વો ગાયબ થઈ ગયા છે.

પશુઓના દૂધમાં પણ રસાયણો અને પેસ્ટીસાઈડ્સના અંશ મળી રહ્યા છે, ત્યારે રાસાયણિક ખેતી પદ્ધતિ છોડીને પ્રાકૃતિક કૃષિ અપનાવવાની આવશ્યકતા છે એમ કહીને શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સતત માર્ગદર્શનમાં, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સમગ્ર ગુજરાત સરકારના પ્રયત્નોથી પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે સારી સફળતા મળી રહી છે. ગુજરાતમાં આજે નવ લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. પ્રાકૃતિક ખેતીથી ભૂમિની ફળદ્રુપતા પાછી આવશે, કૃષિ પેદાશોની ગુણવત્તા સુધરશે. પરિણામે લોકોનું સ્વાસ્થ્ય સુધરશે અને જળ-વાયુ તથા પર્યાવરણ પણ સુધરશે.

મથુરાની પંડિત દીનદયાળ ઉપાધ્યાય પશુચિકિત્સા વિજ્ઞાન વિશ્વવિદ્યાલય તેમજ ગૌ-અનુસંધાન સંસ્થાનના કુલપતિ ડૉ. એ. કે. શ્રીવાસ્તવે પદવી પ્રાપ્ત વિદ્યાર્થીઓને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં ભારત સૌથી યુવા દેશ છે, જેમાં ૬૮ ટકા વસતી યુવાન એટલે કે ૩૫ વર્ષથી ઓછી વયની છે. ત્યારે વિકસિત ભારત @૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવામાં આપ સૌ યુવાઓનું યોગદાન મહત્વપૂર્ણ સાબિત થશે.

તેમણે ઉમેર્યું કે, ચોક્કસ વિકાસલક્ષી વિઝન સાથે આગળ વધી રહેલા ભારત દેશમાં ફૂડ સિક્યુરિટી બિલ લાવવામાં આવ્યું છે, તેની સાથોસાથ ભારત હવે હવે ફૂડ ડેફીસિયન્સીમાંથી બહાર આવીને ફૂડ એફિસીયન્સ અને હવે ફૂડ સરપ્લસ દેશ બન્યો છે. એટલું જ નહિ, ગ્રીન રિવોલ્યુશન ઉપરાંત શ્વેત રિવોલ્યુશન ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ સિદ્ધિઓ હાંસલ કરી છે.  દૂધમાં રહેલા વિટામિન તત્વો અને તેનાથી થતા ફાયદા ઉપરાંત આયોડીનયુક્ત મીઠાના  ઉપયોગ અંગે ડૉ. એ. કે. શ્રીવાસ્તવે સૌને માહિતગાર કર્યા હતા.

કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે આ કાર્યક્રમના સફળ આયોજન માટે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. જેમાં પદવી પ્રાપ્ત વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવાની સાથોસાથ પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન આપી રાષ્ટ્રનિર્માણના કાર્યમાં પણ પોતાનું મહત્વનું યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.

કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. એન. એચ. કેલાવાલાએ સ્વાગત ઉદ્બોધન કરી યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલી વાર્ષિક કામગીરી અંગે સૌને માહિતગાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ ૧૦મા પદવીદાન સમારોહમાં કામધેનુ યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાના સ્નાતક કક્ષાના ૫૮૭ વિદ્યાર્થીઓ, અનુસ્નાતક કક્ષાના ૧૫૪ વિદ્યાર્થીઓને અને પીએચ.ડી.ના ૪૪ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ છે. આ ઉપરાંત ૧૯ વિદ્યાર્થીઓને ૪૨ મેડલ અને ૨૨ વિદ્યાર્થીનીઓને ૫૯ મેડલ મળી કુલ ૪૧ વિધાર્થીઓને ૧૦૧ મેડલ એનાયત કરવામાં આવ્યા છે.

આ કાર્યક્રમમાં કામધેનુ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલી “ઔષધીય વનસ્પતિઓ દ્વારા પશુરોગોની પ્રાથમિક સારવાર” પુસ્તકનું રાજ્યપાલશ્રીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત વિવિધ વિષય આધારિત તૈયાર કરવામાં આવેલી પાંચ અલગ અલગ ડોક્યુમેન્ટરીનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.

આ અવસરે યુનિવર્સિટીના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજી  દ્વારા મુંબઈ સ્થિત સમસ્ત મહાજન સામાજિક સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ગીરીશભાઈ જયંતીલાલ શાહને ડૉક્ટર ઓફ સાયન્સની માનદ પદવી પ્રદાન કરવામાં આવી હતી.

આ પ્રસંગે કામધેનુ યુનિવર્સિટીના કુલસચિવ ડૉ. કે. કે. હડિયા, કામધેનુ યુનિવર્સિટીના સંશોધન નિયામક ડૉ. ડી.બી.પાટીલ, વિવિધ યુનિવર્સિટીના કુલપતિશ્રી, દીક્ષાર્થી વિદ્યાર્થીઓ તેમજ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજ્ય માર્ગ સલામતી સત્તામંડળની ઉત્કૃષ્ટ કામગીરીના પરિણામે રાજ્યમાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટશે:- વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવી
Next articleછત્રાલ જી.આઈ.ડી.સી ખાતેની સ્વાગત પ્રોડક્ટ પેઢીમાં રેડ કરતા રૂ. ૭૯ લાખની કિંમતનો ૧૬,૦૦૦ કિ.ગ્રા શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો: ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ. એચ.જી.કોશિયા