Home રમત-ગમત Sports ભારતના યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ ટેસ્ટ રેન્કિંગમાં ટોપ 10 તરફ આગેકૂચ

ભારતના યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ ટેસ્ટ રેન્કિંગમાં ટોપ 10 તરફ આગેકૂચ

34
0

બોલર્સ રેન્કિંગમાં જસપ્રિત બુમરાહ અને અશ્વિનનો ટોચના ક્રમે દબદબો યથાવત્

(જી.એન.એસ),તા.૦૧

મુંબઈ,

ભારતના યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ટોપ 10 તરફ આગેકૂચ કરી છે. બુધવારે જાહેર થયેલા રેન્કિંગ મુજબ જયસ્વાલ ટેસ્ટ બેટ્સમેનની યાદીમાં ત્રણ સ્થાનના લાભ સાથે 12માં ક્રમે પહોંચ્યો છે. આ ઉપરાંત ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટમાં પ્રથમ દાવમાં 90 રનની ઈનિંગ્સ રમનાર ધ્રુવ જુરેલે 31 સ્થાનનો મોટો કૂદકો લગાવતા તે 69માં ક્રમે રહ્યો છે. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી પૂર્વે યશસ્વી જયસ્વાલ 69માં ક્રમે હતો પરંતુ તેણે બે બેવડી સદી ફટકારવા ઉપરાંત રાંચી ટેસ્ટમાં પ્રથમ દાવમાં 73 અને બીજા દાવમાં 37 રનની ઈનિંગ્સ રમતા તેને રેન્કિંગમાં નોંધપાત્ર ફાયદો થયો છે.

ઈંગ્લેન્ડનો પૂર્વ સુકાની જો રૂટે બેઝબોલ શૈલીને છોડીને તેની નૈસર્ગિક રમત તરફ વળતા તેને રેન્કિંગમાં ફાયદો થયો છે અને પુનઃ ટોપ ત્રણમાં પહોંચ્યો છે. રૂટે ચોથી ટેસ્ટમાં પ્રથમ દાવમાં 122 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી અને તે તાજેતરમાં રેન્કિંગમાં બે સ્થાનની આગેકૂચ સાથે ત્રીજા ક્રમે રહ્યો છે. ઓલરાઉન્ડર્સની યાદીમાં પણ રૂટ ત્રણ સ્થાનના લાભ સાથે ચોથા ક્રમે પહોંચ્યો છે. ભારતના વરિષ્ઠ સ્પિનર રવિચંદ્રન અશ્વિન બીજી ઈનિંગ્સમાં પાંચ વિકેટ ઝડપતા તે બોલર્સની યાદીમાં ટોચના ક્રમે રહેલા બુમરાહની નજીક જવામાં સફળ થયો છે. અશ્વિન 846 રેટિંગ પોઈન્ટ્સ સાથે બીજા ક્રમે છે જ્યારે બુમરાહ પ્રથમ ક્રમે છે જે રાંચી ટેસ્ટમાં રમ્યો નહતો. આમ બંને ભારતીય બોલર્સનો ટેસ્ટ બોલર્સની યાદીમાં દબદબો યથાવત્ છે. કુલદીપ યાદવ 10 સ્થાનના ફાયદા સાથે 32માં ક્રમે છે. ઈંગ્લેન્ડનો યુવા સ્પિનર શોએબ બશીર 38 સ્થાનની છલાંગ સાથે 80માં ક્રમે પહોંચ્યો છે જે તેના કારકિર્દીનો શ્રેષ્ઠ ક્રમ છે. ઝેક ક્રોલી સૌપ્રથમ વખત ટોપ 20માં પ્રવેશવામાં સફળ રહ્યો છે.

દરમિયાન ટી20 રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ટ્રેવિસ હેડે તાજેતરમાં ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ ટી20ની શ્રેણીમા 23, 45 અને 33 રનની ઈનિંગ્સ રમતા તે પ્રથમ વખત ટોપ 20 બેટ્સમેનની યાદીમાં પ્રવેશ્યો છે. ટીમ ડેવિડના 10 બોલમાં ઝંઝાવાતી 31 રન બદલ તે છ સ્થાનના ફાયદા સાથે 22માં ક્રમે પહોંચ્યો હતો અને કારકિર્દીમાં સૌપ્રથમ વખત 600 રેટિંગ પોઈન્ટ્સને પાર કરવામાં સફળ રહ્યો હતો. ટોપ 10 બોલર્સમાં એકમાત્ર જોશ હેઝલવૂડનો સમાવેશ થયો હતો જ્યારે ટોપ છ બોલર્સમાં કોઈ ફેરફાર નોંધાયો નહતો. વન-ડે રેન્કિંગમાં નામીબિયાના બર્નાર્ડ સ્કોલ્ટ્ઝે વન-ડે વર્લ્ડ કપ લીગ 2 ત્રિકોણીય શ્રેણીમાં નેપાળ સામે 31 રનમાં ચાર વિકેટ અને નેધરલેન્ડ સામે 15 રનમાં બે વિકેટ ઝડપતા તે 642 રેટિંગ પોઈન્ટ્સ સાથે 11માં ક્રમે હતો જે નામીબિયાના ખેલાડી દ્વારા વન-ડેમાં મેળવેલો શ્રેષ્ઠ ક્રમ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભોજપુરી ઈન્ડસ્ટ્રીની અભિનેત્રી મોનાલિસાની લેટેસ્ટ તસવીરો પર ફેન્સે વરસાવ્યો પ્રેમ
Next articleઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડનાં બોલર્સે બોલિંગમાં તરખાટ મચાવ્યો