(જી.એન.એસ),તા.૨૯
લંડન-ઇંગ્લેન્ડ,
ઇંગ્લેન્ડનો મહાન ઝડપી બોલર અને લાંબા ગાળા સુધી રમી રહેલો જેમ્સ એન્ડરસન અત્યારે 1000 ઇન્ટરનેશનલ વિકેટની નજીક પહોંચી ગયો છે ત્યારે તેનું કહેવું છે કે ઝડપી બોલિંગના કેટલાક ગુણો તથા રિવર્સ સ્વિંગ કરાવવાની ક્ષમતા તે ભારતના મહાન ઝડપી બોલર ઝહીર ખાન પાસેથી શીખ્યો છે. 41 વર્ષીય જેમ્સ એન્ડરસન અત્યારે પણ ઇંગ્લેન્ડના ઝડપી બોલિંગ આક્રમણની આગેવાની લઈ રહ્યો છે અને ટેસ્ટ ક્રિકેટમાં 700 વિકેટ લેનારા પ્રથમ ઝડપી બોલર બનવા માટે તેને માત્ર બે વિકેટની જરૂર છે. ભારત સામે સાતમી માર્ચથી શરૂ થઈ રહેલી ધરમશાલા ખાતેની પાંચમી ટેસ્ટમાં તે આ સિદ્ધિ હાંસલ કરી શકે તેમ છે. મહાન સ્પિનર મુથૈયા મુરલીધરન અને શેન વોર્ન બે જ બોલર અત્યાર સુધીમાં ટેસ્ટ ક્રિકેટમાં 700 વિકેટ ખેરવી શક્યા છે.
એન્ડરસને જણાવ્યું હતું કે મારા માટે ઝહીર ખાન એવો બોલર છે જેની પાસેથી મેં ઘણું બધું શીખવાનો પ્રયાસ કર્યો હતો. હું તેની બોલિંગ નિહાળતો હતો અને તે કેવી રીતે રિવર્સ સ્વિંગ કરે છે અથવા તો કેવી રીતે બોલિંગ કરતી વખતે બોલને પોતાના હાથમાં સંતાડી રાખે છે તેનો અભ્યાસ કરતો રહેતો હતો. તેની સામે રમતી વખતે પણ મેં મારા બોલિંગ કૌશલ્યનો વિકાસ કર્યો હતો. ભારતના સર્વશ્રેષ્ઠ ઝડપી બોલર પૈકીના એક એવા ઝહીર ખાને તેની અંતિમ ટેસ્ટ 2014માં રમી હતી અને એ વખતે એન્ડરસન તેની કારકિર્દીના સર્વોચ્ચ ફોર્મમાં હતો. વર્તમાન ભારતીય બોલર્સમાંથી એન્ડરસન અત્યારે જસપ્રિત બુમરાહથી સૌથી વધારે પ્રભાવિત થયો છે. તેણે બુમરાહને રિવર્સ સ્વિંગનો મહારથી ગણાવ્યો હતો.
ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં બુમરાહે મેચ વિનિંગ પ્રદર્શન કર્યું હતું તે અંગે પ્રશ્ન કરતાં એન્ડરસને જવાબ આપ્યો હતો કે બુમરાહ જેવી ક્ષમતા ધરાવતા બોલર પાસેથી તમે આ જ પ્રકારની ઉચ્ચ કક્ષાની બોલિંગની અપેક્ષા રાખતા હો છો. તમે જાણો છો કે ભારતમાં રિવર્સ સ્વિંગ મહત્વનો હિસ્સો ધરાવે છે અને બુમરાહ તેમાં માહિર છે. તેની પાસે સારી ઝડપ પણ છે અને તે સાતત્યની સાથે સાથે ચુસ્ત બોલિંગ કરી શકે છે. બુમરાહે આ સિરીઝમાં ઓલિ પોપ સામે તે યાદગાર યોર્કર ફેંક્યો હતો તે અદભૂત હતો. તે વિશ્વનો નંબર વન બોલર એમ જ બની ગયો નથી. તે વર્લ્ડ ક્લાસ બોલર છે અને અમારી ટીમની દૃષ્ટિએ જોઇએ તો તે આવું જ પ્રદર્શન કરતો રહે તો અમને આશ્ચર્ય નહીં થાય તેમ એન્ડરસને ઉમેર્યું હતું.
એન્ડરસને વધુમાં જણાવ્યું હતું કે ક્રિકેટ જગતમાં અત્યારે બુમરાહ, શમી અને સિરાઝ જેવા બહેતર બોલર નહીં હોય. તેઓ વર્લ્ડ ક્લાસ છે. તમે તેમાં ઇશાન્ત શર્માને ઉમેરી શકો અને ભારતની બોલિંગ વધારે મજબૂત બની જશે. ઇંગ્લેન્ડના આ મહાન બોલરની લાંબી કારકિર્દીને ટૂંકમાં વર્ણવવી હોય તો તેના હાલમાં સાથી બોલર શોએબ બશીર અને રેહાન અહેમદ ત્યારે પેદા પણ થયા ન હતા જ્યારે એન્ડરસને તેની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. એન્ડરસને 2002માં તેની ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. તે અત્યાર સુધીમાં 186 ટેસ્ટ અને 194 વન-ડે રમી ચૂક્યો છે જેમાં તેણે 698 ટેસ્ટ વિકેટ ઝડપી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.