“વિકસિત ભારત સંકલ્પ યાત્રા” એટલે નાગરિકોના સપનાઓને સાકાર કરવા માટે સરકારનો અડગ નિર્ધાર સાથેનો સંકલ્પ:- મંત્રી શ્રી બચુભાઇ ખાબડ
“વિકસિત ભારત સંકલ્પ યાત્રા”બિનસરકારી સંકલ્પનો વિધાનસભા ખાતે સર્વાનુમતે સ્વિકાર
(જી.એન.એસ),તા.૨૮
ગાંધીનગર,
નાગરિકોના સપનાઓને સાકાર કરવા માટે સરકારના અડગ નિર્ધાર સાથેનો સંકલ્પ એટલે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” તેમ કહી બિનસરકારી સંકલ્પના સ્વીકાર સાથે પોતાનો મત રજૂ કરતાં મંત્રી શ્રી બચુભાઇ ખાબડે ઉમેર્યું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે આજે વિશ્વના અગ્રણી દેશોની યાદીમાં સ્થાન મેળવ્યું છે. સમગ્ર દેશ તથા ગુજરાતમાં તા.૧૫મી નવેમ્બર, ૨૦૨૩ થી તા.૨૬મી જાન્યુઆરી, ૨૦૨૪ સુધી આ સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતમાં આશરે ૧૪,૫૦૦થી વધુ ગ્રામ પંચાયત સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચી હતી. આ યાત્રા દરમિયાન ૬૦ લાખથી વધારે વ્યક્તિઓએ ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ લીધા હતા. એટલું જ નહિ, આ યાત્રા દરમિયાન ૩ લાખથી વધુ વ્યક્તિઓની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઝારખંડ રાજ્યમાંથી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે આ પ્રસંગે ગુલામીની માનસિકતામાંથી બહાર આવીને વર્ષ-૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ લેવડાવ્યા હતા.
રાજ્યના છેવાડાના માનવી કે જે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવાની પાત્રતા ધરાવે છે, તેમને આવી યોજનાઓનો લાભ પહોંચાડવા તથા જનજાગૃતિ લાવવા સમગ્ર ભારતમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” શરૂ કરવામાં આવી હતી. ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ યાત્રાનો પ્રારંભ અંબાજીથી કરાવ્યો હતો. જનસેવા અને લોક કલ્યાણના ઉદ્દેશથી યોજવામાં આવેલ આ સંકલ્પ યાત્રા દરમિયાન લોકોને વિવિધ યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવી હતી અને મળવાપાત્ર લાભ પ્રાપ્ત કરાવવામાં આવ્યા હતા.
ધારાસભ્યશ્રી રમેશભાઇ ટીલાળાનો બિનસરકારી સંકલ્પ રજૂ કરતાં કહ્યું હતું કે, કોઇપણ કાર્યની સફળતા તેની પાછળ રહેલા સંકલ્પને આભારી છે. દ્રઢ સંકલ્પથી જ સફળતા અને સમૃધ્ધિના દ્વાર ખૂલે છે. ભારતવાસીઓ માટે આવું એક કદમ એટલે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”.
ધારાસભ્યશ્રીએ ઉમેર્યું હતું કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના, દીનદયાલ અંત્યોદય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, કિસાન સન્માન યોજના, કિસાન ક્રેડીટ કાર્ડ, પોષણ અભિયાન, જલજીવન મિશન, સ્વામિત્વ યોજના, જનધન યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક કૃષિ અને રાસાયણિક ખાતરોનો વપરાશ ઓછો કરવા સહિતની ૧૭ યોજનાઓને આવરી લેવામાં આવી હતી. સરકારની આ યોજનાઓને પાત્ર હોય તેવા એક પણ લાભાર્થી છૂટી ના જાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સઘન પ્રયત્નો કરવામાં આવ્યા હતા.
આ સંકલ્પ યાત્રાને સફળ બનાવવા સમગ્ર રાજ્યના વહીવટી તંત્રએ પણ અથાગ પ્રયત્નો કર્યા હતા. ગ્રામ્ય કક્ષાએ પણ અધિકારીઓ અને પદાધિકારીશ્રીઓ દ્વારા એકબીજાના સંકલનમાં રહીને યાત્રાની કામગીરી સુચારૂ રીતે પાર પાડવામાં આવી હતી.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરાવવામાં આવેલ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”ને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં વ્યાપક રીતે શરૂ કરવામાં આવી હતી અને તેને અભૂતપૂર્વ સહકાર મળ્યો હતો. “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”ના અજોડ આયોજન બદલ રાજ્ય સરકારને ધારાસભ્યશ્રીએ અભિનંદન પાઠવ્યા છે.
ધારાસભ્યશ્રી રમેશભાઇ ટીલાળાનો બિનસરકારી સંકલ્પ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નો વિધાનસભા ખાતે સર્વાનુમતે સ્વિકાર કરવામાં આવ્યો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.