Home ગુજરાત ખેડૂતના હિતમાં રાજ્ય સરકારનો વધુ એક મહત્વનો નિર્ણય

ખેડૂતના હિતમાં રાજ્ય સરકારનો વધુ એક મહત્વનો નિર્ણય

27
0

રવી માર્કેટિંગ સીઝન ૨૦૨૪-૨૫ માટે રાજ્ય સરકાર દ્વારા ઘઉં, બાજરી,જુવાર અને મકાઈની લઘુત્તમ ટેકાના ભાવે ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરાશે -અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી કુંવરજી બાવળીયા

ખેડૂતો તા. ૨૭. ૦૨ થી ૩૧.૦૩. ૨૦૨૪ સુધી ઓનલાઇન નોંધણી કરાવી શકશે : તા.૧૫ માર્ચથી ૧૯૬ ખરીદ કેન્દ્રો/ગોડાઉન પરથી ખરીદી શરૂ કરાશે

(જી.એન.એસ),તા.૨૬

ગાંધીનગર,

ગુજરાતના ખેડૂતોની આવક બમણી કરવાની સાથે સાથે પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વવાળી રાજ્ય સતત કાર્યરત છે. જેના ભાગરૂપે રવી માર્કેટિંગ સીઝન ૨૦૨૪-૨૫ માટે રાજય નાગરીક પુરવઠા નિગમ દ્વારા ઘઉં પ્રતિ ક્વિન્ટલ -રૂ. ૨૨૭૫/-,બાજરી પ્રતિ ક્વિન્ટલ – રૂ.૨૫૦૦/-,જુવાર (હાઈબ્રીડ) પ્રતિ ક્વિન્ટલ – રૂ. ૩૧૮૦/-,જુવાર (માલદંડી) પ્રતિ ક્વિન્ટલ – રૂ.૩૨૨૫/- જ્યારે મકાઈ માટે પ્રતિ ક્વિન્ટલ –રૂ.૨૦૯૦/-ના દરે લઘુત્તમ ટેકાના ભાવથી ખેડૂતો પાસેથી સીધી ખરીદવાનો રાજ્ય સરકારનો વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે તેમ,અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાએ આજે ગાંધીનગર ખાતે મીડીયાને વિગતો આપતાં જણાવ્યું હતું.

મંત્રી શ્રી કુંવરજીભાઇએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા આ પોષણક્ષમ ભાવો નિયત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ બાજરી તથા જુવારની ખરીદી માટે પ્રતિ ક્વિન્ટલ રૂ.૩૦૦/-બોનસ પણ જાહેર કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરેલ લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવાની ઈચ્છા ધરાવતા ખેડૂતોએ રાજ્ય સરકારના FPP -(Farmers Procurement Portal) પોર્ટલ પર ફરજીયાત ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. આ માટે ખેડૂતો મિત્રો આવતીકાલે એટલે કે તા.૨૭/૦૨ થી ૩૧ માર્ચ ૨૦૨૪ સુધી ગ્રામીણ કક્ષાએ VCE મારફતે તેમજ તાલુકા કક્ષાએ નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનો ખાતે ઓનલાઈન નોંધણી કરાવી શકશે.રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી આગામી તા.૧૫ માર્ચ ૨૦૨૪થી કુલ ૧૯૬ ખરીદ કેન્દ્રો-ગોડાઉન પરથી ખરીદી કરવામાં આવશે.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે,ખેડૂતોએ નોંધણી માટે આધારકાર્ડની નકલ,ગામ નમૂના ૭-૧૨ તથા ૮-અ ની અદ્યતન નકલ, ગામ નમૂના ૧૨ માં પાક વાવણી અંગેની નોંધ ન થઈ હોય તો, પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો તાજેતરનો દાખલો તેમજ ખાતેદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ કરેલ ચેકની નકલ જેવા નિયત કરેલા આધાર- પુરાવા રજૂ કરવાના રહેશે.ખેડૂત ખાતેદારના આધારકાર્ડ સાથેના બાયોમેટ્રિક ઓથોન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદ કરવામાં આવશે તેમ,પણ તેમણે ઉમેર્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદૈનિક રાશિફળ (તા.૨૭-૦૨-૨૦૨૪)
Next articleમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં થલતેજ ખાતે શ્રી સાંઈધામ સનાતન મંદિરનું ખાતમુહૂર્ત કરાયું