(G.N.S) dt. 25
રાજકોટ,
જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધીના માર્ગમાં ઠેર-ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે વડાપ્રધાનશ્રીને ઉમંગભેર આવકારતા રાજકોટવાસીઓ
લોકલાડીલા વડાપ્રધાનશ્રીની એક ઝલક મેળવવા રાજકોટવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા
ઉપસ્થિત વિશાળ જનમેદનીનું સહર્ષ અભિવાદન ઝીલતા પ્રધાનમંત્રીશ્રી મોદી
રાજકોટ ખાતે રૂ. ૪૮,૦૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપવા પધારેલા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનો જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધી ભવ્ય રોડ શૉ યોજાયો હતો. લોકલાડીલા વડાપ્રધાનશ્રીની એક ઝલક મેળવવા રાજકોટવાસીઓ મોટી સંખ્યામાં આ રોડ-શૉમાં ઉમટી પડ્યા હતા. જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધીના સમગ્ર માર્ગમાં રાજકોટવાસીઓએ પ્રધાનમંત્રીશ્રીને ઉમંગભેર આવકાર્યા હતા.
માર્ગમાં ઠેર-ઠેર શહેરની વિવિધ સંસ્થાઓ, વિવિધ સમાજના અગ્રણીઓ દ્વારા વડાપ્રધાનશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત-અભિવાદન કરવામાં આવ્યું હતું.
રોડ શોમાં સમગ્ર રૂટ પર “મોદીજી આપકા સ્વાગત હૈ…” ના હર્ષનાદો સાંભળવા મળ્યા હતા. પ્રયાસ પેરેન્ટ્સ સંસ્થાના મનોદિવ્યાંગ બાળકોએ પણ પ્રધાનમંત્રીશ્રીની પ્રતિકૃતિ બનાવી હર્ષ વ્યક્ત કર્યો હતો. આ તકે સમગ્ર રૂટ પર થયેલી નૃત્ય સહિતની પ્રસ્તુતિઓએ ઉપસ્થિતજનોમાં અનેરું આકર્ષણ જન્માવ્યું હતું. સ્વામિનારાયણ ગુરુકુળના શિષ્યો દ્વારા વેદોચ્ચાર થકી વડાપ્રધાનશ્રીને અનોખો આવકાર આપવામાં આવ્યો હતો. રાજકોટની જનતા દ્વારા દર્શાવાયેલા આ પ્રેમનો પ્રધાનમંત્રીશ્રીએ પણ ઉષ્માસભર પ્રતિસાદ આપતા જનતાના અભિવાદનનો સહર્ષ સ્વીકાર કર્યો હતો અને આબાલ-વૃદ્ધ સૌ રંગીલા રાજકોટીયનોએ વ્યક્ત કરેલા આ પ્રેમ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રીશ્રીના રોડ શોમાં રાજકોટની ભૂષણ સ્કૂલના વિદ્યાર્થીઓએ ચંદ્રયાન અને દેશભક્તિની થીમ આધારિત ગીત પર નૃત્ય રજૂ કરતા તે સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. પ્રધાનમંત્રીશ્રીએ પણ તેમના અનોખા અભિવાદનને સહર્ષ સ્વીકાર્યું હતું. ઉપસ્થિતજનોએ આ તકે રાજકોટને વિવિધ વિકાસ પ્રક્લપોની ભેટ બદલ પ્રધાનમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.