Home ગુજરાત ઉત્તર ગુજરાત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને આણંદ કૃષિ યુનિવર્સિટીનો ૨૦મો પદવીદાન સમારોહ યોજાયો

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને આણંદ કૃષિ યુનિવર્સિટીનો ૨૦મો પદવીદાન સમારોહ યોજાયો

42
0

આણંદ,

દેશના નાગરિકોનું સુપોષણ અને સુસ્વાસ્થ્ય સુનિશ્ચિત કરવા પ્રવર્તમાન કૃષિ પદ્ધતિઓ સુધારવાનું દાયિત્વ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું છે: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત

રાજ્યપાલશ્રીએ ૪૧ તેજસ્વી વિદ્યાર્થીઓને ૮૨ સુવર્ણચંદ્રકો, ચંદ્રકો અને રોકડ પુરસ્કાર એનાયત કર્યા

રાજ્યપાલશ્રીના હસ્તે યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાના ૫૭૮ વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતકની પદવી એનાયત: રાજ્યપાલશ્રીએ સુભાશિષ પાઠવ્યા

આણંદ કૃષિ યુનિવર્સિટીનો ૨૦મો પદવીદાન સમારોહ રાજયપાલ અને આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. પદવીદાન સમારોહમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ, બાગાયત, ફુડ પ્રોસેસિંગ ટેકનોલોજી અને બાયોએનર્જી, કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી, એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ઇન્ટરનેશનલ એગ્રી. બિઝનેસ મેનેજમેન્ટ વિદ્યાશાખાના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના ૫૭૮ વિદ્યાર્થીઓને પદવી તથા ૪૧ તેજસ્વી વિદ્યાર્થીઓને કુલ ૮૨ સુવર્ણચંદ્રકો, ચંદ્રકો તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.  રાજ્યપાલશ્રી દ્વારા કૃષિ યુનિવર્સિટીના સંશોધન, શિક્ષણ અને વિસ્તરણ ક્ષેત્રે કામ કરતા વૈજ્ઞાનિકોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આણંદ કૃષિ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, આપના અને આપના માતા-પિતાના અથાગ પરિશ્રમથી પ્રાપ્ત થયેલ આ ડિગ્રી દ્વારા આપના ક્ષેત્રમાં ઉત્તમ કાર્યો કરી રાષ્ટ્રની સેવા કરવા હવે આપ તૈયાર થયા છો. રાજ્યપાલશ્રીએ સમાજમાં વિદ્યાર્થીઓને તેઓની ભૂમિકા સમજાવતા કહ્યું કે, દેશના લોકોનું ઉત્તમ પોષણ અને ઉત્તમ સ્વાસ્થ્ય સુનિશ્ચિત કરવા પ્રવર્તમાન કૃષિ પદ્ધતિઓ સુધારવાનું દાયિત્વ કૃષિ યુનિવર્સિટીના યુવાનોનું છે.

આજથી ૬૦ વર્ષ પહેલાં દેશમાં આવેલ હરિત ક્રાંતિને યાદ કરતાં રાજ્યપાલશ્રીએ વિદ્યાર્થીઓને જણાવ્યું કે, તે સમયે દેશની જરૂરિયાત પ્રમાણે ડૉ. સ્વામિનાથન અને ડૉ. મૈનેએ આ ક્રાંતિઓ પ્રદાન કરી હતી. પરંતુ આજે દેશની જમીન અને આબોહવાની સ્થિતિ કંઇક અલગ છે. યુરિયા અને ડીએપી આધારિત ખેતીના અતિક્રમણના કારણે જમીનમાં અને તેના કારણે દેશવાસીઓના સ્વાસ્થ્ય પર જે આડઅસર થઈ રહી છે તેમાં સુધારા લાવવાના પ્રયત્નોમાં યોગદાન આપવું એ આપની જીવનભાવના હોવી જોઈએ. 

જ્યારે આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા વાર્ષિક ૨૫,૦૦૦ કરતાં વધુ ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે ત્યારે યુનિવર્સિટીની અને તેના વિદ્યાર્થીઓની જવાબદારી વધી જાય છે. પ્રાકૃતિક કૃષિનું મહત્વ સમજાવતાં પોતાના ઉદબોધન અને માર્ગદર્શક વીડિયો થકી રાજ્યપાલશ્રીએ આણંદ કૃષિ યુનિવર્સિટીથી વિવિધ પદવી મેળવી સમાજમાં પોતાનું યોગદાન આપવા કટિબદ્ધ થયેલા યુવાનોને પ્રાકૃતિક ખેતીની વાત અને તેના લાભ સમજી જનજન સુધી પહોચાડવા અપીલ કરી હતી.

રાજ્યપાલશ્રીએ દેશની અવિરત પ્રગતિ માટે ચારિત્ર્યવાન યુવા પેઢીના ઘડતરની જરૂરિઆત પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, ચારિત્ર્યવાન યુવા પેઢી રાષ્ટ્ર અને સમાજનું નિર્માણ કરે છે. સત્યના પથ ઉપર ચાલવા, ધર્મનું આચરણ કરવા અને જીવનમાં પ્રમાણિકતાથી આગળ વધવાની શાસ્ત્રોક્ત શિક્ષા રાજ્યપાલશ્રીએ વિદ્યાર્થીઓને આપી હતી.

આ પ્રસંગે અતિથિ વિશેષ, સ્પેસ એપ્લિકેશન સેન્ટર (ઇસરો)ના નિયામક શ્રી નિલેશ એમ. દેસાઈએ દેશમાં કૃષિ અને સ્પેસ ટેકનોલોજીના અનોખા સંગમથી થયેલ પ્રગતિ વિશે જણાવતાં કહ્યું કે રિમોટ સેન્સિંગ અને જિયોગ્રાફિક ઇન્ફર્મેશન સિસ્ટમ (GIS) ટેક્નોલોજીના ઉપયોગથી કૃષિ ક્ષેત્રે અનોખી ક્રાંતિ આવી છે. સ્પેસ ટેકનોલોજી અને કૃષિનું આવું એકીકરણ માત્ર ખેતપેદાશમાં વધારો કરવા પૂરતું સિમિત નથી પરંતુ ટકાઉ ખેતી પદ્ધતિઓ વિકસાવી દેશના ટકાઉ વિકાસની આગવી ખાતરી આપે છે.

આ પ્રસંગે આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. કે. બી. કથીરીયાએ પદવીદાન સમારોહમાં રાજ્યપાલશ્રી, અતિથિ વિશેષ, મહાનુભાવો તથા સૌને આવકારતાં જણાવ્યું હતું કે આણંદ કૃષિ યુનિવર્સિટી પોતાના શિક્ષણ અને સંશોધન પ્રયાસોને દેશહિતના ક્ષેત્રોમાં વિસ્તાર્યા છે.  જેમ કે સોઈલ ક્વાલિટી મેનેજમેન્ટ, જૈવ ખાતર, ગુણવત્તાયુક્ત બીજ ઉત્પાદન, ટીશ્યુ-કલ્ચર્ડ પ્લાન્ટ, પેસ્ટીસાઈડ રેસિડ્યૂ એનાલિસિસ, ખોરાકની ગુણવત્તા પરીક્ષણ અને ICT સાધનો. આણંદ કૃષિ યુનિવર્સિટી ખેડૂતો અને ખેતી સાથે જોડાયેલ લોકોને નવીન સાધનો, ટકાઉ ખેતી તકનીકો અને સ્માર્ટ ટેક્નોલોજી અપનાવવા માટે પ્રોત્સાહિત કરે છે. યુનિવર્સિટીની વ્યાપક વિસ્તરણ પ્રવૃત્તિઓ દ્વારા ખેડૂતો, ખેતમજૂરો અને યુવાનો માટે તાલીમ પણ આપવામાં આવે છે.  કુલપતિશ્રીએ આ પદવીદાન સમારોહમાં વિવિધ ડિગ્રી તથા પદકો પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ પ્રત્યે ગર્વ વ્યક્ત કરી તેઓની ઝળહળતી કારકીર્દી માટે શુભેચ્છા પાઠવી હતી.

યુનિવર્સિટીના કુલસચિવશ્રી ડૉ. ગૌતમભાઈ પટેલે રાજ્યપાલશ્રીની મંજૂરીથી પદવીદાન સમારોહનો પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યપાલશ્રી તથા મહાનુભાવો દ્વારા આણંદ કૃષિ યુનિવર્સિટીની એન્યુઅલ બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે કુલસચિવશ્રી દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

પદવીદાન સમારોહ કાર્યક્રમમાં આણંદના સાંસદ શ્રી મિતેષ પટેલ, ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી  અતુલ કુમાર બંસલ, નિવાસી અધિક કલેકટર શ્રી  ઋતુરાજ દેસાઈ, યુનિવર્સિટીના ડીન શ્રી ડો. એમ કે ઝાલા,  કુલ સચિવ શ્રી ગૌતમભાઈ પટેલ, સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ શ્રી પ્રોફેસર નિરંજનભાઇ પટેલ, વિવિધ યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ, ભૂતપૂર્વ કુલપતિશ્રીઓ, કૃષિ વૈજ્ઞાનિકો, વિવિધ વિદ્યાશાખાના ડીનશ્રીઓ, અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનિફ્ટી ફયુચર ૨૨૦૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!
Next articleજામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાઓ ૪૦૦૦ કરોડ થી વધુ મૂલ્યોના ૧૧ વિકાસકાર્યો નું પ્રધાનમંત્રી મોદી ના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત