(જી.એન.એસ),તા.૨૦
મુંબઈ,
શ્રીલંકાએ સોમવારે ઘરઆંગણે બીજી ટી20માં અફઘાનિસ્તાન સામે 72 રને વિજય મેળવ્યો હતો. આ સાથે જ વન-ડે સિરીઝમાં વ્હાઈટવોશ કર્યા બાદ શ્રીલંકાએ ટી20 શ્રેણીમાં પણ 2-0ની અજેય લીડ મેળવી લીધી છે. ત્રણ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ પૈકી પ્રથમ ટી20માં શ્રીલંકાનો ચાર રને રોમાંચક વિજય થયો હતો. હવે શ્રેણીની ત્રીજી ટી20 21 ફેબ્રુઆરીએ રમાશે. શ્રીલંકાએ નિર્ધારિત ઓવરમાં છ વિકેટે 187 રન ફટકાર્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ 17 ઓવરમાં 115 રનમાં જ સમેટાઈ જતા યજમાન ટીમનો 72 રને વિજય થયો હતો.
શ્રીલંકા તરફથી સદીરા સમરવિક્રમાએ સર્વાધિક 51 રનની ઈનિંગ્સ રમી હતી જ્યારે એન્જેલે મેથ્યુઝે 22 બોલમાં અણનમ 42 રન ફટકાર્યા હતા. અફઘાનિસ્તાનની ટીમ શ્રીલંકાના 188 રનના લક્ષ્યનો પીછો કરવા જતા તેનો કંગાળ પ્રારંભ રહ્યો હતો અને 4.3 ઓવરમાં 31 રનમાં જ અડધી ટીમ પેવેલિયનમાં પરત પહોંચી હતી. મોહમ્મદ નબી (27) અને કરિમ જાનત (28)ના પ્રયાસથી ટીમ 100 રનનો પડાવ પાર કરી શકી હતી. બંને વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 39 રનની ભાગીદારી થઈ હતી.
શ્રીલંકાએ છ બોલર્સ અજમાવ્યા હતા અને તે પૈકી તમામ વિકેટ મેળવવામાં સફળ રહ્યા હતા. મેથ્યુઝ, ફર્નાન્ડો, હરસંગા અને પથિરાનાએ 2-2 જ્યારે થીકશાના અને શનાકાએ એક-એક વિકેટ ઝડપી હતી. અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કર્યો હતો. પાથુમ નિસંકા (25) અને કુસલ મેન્ડિસ (23)એ હકારાત્મક શરૂઆત અપાવી હતી અને પ્રથમ વિકેટ માટે 45 રનનું યોગદાન આપ્યું હતું. ત્યારબાદ 49 રનના સ્કોરે શ્રીલંકાએ બંને ઓપનર્સ ગુમાવ્યા હતા. ધનંજય ડી સિલ્વા 14 રન કરીને આઉટ થતા શ્રીલંકાને ત્રીજો ફટકો 86 રને પડ્યો હતો.
સદીરા સમરવિક્રમાએ 42 બોલમાં પાંચ ચોગ્ગા સાથે 51 રનની ઈનિંગ્સ રમતા શ્રીલંકા મજબૂત સ્કોર ઉભો કરી શક્યું હતું. કેપ્ટન વાનિંદુ હસરંગાએ 9 બોલમાં 22 રન જ્યારે એન્જેલો મેથ્યુઝ 22 બોલમાં બે ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે તોફાની 42 રન ફટકારીને નોટ આઉટ રહ્યો હતો. બેટ વડા કમાલ કર્યા બાદ મેથ્યુઝે બે વિકેટ પણ ઝડપતા તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. અફઘાનિસ્તાન તરફથી ઓમરઝઈ અને નબીએ બે-બે તથા ફારૂકી અને નવીને એક-એક વિકેટ લીધી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.