Home દેશ - NATIONAL પ્રધાનમંત્રી 20 ફેબ્રુઆરીના રોજ જમ્મુની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી 20 ફેબ્રુઆરીના રોજ જમ્મુની મુલાકાત લેશે

38
0

પ્રધાનમંત્રી રૂ. 30,500 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન કરશે, રાષ્ટ્રને સમર્પિત કરશે અને વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે

દેશભરમાં શિક્ષણ ક્ષેત્રને મોટું પ્રોત્સાહન આપવા આઇઆઇટી જમ્મુ, આઇઆઇએમ જમ્મુ, આઇઆઇટી ભિલાઇ, આઇઆઇટી તિરુપતિ, આઇઆઇઆઇટીડીએમ કાંચીપુરમ, આઇઆઇએમ બોધગયા, આઇઆઇએમ વિશાખાપટ્ટનમ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ (આઇઆઇએસ) કાનપુર જેવી કેટલીક મહત્ત્વપૂર્ણ શૈક્ષણિક સંસ્થાઓનું ઉદઘાટન અને લોકાર્પણ કરવામાં આવશે

પ્રધાનમંત્રી જમ્મુ એઈમ્સનું ઉદઘાટન કરશે; પ્રધાનમંત્રીએ ફેબ્રુઆરી, 2019માં તેનો શિલાન્યાસ પણ કર્યો હતો

પ્રધાનમંત્રી જમ્મુમાં જમ્મુ એરપોર્ટના નવા ટર્મિનલ ભવન અને કોમન યુઝર ફેસિલિટી પેટ્રોલિયમ ડેપોનો શિલાન્યાસ કરશે

પ્રધાનમંત્રી જમ્મુ અને કાશ્મીરમાં કેટલાંક મહત્ત્વપૂર્ણ માર્ગ અને રેલવે કનેક્ટિવિટી પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે તથા ખાતમુહૂર્ત કરશે

પ્રધાનમંત્રી જમ્મુ અને કાશ્મીરમાં નાગરિક અને શહેરી માળખાગત સુવિધાને મજબૂત કરવા માટે કેટલીક યોજનાઓનું ભૂમિપૂજન અને ઉદઘાટન પણ કરશે

(જી.એન.એસ),તા.૧૯
નવીદિલ્હી,

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 20 ફેબ્રુઆરી, 2024નાં રોજ જમ્મુની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે 11:30 વાગ્યે જમ્મુનાં મૌલાના આઝાદ સ્ટેડિયમ ખાતે એક જાહેર સમારંભમાં રૂ. 30,500 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે, દેશને સમર્પિત કરશે અને શિલારોપણ કરશે. આ પ્રોજેક્ટ્સ સ્વાસ્થ્ય, શિક્ષણ, રેલ, રોડ, ઉડ્ડયન, પેટ્રોલિયમ, નાગરિક માળખાગત સુવિધા સહિત કેટલાંક ક્ષેત્રો સાથે સંબંધિત છે. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી જમ્મુ અને કાશ્મીરમાંથી 1500 નવી સરકારી ભરતીઓને નિમણૂકના આદેશોનું વિતરણ કરશે. પ્રધાનમંત્રી ‘વિકસિત ભારત વિકસિત જમ્મુ’ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરશે.

શિક્ષણ ક્ષેત્રને મોટું પ્રોત્સાહન
સમગ્ર દેશમાં શિક્ષણ અને કૌશલ્યવર્ધક માળખાગત સુવિધાઓને અપગ્રેડ કરવા અને વિકસાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું ભરતાં પ્રધાનમંત્રી આશરે રૂ. 13,375 કરોડનાં મૂલ્યનાં કેટલાંક પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે, દેશને સમર્પિત કરશે અને શિલારોપણ કરશે. જે પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી છે તેમાં આઈઆઈટી ભિલાઈ, આઈઆઈટી તિરૂપતિ, આઈઆઈટી જમ્મુ, આઈઆઈઆઈટીડીએમ કાંચીપુરમનું કાયમી પરિસર સામેલ છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્કિલ્સ (આઇઆઇએસ) – અત્યાધુનિક ટેકનોલોજી પર અગ્રણી કૌશલ્ય તાલીમ સંસ્થા – કાનપુરમાં સ્થિત છે. અને સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટીના બે કેમ્પસ – દેવપ્રયાગ (ઉત્તરાખંડ) ખાતે અને અગરતલા (ત્રિપુરા) ખાતે છે. પ્રધાનમંત્રી દેશમાં ત્રણ નવા આઇઆઇએમ એટલે કે આઇઆઇએમ જમ્મુ, આઇઆઇએમ બોધગયા અને આઇઆઇએમ વિશાખાપટ્ટનમનું ઉદઘાટન કરશે. તેઓ દેશભરમાં કેન્દ્રીય વિદ્યાલય (કેવી) માટે 20 નવી ઇમારતો અને 13 નવા નવોદય વિદ્યાલય (એનવી) ઇમારતોનું ઉદઘાટન પણ કરશે. પ્રધાનમંત્રી દેશભરમાં કેન્દ્રીય વિદ્યાલયનાં પાંચ સંકુલો, એક નવોદય વિદ્યાલય સંકુલ અને નવોદય વિદ્યાલયો માટે પાંચ બહુહેતુક હોલનું શિલારોપણ પણ કરશે. આ નવનિર્મિત કેવી અને એનવી ઇમારતો દેશભરના વિદ્યાર્થીઓની શૈક્ષણિક જરૂરિયાતોને પહોંચી વળવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

એઈમ્સ જમ્મુ
જમ્મુ અને કાશ્મીરનાં લોકોને વિસ્તૃત, ગુણવત્તાયુક્ત અને સંપૂર્ણ તૃતિયક સારસંભાળ સ્વાસ્થ્ય સેવાઓ પ્રદાન કરવાનાં એક પગલાનાં ભાગરૂપે પ્રધાનમંત્રી જમ્મુનાં વિજયપુર (સાંબા)માં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ)નું ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રીએ ફેબ્રુઆરી, 2019માં જેનો શિલાન્યાસ પણ કર્યો હતો, એ સંસ્થા કેન્દ્ર સરકારની યોજના પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ સ્થાપિત થઈ રહી છે. 1660 કરોડથી વધુના ખર્ચે સ્થપાયેલી અને 227 એકરથી વધુના વિસ્તારમાં સ્થપાયેલી આ હોસ્પિટલ 720 પથારીઓ, 125 બેઠકો ધરાવતી મેડિકલ કોલેજ, 60 બેઠકો ધરાવતી નર્સિંગ કોલેજ, 30 પથારીઓ ધરાવતી આયુષ બ્લોક, ફેકલ્ટી અને સ્ટાફ માટે રહેણાંકની સગવડ, યુજી અને પીજીના વિદ્યાર્થીઓ માટે છાત્રાલયમાં રહેવાની સગવડ, નાઇટ શેલ્ટર, ગેસ્ટ હાઉસ, ઓડિટોરિયમ, શોપિંગ કોમ્પ્લેક્સ વગેરે જેવી સુવિધાઓથી સજ્જ છે. અત્યાધુનિક હોસ્પિટલ 18 વિશેષતાઓ અને 17 સુપર સ્પેશિયાલિટીઝમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત દર્દીની સારસંભાળ સેવાઓ પ્રદાન કરશે, જેમાં કાર્ડિયોલોજી, ગેસ્ટ્રો-એન્ટરોલોજી, નેફ્રોલોજી, યુરોલોજી, ન્યુરોલોજી, ન્યુરોસર્જરી, મેડિકલ ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, એન્ડોક્રિનોલોજી, બર્ન્સ અને પ્લાસ્ટિક સર્જરી સામેલ છે. ઇન્સ્ટિટ્યૂટ ઇન્ટેન્સિવ કેર યુનિટ, ઇમરજન્સી એન્ડ ટ્રોમા યુનિટ, 20 મોડ્યુલર ઓપરેશન થિયેટર્સ, ડાયગ્નોસ્ટિક લેબોરેટરીઝ, બ્લડ બેંક, ફાર્મસી વગેરે ધરાવશે. આ હોસ્પિટલ આ વિસ્તારનાં દૂર-સુદૂરનાં વિસ્તારો સુધી પહોંચવા ડિજિટલ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ પણ લેશે.

નવું ટર્મિનલ બિલ્ડિંગ, જમ્મુ એરપોર્ટ
પ્રધાનમંત્રી જમ્મુ એરપોર્ટ પર એક નવા ટર્મિનલ ભવનનો શિલાન્યાસ કરશે. 40,000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા આ નવા ટર્મિનલ બિલ્ડિંગને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે, જે પીક અવર્સ દરમિયાન આશરે 2000 મુસાફરોને સુવિધા પૂરી પાડશે. નવું ટર્મિનલ બિલ્ડિંગ પર્યાવરણને અનુકૂળ હશે અને તે એવી રીતે બનાવવામાં આવશે કે તે આ ક્ષેત્રની સ્થાનિક સંસ્કૃતિને પ્રદર્શિત કરે. તે હવાઈ જોડાણને મજબૂત કરશે, પર્યટન અને વેપારને વેગ આપશે અને આ ક્ષેત્રના આર્થિક વિકાસને વેગ આપશે.

રેલ પ્રોજેક્ટ્સ
પ્રધાનમંત્રી જમ્મુ અને કાશ્મીરમાં વિવિધ રેલ પરિયોજનાઓ દેશને અર્પણ કરશે, જેમાં બનિહાલ-ખારી-સુમ્બર-સંગાલદાન (48 કિલોમીટર) અને નવા વિદ્યુતીકૃત બારામુલ્લા-શ્રીંગર-બનિહાલ-સંગાલ-સંગાલદન સેક્શન (185.66 કિલોમીટર)ની વચ્ચે નવી રેલ લાઇન સામેલ છે. પ્રધાનમંત્રી ખીણમાં પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેનને લીલી ઝંડી પણ આપશે તથા સંગાલદાન સ્ટેશન અને બારામુલ્લા સ્ટેશન વચ્ચે ટ્રેન સેવાને પણ લીલી ઝંડી આપશે. બનિહાલ-ખારી-સુમ્બર-સંગાલદાન સેક્શનનું કાર્ય શરૂ કરવું મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તેમાં તમામ રૂટ પર બેલાસ્ટ લેસ ટ્રેક (બીએલટી)નો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે મુસાફરોને સવારીનો વધુ સારો અનુભવ પૂરો પાડે છે. વળી, ભારતની સૌથી લાંબી પરિવહન ટનલ ટી-50 (12.77 કિમી) ખારી-સુમ્બરની વચ્ચે આ ભાગમાં આવેલી છે. રેલવે પ્રોજેક્ટથી કનેક્ટિવિટીમાં સુધારો થશે, પર્યાવરણને સ્થિરતા સુનિશ્ચિત થશે અને આ વિસ્તારનાં સંપૂર્ણ આર્થિક વિકાસને પ્રોત્સાહન મળશે.

રોડ પ્રોજેક્ટ્સ
કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી જમ્મુથી કટરાને જોડતી દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવેનાં બે પેકેજ (44.22 કિલોમીટર) સહિત મહત્ત્વપૂર્ણ માર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. શ્રીનગર રિંગ રોડને ચાર માર્ગીય બનાવવા માટેનો બીજો તબક્કો; રાષ્ટ્રીય રાજમાર્ગ-01નાં 161 કિલોમીટરની લંબાઈ ધરાવતા શ્રીનગર-બારામુલ્લા-ઉરી પટ્ટાને અપગ્રેડ કરવા માટે પાંચ પેકેજીસ અને રાષ્ટ્રીય રાજમાર્ગ – 444 પર કુલગામ બાયપાસ અને પુલવામા બાયપાસનું નિર્માણનો સમાવેશ થાય છે. દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવેના બે પેકેજનું એક વખત નિર્માણ થઈ ગયા બાદ માતા વૈષ્ણોદેવીના પવિત્ર તીર્થસ્થાનમાં યાત્રાળુઓની મુલાકાત સરળ બનશે અને આ વિસ્તારમાં આર્થિક વિકાસને પણ વેગ મળશે. શ્રીનગર રિંગ રોડને ચાર માર્ગીય બનાવવાનાં બીજા તબક્કામાં હાલનાં સુમ્બલ-વાયુલ રાષ્ટ્રીય રાજમાર્ગ– 1ને અપગ્રેડ કરવાનો સમાવેશ થાય છે. 24.7 કિલોમીટરની લંબાઈ ધરાવતા આ બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટથી શ્રીનગર શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકની ગીચતામાં ઘટાડો થશે. એનાથી માનસબલ તળાવ અને ખીર ભવાની મંદિર જેવા લોકપ્રિય પ્રવાસન સ્થળો સાથેનું જોડાણ વધશે તથા લેહ, લદાખનાં પ્રવાસનાં સમયમાં પણ ઘટાડો થશે. એનએચ-01નાં 161 કિલોમીટરની લંબાઈ ધરાવતાં શ્રીનગર-બારામુલ્લા-ઉરી પટ્ટાને અપગ્રેડ કરવા માટેનો પ્રોજેક્ટ વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ છે. તેનાથી બારામુલ્લા અને ઉરીના આર્થિક વિકાસને પણ વેગ મળશે. કાઝીગુંડ- કુલગામ-શોપિયાં-પુલવામા-બડગામ-શ્રીનગરને જોડતા રાષ્ટ્રીય રાજમાર્ગ – 444 પર કુલગામ બાયપાસ અને પુલવામા બાયપાસ પણ આ વિસ્તારમાં રોડ માળખાગત સુવિધાને પ્રોત્સાહન આપશે.

CUF પેટ્રોલિયમ ડેપો
પ્રધાનમંત્રી જમ્મુમાં સીયુએફ (કોમન યુઝર ફેસિલિટી) પેટ્રોલિયમ ડેપો વિકસાવવા માટેની એક પરિયોજનાનો શિલાન્યાસ પણ કરશે. અત્યાધુનિક સંપૂર્ણ ઓટોમેટેડ ડેપો કે જે આશરે રૂ. 677 કરોડનાં ખર્ચે વિકસાવવામાં આવશે, તેમાં મોટર સ્પિરિટ (એમએસ), હાઈ સ્પીડ ડિઝલ (એચએસડી), સુપિરિયર કેરોસીન ઓઇલ (એસસીઓ), એવિએશન ટર્બાઇન ઇંધણ (એટીએફ), ઇથેનોલ, બાયો ડિઝલ અને વિન્ટર ગ્રેડ એચએસડીનો સંગ્રહ કરવા માટે આશરે 100000 કેએલની સ્ટોરેજ ક્ષમતા હશે.

અન્ય પ્રોજેક્ટો
પ્રધાનમંત્રી જમ્મુ અને કાશ્મીરમાં નાગરિક માળખાગત સુવિધાને મજબૂત કરવા અને જાહેર સુવિધાઓની જોગવાઈ કરવા માટે રૂ. 3150 કરોડથી વધારેનાં મૂલ્યની કેટલીક વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ પણ કરશે. પ્રધાનમંત્રી દ્વારા ઉદઘાટન કરવામાં આવનાર વિવિધ પ્રોજેક્ટ્સમાં રોડ પ્રોજેક્ટ્સ અને પુલો સામેલ છે. ગ્રીડ સ્ટેશનો, રિસીવિંગ સ્ટેશનો ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટ્સ; કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ અને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ; ડિગ્રી કોલેજની કેટલીક ઇમારતો; શ્રીનગર શહેરમાં ઈન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ; આધુનિક નરવાલ ફળ મંડી; કઠુઆમાં ડ્રગ ટેસ્ટિંગ લેબોરેટરી; અને પરિવહન આવાસ – ગંદરબલ અને કુપવાડા ખાતે 224 ફ્લેટ્સ. જે પરિયોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવશે તેમાં જમ્મુ-કાશ્મીરમાં પાંચ નવી ઔદ્યોગિક વસાહતોનો વિકાસ સામેલ છે. ડેટા સેન્ટર/ડિઝાસ્ટર રિકવરી સેન્ટર ફોર ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર ઓફ જમ્મુ સ્માર્ટ સિટી; પરિમપોરા શ્રીનગર ખાતે ટ્રાન્સપોર્ટ નગરનું અપગ્રેડેશન; 62 રોડ પ્રોજેક્ટ્સ અને 42 પુલોનું અપગ્રેડેશન તથા પરિવહન આવાસના વિકાસ માટેનો પ્રોજેક્ટ – અનંતનાગ, કુલગામ, કુપવાડા, શોપિયાં અને પુલવામા એમ જિલ્લાઓમાં નવ સ્થળો પર 2816 ફ્લેટ્સ પણ સામેલ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશના સંભલમાં શ્રી કલ્કી ધામ મંદિરનો શિલાન્યાસ કર્યો
Next articleરાજકોટ એઈમ્સની માહિતી