(જી.એન.એસ),તા.૧૪
ભાવનગર,
ભાવનગર શહેરમાં નજીવી બાબતે બે મિત્રોએ જ મિત્રની હત્યા કરી નાખી હતી, શહેરના નવાબંદર રોડ વિસ્તારમાંથી લાશ મળી આવતા પેનલ પીએમ થતાં રિપોર્ટમાં ભાંડો ફૂટી ગયો. પરિવારની શંકાના આધારે પોલીસે બે મિત્રોની આગવી ઢબે પૂછપરછ કરતાં કબૂલાતમાં હત્યાનો ભેદ ઉકેલાઇ ગયો. પોલીસે પકડાયેલા બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ શરૂ કરી છે. મિત્રને સગા ભાઈથી પણ વિશેષ માનવામાં આવે છે, જે વાત વ્યક્તિ પોતાના સગા વ્હાલાને પણ ના કહી શકતો હોય એવી વાત એ પોતાના મિત્ર સમક્ષ ક્યારેય છુપાવતો નથી, વિશ્વાસની એક બેજોડ કડી બે મિત્રો વચ્ચે બંધાયેલી હોય છે, સહાય સાથ આપવા તત્પર હોય છે મિત્ર, એ વાત દુઃખ ની હોય કે પછી સુખની હંમેશા દોસ્તી નિભાવી જાય છે. પરંતુ ભાવનગરમાં કંઈક એવો બનાવ બન્યો કે જેમાં એક મિત્ર બીજા મિત્રનો જ દુશ્મન બની ગયો, જેમાં બે મિત્રોએ સામાન્ય બાબતે મનમાં દાઝ રાખીને એક સંપ કરી મિત્રની જ ગળું દબાવી ને કરી નાખી હત્યા.
ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારના અષ્ટવિનાયક ફ્લેટમાં રહેતો 19 વર્ષીય રામ અશોકભાઈ ભટ્ટ ગત 8 ફેબ્રુઆરી ના રોજ ઘરેથી નીકળ્યા બાદ સમયે પરત નહિ આવતા પરિવારે તેના મોબાઈલ પર સંપર્ક કર્યો હતો, જેમાં રામે પોતે મિત્રના ઘરે હોવાની પરિવારને જાણકારી આપી હતી, પરંતુ રાત્રિ થયા બાદ પણ રામ પરત નહિ ફરતા પરિવારે તેના મોબાઈલ પર ફરી સંપર્ક કરવાની કોશિશ કરતા તેનો મોબાઈલ સ્વીચ ઓફ થઈ ગયો હતો, રામ મિત્રના ઘરે ગયો હોવાની વાત ને લઈને પરિવારે એ વાતને સામાન્ય રીતે લીધી હતી, પરંતુ બીજા દિવસે પણ તે ઘરે પરત નહિ ફરતા પરિવાર ને ચિંતા થઈ હતી, વારંવાર સંપર્ક કરવાની કોશિશ કરવા છતાં તેનો કોઈ પત્તો નહી લાગતા પરિવારે પોલીસ મથકે પોતાનો દીકરો રામ ભેદી રીતે ગુમ થયો હોવા અંગે ફરિયાદ લખાવી હતી. તારીખ: 10 ફેબ્રુઆરી ના રોજ ભાવનગર શહેરના નવાબંદર વિસ્તારમાં કોઈ યુવાનની લાશ પડી હોવા અંગેની કોઈ એ પોલીસને ટેલીફોનીક જાણ કરી હતી.
બાતમી મળતા ઘોઘારોડ પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો, જ્યાં યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસ મથકે ગુમ થયા અંગેની વિગતો તપાસી પરિવાર ને જાણ કરવામાં આવી હતી. જેમાં આ લાશ બે દિવસ પૂર્વે ભેદી રીતે ગુમ થયેલા રામ ભટ્ટ નામના યુવાનની હોવાનું ખુલતા પોલીસે જાણવાજોગ દાખલ કરી મૃતદેહ ને પીએમ માટે ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. પરંતુ પીએમ બાદ રિપોર્ટમાં યુવાનની ગળું દબાવીને હત્યા કરાઈ હોવાનું બહાર આવતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે બનાવમાં 302 ની કલમનો ઉમેરો કરી મૃતદેહ પરિવાર ને સોંપી હત્યારાઓ ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. શહેરના પાનવાડી વિસ્તારમાં રહેતા મૃતક યુવાન રામ અશોકભાઈ ભટ્ટ ને મુનીદેરી વિસ્તારમાં રહેતા સન્ની હાર્દિકભાઈ ત્રિવેદી અને સુભાષનગર વિસ્તારમાં રહેતા ચેતન ઉર્ફ ડોકટર ગીરધરભાઇ વાઘેલા સાથે મિત્રતા હતી.
યુવાન રામ ભટ્ટ ગુમ થયો એ પહેલા પણ તેણે પરિવાર સાથે થયેલ ટેલીફોનીક વાતચીતમાં તે તેના મિત્રના ઘરે હોવાની વાત કરી હતી, પરંતુ ત્યાર બાદ દીકરાનો નવાબંદર વિસ્તારમાંથી મૃતદેહ મળી આવતા તેના પિતા અશોકભાઈ ભટ્ટે દીકરાની હત્યા પાછળ તેના મિત્રો જ જવાબદાર હોવા અંગે શંકા વ્યક્ત કરી હતી, જેથી પોલીસે બંને મિત્રોની શોધખોળ હાથ ધરી હતી, જેમાં પોલીસે ગણતરીના દિવસોમાં જ મિત્રની હત્યા બાદ લપાઈ છુપાઈ ને રહેતા સન્ની અને ચેતન નામના બંને મિત્રો ને ઝડપી લઈ સઘન પૂછપરછ હાથ ધરી હતી. ચાર માસ પહેલા રામ ભટ્ટના મિત્ર સન્ની ત્રિવેદીએ રામ ભટ્ટના મિત્ર અકીલનો મોબાઈલ હેક કર્યો હતો, જે અંગેની જાણ રામે તેના મિત્ર અકીલ ને કરી હતી જેની દાઝ રાખી સન્ની ત્રિવેદીએ તેના મિત્ર ચેતન ઉર્ફ ડોકટર ગીરધરભાઇ વાઘેલાની મદદ લઈ રામ ને તેના ઘરે બોલાવ્યો હતો. ત્યાર બાદ ત્રણે મિત્રો શહેરના નવાબંદર વિસ્તારમાં ફરવા ગયા હતા જ્યાં સન્ની ત્રિવેદી અને ચેતન વાઘેલા એ રૂમાલ વડે મિત્ર રામનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી, તેમજ હત્યા બાદ તેઓ ફરાર થઈ ગયા અંગે પોલીસ સમક્ષ કબૂલાત આપતા ઘોઘારોડ પોલીસે બંનેની ધરપકડ કરી વધુ પૂછપરછ માટે કોર્ટમાં હાજર કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.