Home ગુજરાત ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ની આ સંકલ્પ યાત્રામાં અન્ન, નાગરિક પુરવઠા વિભાગની ગરીબ-જરૂરિયાતમંદને...

‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ની આ સંકલ્પ યાત્રામાં અન્ન, નાગરિક પુરવઠા વિભાગની ગરીબ-જરૂરિયાતમંદને સહાયરૂપ થતી અનાજ વિતરણ સહિતની વિવિધ યોજનાઓ મહત્વની ભૂમિકા ભજવશે: અન્ન,નાગરિક પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા

21
0

Ø NFSA હેઠળ અનાજ વિતરણ બાબતે રાજ્યની કુલ ૩૮૨.૮૪ લાખની વસ્તીને કાયદા હેઠળ આવરી લેવાનો લક્ષ્યાંક નક્કી કરાયો
Ø 5-Gનાં સમયમાં જાહેર વિતરણ વ્યવસ્થા માટે QR કોડ આધારિત SMART Ration Card તૈયાર કરવાની કાર્યવાહી પ્રગતિમાં
Ø પ્રોટીનયુકત પોષણક્ષમ આહાર પુરો પાડવાનાં હેતુથી રાહતદરે અપાતા કુટુંબદીઠ પ્રતિ કાર્ડ ૧ કિલો ચણા વધારીને ૨ કિલો કરવાનો નિર્ણય
Ø પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના જુદા જુદા તબક્કા હેઠળ સમાવિષ્ટ ૩૮.૬૦ લાખ લાભાર્થીઓને ઘરગથ્થુ વપરાશ માટે વર્ષમાં બે વખત વિનામૂલ્યે ગેસ સીલી‌ન્ડર રીફીલીંગની જોગવાઇ

અન્ન,નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાની બાબતોના વિભાગની કુલ રૂા.૨,૭૧૧ કરોડની માતબર રકમની માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર

(જી.એન.એસ),તા.૧૪

ગાંધીનગર,

વસંતપંચમી અને સરસ્વતી પૂજનના પવિત્ર દિવસે મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાએ અન્ન,નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાની બાબતોના વિભાગની વર્ષ ૨૦૨૪-૨૫ની અંદાજપત્રીય માંગણીઓ રજૂ કરતાં વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ની આ સંકલ્પ યાત્રામાં અન્ન,નાગરિક પુરવઠા વિભાગની ગરીબ-જરૂરિયાતમંદને સહાયરૂપ થતી અનાજ વિતરણ સહિતની અનેકવિધ યોજનાઓ મહત્વની ભૂમિકા ભજવશે. નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ વર્ષ ૨૦૨૪-૨૫નું સર્વ સમાવેશીય અને ૨૦૪૭ના વિકસિત ગુજરાત તરફ દોરી જનારું આ અમૃતકાળનું અમૃત સમાન, અંદાજપત્ર રજૂ કર્યું છે.

અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાની બાબતોના વિભાગે, ગુજરાતની છેવાડાની પ્રજાને કેન્દ્ર સ્થાને રાખીને બજેટમાં પૂરતી જોગવાઇ કરી છે, ત્યારે વર્ષ ૨૦૨૪-૨૫નાં બજેટમાં આ વિભાગ માટે કુલ રૂા.૨,૭૧૧ કરોડની માતબર રકમની જોગવાઇ કરી છે તેમ મંત્રીશ્રી કુંવરજીભાઇએ વિધાનસભા ગૃહમાં માંગણીઓ રજૂ કરતાં જણાવ્યું હતું.

મંત્રી શ્રી કુંવરજીભાઇએ કહ્યું હતું કે, આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતના,મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગુજરાતને તેમના કાર્યકાળ દરમ્યાન “ભારતની સમૃદ્ધિ અર્થે ગુજરાતની સમૃદ્ધિ”નો માર્ગ કંડારવાની દુરંદેશી સાથે, મજબુત નિર્ણય લેવાઈ રહ્યા છે. ગુજરાત વર્ષ-૨૦૨૩માં G-20નું સફળ આયોજન, વાયબ્રન્ટ ગુજરાતના 20 વર્ષની ઉજવણી, સી.એમ.સ્વાગત કાર્યક્રમની 20 વર્ષની ઉજવણી, મારી માટી-મારો દેશ તેમજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા જન-જનની સુખાકારી, સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન જેવા, અનેકવિધ સીમાચિન્હરૂપી કાર્યક્રમોનું સાક્ષી બન્યું છે.

આ ઉપરાંત ચાલુ વર્ષે સેમી કંડકટર, ગ્રીન હાઇડ્રોજન, બિન પરંપરાગત ઊર્જા, જળ સંચયથી પાણી મુદ્દે આત્મનિર્ભરતા જેવા, વિષયો સાથે ‘ગેટ વે ટુ ધ ફ્યુચર’ની થીમ સાથે, અમૃત કાળની પહેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટની સફળતાના પણ આપણે સૌ સાક્ષી બન્યા છીએ. વડાપ્રધાનશ્રીએ આપણને સૌને અમૃત મંત્ર આપ્યો કે “તમારા સપના એ જ મારો સંકલ્પ, જેટલા તમારા સપના મોટા હશે, એટલો જ મારો સંકલ્પ મજબુત હશે. મોદી સાહેબની આ ગેરંટી સાથે ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ની આ સંકલ્પ યાત્રામાં આ સર્વાંગી વિકાસલક્ષી અંદાજપત્ર અગત્યનો માઈલસ્ટોન સાબિત થશે તેમ‌ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું‌.

મંત્રીશ્રી કુંવરજીભાઇએ કહ્યું હતું કે, ગરવી ગુજરાતનું ગુણવંતુ વિકાસતંત્ર અને ગ્રીન અર્થતંત્ર જે ગ્લોબલ અને ગતિશીલ એટલે કે 5-G રહે તેવી, નેમ સાથે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ કામ કરી રહી છે ત્યારે, હું ગર્વ સાથે કહી શકું કે, ગરીબો અને વંચિતોની સેવા કરવી એ અમારી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખરા સમયે ગરીબો અને વંચિતોને સહાયરૂપ થવા માટે છેવાડાનો માનવી પણ ભૂખ્યો ન રહે, તેવા હેતુસર ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ દ્વારા રાજ્યના અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબો મળી સરેરાશ ૭૨ લાખ કુટુંબોની, સાડા ત્રણ કરોડ જેટલી જન સંખ્યાને છેલ્લા ચાર વર્ષમાં કુલ ૬૮ લાખ મેટ્રિક ટન જેટલું અનાજ વિનામૂલ્યે પૂરૂં પાડ્યુ છે. પ્રધાનમંત્રીશ્રી દ્વારા “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના”ને ૧લી જાન્યુઆરી ૨૦૨૪થી વધુ પાંચ વર્ષ માટે લંબાવવામાં આવી છે. જે રાષ્ટ્રની ખાદ્ય અને પોષણ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે, સરકારની લાંબાગાળાની પ્રતિબદ્ધતા અને ઉદ્દેશ્યને દર્શાવે છે.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગનો મુખ્ય ધ્યેય રાજ્યમાં રાષ્ટ્રિય અન્ન સલામતી કાયદા (NFSA) હેઠળ, પાત્રતા ધરાવતાં કુટુંબોની અન્ન સલામતી અને પોષણ સલામતી માટે, જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રાહત દરે અનાજ અને અન્ય આવશ્યક ખાદ્યસામગ્રી પૂરી પાડી ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’ સૂત્રને ચરિતાર્થ કરવાનો છે. અન્ન સલામતીની સાથે સાથે, સામાન્ય લોકોને એલ.પી.જી., પેટ્રોલ અને ડીઝલ જેવી આવશ્યક ચીજ વસ્તુઓ સરળતાથી મળી શકે. ઉપરાંત આ રાજ્યનો દરેક ગ્રાહક જાગૃત્ત બને તે માટે ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે વિભાગનો ઉદ્દેશ્ય, જનજાગૃત્તિ અને શિક્ષણ, કાયદાઓ દ્વારા ગ્રાહક સુરક્ષા અને સલામતી વધારવાનો છે.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે અન્ન, નાગરિક પુરવઠા વિભાગની યોજનાઓ તથા આ વર્ષની નવી બાબતો અંગે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા-૨૦૧૩ હેઠળ અનાજ વિતરણ બાબતે રાજ્યની કુલ ૩૮૨.૮૪ લાખની વસ્તીને કાયદા હેઠળ આવરી લેવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. રાજ્ય સરકાર દ્વારા આ કાયદા હેઠળ ‘અગ્રતા ધરાવતા કુટુંબ’ એટલે કે પ્રાયોરીટી હાઉસ હોલ્ડ-PHH તરીકે સમાવેશ કરવા માટે માસિક આવક મર્યાદા રૂ. ૧૦,૦૦૦/-થી વધારી રૂ. ૧૫,૦૦૦/- કરવાના રાજ્ય સરકારના નિર્ણય બાદ ડિસેમ્બર–૨૦૨૩ની સ્થિતિએ કુલ ૭૨ લાખ કુટુંબોની ૩.૫૪ કરોડ જન સંખ્યાને અન્ન સલામતી યોજનામાં અત્યાર સુધી આવરી લેવામાં આવ્યા છે. આ કાર્ય માટે શ્રમ અને રોજગાર વિભાગ પાસેથી ઈ-શ્રમકાર્ડ ધારકોનો ડેટા મેળવીને, આવા શ્રમિકોને રેશનકાર્ડ ઈશ્યુ કરવાની અને પાત્રતા અનુસાર NFSA હેઠળ સમાવવાની કામગીરીનો પૂરવઠા વિભાગે આરંભ કર્યો છે. આમ, રાજ્યમાં પાત્રતા ધરાવતા તમામ પરિવારો માટે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ અનાજ વિતરણ કરવા માટે રૂ. ૬૭૫ કરોડની માતબર જોગવાઈ કરી છે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આજના આ 5-Gનાં સમયમાં જાહેર વિતરણ વ્યવસ્થા માટે QR કોડ આધારિત SMART Ration Card તૈયાર કરવા વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૦થી રાજ્યના તમામ રેશનકાર્ડને ડિજિટલાઇઝડ કરવામાં આવેલ છે, જેમાં રેશનકાર્ડ ધારકોને મેન્યુઅલના સ્થાને બારકોડ આધારિત રેશનકાર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આગામી વર્ષે જાહેર વિતરણ વ્યવસ્થાને વધુ સુદ્રઢ તથા નાગરિક કેન્દ્રીત બનાવવાના હેતુસર QR કોડ આધારિત SMART-Ration Card આપવા માટેની નવી બાબત અન્વયે રૂ.૫.૪૪ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ખાદ્યતેલના વિતરણ માટે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ વર્ષના બે તહેવારો, જન્માષ્ટમી અને દિવાળી દરમ્યાન વાજબી ભાવના દુકાનદારો મારફતે તમામ ૭૨ લાખ NFSA લાભાર્થી કુટુંબોને કાર્ડ દીઠ ૧ લીટર સીંગતેલના પાઉચનું રૂ.૧૦૦/પ્રતિ પાઉચના રાહત દરે વિતરણ કરવામાં આવે છે. આગામી વર્ષે ખાદ્યતેલ વિતરણ માટે રૂ.૧૬૦ કરોડની જોગવાઈ કરી છે. ડબલ ફોર્ટીફાઇડ મીઠાના વિતરણ માટે રાજયના તમામ ૭૨ લાખ NFSA કુટુંબોને દર માસે કાર્ડ દીઠ ૧ કિ.ગ્રા. પ્રમાણે રૂ. ૧/- પ્રતિ કિ.ગ્રા.ના રાહતદરે સૂક્ષ્મ પોષકતત્વો (આયર્ન અને આયોડીન) યુકત ડબલ ફોર્ટીફાઇડ મીઠાના વિતરણ માટે રૂ.૫૧ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

મંત્રીશ્રીએ વધુ વિગતો આપતા ગૃહમાં કહ્યું હતું કે, ખાંડના વિતરણ માટે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રાજયના ૮ લાખ જેટલા અંત્યોદય લાભાર્થી કુટુંબોમાં રાહત દરે રૂ. ૧૫ પ્રતિ કિલોના રાહત ભાવથી વિતરણ કરવામાં આવે છે તદુપરાંત રાજ્યના ૨૩ લાખ જેટલા બી.પી.એલ. લાભાર્થી કુટુંબોને પ્રતિ વ્યક્તિ ૩૫૦ ગ્રામ લેખે ખાંડનું દર માસે રૂ. ૨૨ પ્રતિ કિલોના રાહત ભાવથી વિતરણ કરવામાં આવે છે. આ ઉપરાંત, વર્ષમાં આવતા જન્માષ્ટમી અને દિવાળીના તહેવારો દરમિયાન પ્રતિકાર્ડ દીઠ ૧ કિલો ખાંડનું રાહત ભાવથી વિતરણ કરવામાં આવે છે. આમ, અંદાજિત ૩૧ લાખ અંત્યોદય તથા બી.પી.એલ. રેશનકાર્ડ ધારકોને વિતરણ કરવા આગામી વર્ષ ૨૦૨૪-૨૫ માં ખાંડના વિતરણ કરવા માટે રૂ.૧૯૧ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

તેમણે કહ્યું હતું કે, ચણાના વિતરણ માટે રાજ્યનાં ૭૨ લાખ NFSA રેશનકાર્ડ ધારકોને પ્રોટીનયુકત પોષણક્ષમ આહાર પુરો પાડવાનાં હેતુસર કુટુંબદીઠ ૧ કિલો ચણાનું રૂ. ૩૦/- રાહત દરે વિતરણ કરવામાં આવે છે જેને બમણું કરી પ્રતિ કાર્ડ ૨ કી. ગ્રામ ચણા નિર્ણય કરેલ છે જે માટે રાજ્ય સરકારે રૂ.૪૨૧ કરોડની માતબર જોગવાઈ કરી છે
તમામ NFSA રેશનકાર્ડ ધારકોને પ્રતિકાર્ડ ૧ કિ.ગ્રા. તુવેરદાળ રૂ.૫૦/- પ્રતિ કિ.ગ્રા.ના રાહત ભાવથી માસિક ધોરણે વિતરણ માટે રૂ.૩૪૬ કરોડની માતબર જોગવાઈ કરવામાં આવેલ છે.

મંત્રીશ્રીએ ગૃહમાં કહ્યું હતું કે, રાજ્યમાં નાગરિકો સ્વચ્છ ઇંધણ તરફ પ્રેરાય તે હેતુથી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના જુદા જુદા તબક્કો હેઠળ સમાવિષ્ટ ૩૮.૬૦ લાખ લાભાર્થીઓને ઘરગથ્થુ વપરાશ માટે વર્ષમાં બે વખત વિનામૂલ્યે ગેસ સીલી‌ન્ડર રીફીલીંગ કરી આપવા બાબતની યોજના હાલ અમલમાં છે જે માટે રૂ.૫૦૦ કરોડની માતબર જોગવાઇ કરી છે.
તેમણે કહ્યું હતું કે, શ્રી અન્ન એટલે કે મિલેટના વપરાશને પ્રોત્સાહન આપવા તેમજ આહારમાં તેનો સમાવેશ કરવા તથા જાહેર વિતરણ વ્યવસ્થા દ્વારા વિનામુલ્યે વિતરણ માટે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માં લઘુત્તમ ટેકાના ભાવે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી બાજરી/જુવાર/ રાગી-નાગલીની ખરીદી પર ખેડૂતોને રૂ.૩૦૦/- પ્રતિ ક્વિન્ટલ પ્રોત્સાહક બોનસ ચુકવવાનો નિર્ણય કરાયો છે જેનો રાજ્યના ખેડૂતો તરફથી ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ગત મે-જૂન-૨૦૨૩ દરમ્યાન રાજ્ય સરકાર દ્વારા ૧૨૦૮૧ ખેડૂતો પાસેથી ૫૬.૬૪૫ મેટ્રિક ટન બાજરીની ખરીદી કરીને રૂ.૧૫૦ કરોડ ની ખેડૂત ખાતેદારોના બેંક ખાતામાં DBT દ્વારા સીધી ચુકવણી કરવામાં આવ્યો છે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા કરેલ બાજરી વિતરણની નોંધ સમગ્ર દેશમાં લેવામાં આવી છે અને વપરાશ કરનાર લોકો તરફથી ખુબ સારો પ્રતિસાદ મળ્યો છે જેને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા આગામી વર્ષ ૨૦૨૪-૨૫ માટે અંદાજે રૂ.૩૭ કરોડની જોગવાઇ કરાઇ છે.

તેમણે કહ્યું હતું કે, અન્ન નાગરિક પુરવઠા નિગમ હસ્તકનાં ગોડાઉન બાંધકામ / આધુનિકરણની કામગીરી અંતર્ગત ગોડાઉનો અદ્યતન અને વૈજ્ઞાનિક ઢબે બનાવવા માટે રૂ. ૨૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૪-૨૫માં ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને રાહ ના જોવી પડે તે માટે સંભવિત ખર્ચ રૂ.૬૦૦ કરોડ જેટલી રકમ માટે ગુજરાત સ્ટેટ ફાઈનાન્સીયલ સર્વિસીઝ લિ. (G.S.F.S.) પાસેથી જરૂરિયાત મુજબ ૫.૭૫% ના વ્યાજદરે લોન પેટે લીધેલ નાણાના વ્યાજને પહોંચી વળવા, વર્ષ ૨૦૨૪-૨૫ માટે રૂ.૧૭ કરોડની જોગવાઈ કરી છે.

જાહેર વિતરણ વ્યવસ્થામાં ટેકનોલોજી દ્વારા આધુનિકીકરણ અને સુધારા માટેની (SMARTPDS) યોજના અંતર્ગત રાજ્ય સરકાર ટેકનોલોજીનો મહતમ ઉપયોગ કરીને જાહેર વિતરણ વ્યવસ્થાને વધુમાં વધુ પારદર્શક અને અસરકારક બનાવી છે. ભારત સરકાર દ્વારા કરવામાં આવતા દરેક પ્રકારના સુધારામાં સાથે રહીને, જાહેર વિતરણ વ્યવસ્થાને વધુ ડિજિટલાઇઝ કરવા માટે આગામી વર્ષ માટે રાજ્ય સરકારના ફાળાપેટે રૂ.૫ કરોડની જોગવાઈ કરી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ઑટોમેટીક ગ્રેઈન ડિસ્પેન્સિંગ મશીન –“અન્નપૂર્તિ” અંતર્ગત જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળના સમાવિષ્ટ સ્થળાંતરિત NFSA લાભાર્થીઓને તેઓને મળવાપાત્ર અન્ન પુરવઠો તેઓના ઇચ્છિત સમયે સરળતાથી ઉપલબ્ધ થાય, તે માટે પાયલોટ પ્રોજેક્ટરૂપે રાજયના બે જિલ્લાના ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં ઑટોમેટીક ગ્રેઈન ડિસ્પેન્સિંગ મશીન –“અન્નપૂર્તિ” એટલે કે અનાજના ATM કાર્યરત કરવા માટે રૂ.૪૨ લાખની જોગવાઈ કરવામાં આવી છે.

અન્ન, નાગરિક પુરવઠા તંત્ર ઉપરાંત તોલમાપ તંત્રની સંપૂર્ણ કામગીરી ઓનલાઇન કરવા કાનુની માપ વિજ્ઞાન તંત્રની સેવાઓ ઓનલાઇન માધ્યમથી મેળવી શકે તે હેતુથી E.O.D.B. (ઈઝ ઓફ ડુઈંગ બિઝનેશ) અંતર્ગત કુલ ૧૦ એપ્લીકેશનો રાજ્ય સરકારની સિંગલ વિંડો સિસ્ટમ હેઠળ ઓનલાઇન કરવામાં આવી છે જે માટે રૂ. ૩.૫૦ કરોડની જોગવાઇ કરી છે. રાજય ગ્રાહક તકરાર નિવારણ કમિશન હેઠળ ૧૫૦૦ થી વધુ કેસો હોય તેવા જિલ્લા કમિશનો ખાતે વધુ પાંચ એડિશનલ કમિશનની રચના કરવા અંદાજે રૂ.૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલની આ સરકારે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી, રાજયના નાગરિકોની અન્ન સલામતી સુનિશ્ચિત કરવાનો નિશ્ચય કર્યો છે, ત્યારે રાજ્યનાં છેવાડાના માનવી સુધી અનાજની પારદર્શકતા, સરળતા અને ઝડપથી ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા, અમારો આ વિભાગ કટિબદ્ધ છે એટલું જ નહિ પણ વિકસીત ગુજરાતની નેમ સાથે અમારી સરકારનો એક જ મહામંત્ર છે.

આજે અન્ન,નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાની બાબતોના વિભાગની કુલ રૂા.૨,૭૧૧ કરોડની માતબર રકમની માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field