Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે રાજ્યકક્ષાની ‘ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા’ યોજાઈ

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે રાજ્યકક્ષાની ‘ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા’ યોજાઈ

34
0

(G.N.S) Dt. 14

અમદાવાદ,

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય મહાનુભાવોના હસ્તે સ્પર્ધાના વિજેતાઓને ‘બેસ્ટ સાંસ્કૃતિક સ્પીકર ઑફ ગુજરાત’ના એવોર્ડ અપાયા

શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનસેરિયા, ‘સેવ કલ્ચર સેવ ભારત’ ફાઉન્ડેશનના સંસ્થાપક ઉદય માહુરકરની પ્રોત્સાહક ઉપસ્થિતિ

રાષ્ટ્રીય સેવા યોજના, ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ અને ‘સેવ કલ્ચર સેવ ભારત’ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે રાજ્યવ્યાપી વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે,
◆ સંસ્કૃતિ મજબૂત હશે તો વિકસિત ભારતનું નિર્માણ અવશ્ય થશે
◆ ડિજિટલ નેગેટિવિટીના રૂપમાં પીરસવામાં આવતા આતંકવાદને સૌએ સાથે મળીને દૂર કરવો પડશે
◆ આધ્યાત્મિકતાના પાઠ શીખવા દુનિયાભરના લોકો ભારત આવે છે, એ જ આપણી સાંસ્કૃતિક ઓળખ છે

ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યોના સંરક્ષણ અને સંવર્ધન માટે યુવા પેઢી સક્રિય બને તેવા ઉદ્દેશથી રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ, રાષ્ટ્રીય સેવા યોજના અને ‘સેવ કલ્ચર સેવ ભારત’ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાજ્યસ્તરની સ્પર્ધાના વિજેતાઓને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનસેરિયા, ‘સેવ કલ્ચર સેવ ભારત’ ફાઉન્ડેશનના સંસ્થાપક ઉદય માહુરકરના હસ્તે પુરસ્કાર અને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ભારત દેશ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. એટલું જ નહીં અહીં તમામ તહેવારો હર્ષ- ઉલ્લાસથી ઊજવાય છે. આપણે ત્યાં દિવાળી કરતાં ક્યાંક ૩૧ ડિસેમ્બર જેવા પશ્ચિમી તહેવારોનું મહત્ત્વ ન વધી જાય તેની તકેદારી સૌએ રાખવાની જરૂર છે. આવી સાંસ્કૃતિક વક્તૃત્વ જેવી સ્પર્ધાઓ યુવાનોને એ બાબતે વધારે જાગૃત કરશે, એવી આશા છે, એવું તેમણે ઉમેર્યું હતું.


મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનું વ્યક્તિત્વ આજે એટલું મોટું છે કે તેમના દરેક શબ્દ અને દરેક બાબત સૌને કંઇક નવું શીખવે છે. શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પોતાના યુએઈના પ્રવાસ દરમિયાન પણ સાંસ્કૃતિક બાબતોને લઈને દેશ અને દુનિયાને સંદેશો પણ આપ્યો છે. આજે પણ આધ્યાત્મિકતાના પાઠ શીખવા દુનિયાના લોકોએ ભારત આવવું પડે છે, એ જ આપણી સાંસ્કૃતિક ઓળખ છે, એવું તેમણે ઉમેર્યું હતું.


તેમણે વધુમાં કહ્યું હતું કે, શ્રી નરેન્દ્રભાઈના સંકલ્પને મજબૂતાઈથી આગળ વધારવાનું કામ ગુજરાતે કર્યું છે. એક ભારત શ્રેષ્ઠ ભારત બનવા માટે આપણે સંસ્કૃતિનો પાયો મજબૂત બનાવવો પડશે તો જ વિકસિત ગુજરાત થકી આપણે શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરી શકીશું. સંસ્કૃતિ મજબૂત હશે તો વિકસિત ભારતનું નિર્માણ અવશ્ય થશે, એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.


મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે આજે સોશિયલ મીડિયા ઉપર જે ડિજિટલ નેગેટિવિટીના રૂપમાં આતંકવાદ પીરસવામાં આવી રહ્યો છે, તેને આપણે સૌએ ભેગા મળીને દૂર કરવો પડશે. બાળકના માતા- પિતાએ પણ બાળકોને આ ડિજિટલ નેગેટિવિટીથી દૂર રાખવા વિશેષ તકેદારી રાખવી પડશે.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સૌને વસંતપંચમીની શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને યાદ કરી પાંચમી પૂણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

આ અવસરે રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનસેરીયાએ ચારિત્ર્ય નિર્માણ અંગે વાત કરતા કહ્યું કે, ચારિત્ર્ય નિર્માણ એ ભારતના શિક્ષણનો મૂળ ઉદ્દેશ છે. આવનાર સમયમાં ચારિત્ર્ય નિર્માણની ખૂબ જરૂરી પડવાની છે અને એમાં આજનો આ કાર્યક્રમ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવશે.
શિક્ષણ રાજ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં એક ભારત શ્રેષ્ઠ ભારતનું નિર્માણ થઈ રહ્યું છે, એક ભારત શ્રેષ્ઠ ભારત એ આપણી સંસ્કૃતિ પણ છે, એટલે જ આજે સમગ્ર દુનિયામાં ભારત મજબૂતાઈથી આગળ વધી રહ્યું છે.


આ પ્રસંગે સેવ કલ્ચર અને સેવ ભારત ફાઉન્ડેશનના સ્થાપક શ્રી ઉદય માહુરકરે જણાવ્યું હતું કે, આજે આપણી સંસ્કૃતિ માટે મોટો પડકાર ઊભો થયો છે. સોશિયલ મીડિયા, ઓટીટી જેવા માધ્યમ, ફિલ્મો તથા ઘણી બધી એપ્સમાં અનેક પ્રકારની વિકૃતિઓ દર્શાવાઈ રહી છે, તે ચિંતાનો વિષય છે, એવું તેમણે ઉમેર્યું હતું. વધુમાં શ્રી માહુરકરે જણાવ્યું કે, આવાં માધ્યમો સામે અમે કાયદાકીય રીતે લડી રહ્યા છીએ અને લોકોમાં જાગૃતિ લાવવાનું પણ કામ કરી રહ્યા છીએ.


શ્રી માહુરકરે ગૌરવભેર જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રીએ અમારા આ કાર્યમાં સહકાર આપવાનો નિર્ધાર કરી એમને પ્રોત્સાહિત કર્યા છે. આગામી દિવસોમાં અમે રાજ્યના બીજાં શહેરોમાં પણ સંસ્કૃતિને બચાવવા આ પ્રકારના કાર્યક્રમ કરીશું.
તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતે અનેક ક્ષેત્રે પ્રગતિનાં શિખરો સર કર્યાં છે. આજે દેશ-વિદેશમાં ભારતની પ્રતિષ્ઠા વધી રહી છે, તે ગૌરવની બાબત છે. તેમણે રાષ્ટ્રનિર્માણના કામમાં સૌને સહભાગી થવા આહ્વાન કર્યું હતું.


આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. નીરજા ગુપ્તાએ સ્વાગત પ્રવચન કરી સૌ લોકોને આવકાર્યા હતા. તેમણે ગુજરાત સાંસ્કૃતિક વકતૃત્વ સ્પર્ધા વિશે વિસ્તૃત જાણકારી આપી કહ્યું હતું કે, આજનો દિવસ અનેરો છે. કોલેજના યુવા વિદ્યાર્થીઓંમાં ચારિત્ર્ય નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ અંગે જાગૃતિ લાવવા અને વકતૃત્વ – નેતૃત્વ કળાના ગુણોને વિક્સાવવા ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું છે. ડૉ.નીરજા ગુપ્તાએ ભારપૂર્વક જણાવ્યું કે, વિકસિત ભારત સાચા અર્થમાં ત્યારે જ બનશે જ્યારે ભારતની સંસ્કૃતિને વિકૃત થવા ન દઈએ અને તેની જવાબદારી યુવાનોની છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ‘ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા’ની પ્રથમ તબક્કાની કૉલેજ સ્પર્ધાનું આયોજન જાન્યુઆરી માસમાં કરવામાં આવેલું, જેમાં 603 કૉલેજોમાંથી 5500 કરતાં વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પ્રથમ નંબરે આવેલા વિજેતાઓ વચ્ચે ઝોનકક્ષાની સ્પર્ધા યોજાઇ હતી. 11 ઝોન અને ૩૩ જિલ્લામાં યોજાયેલી ઝોન કક્ષાની સ્પર્ધામાં પ્રથમ બીજા અને ત્રીજા ક્રમે આવનારા સ્પર્ધકો વચ્ચે તારીખ 14 ફેબ્રુઆરીના રોજ રાજ્ય કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી.
‘ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા’ની રાજયકક્ષા સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા થનાર વિદ્યાર્થીને ₹1,00,000નો પુરસ્કાર અને ‘બેસ્ટ સાંસ્કૃતિક સ્પીકર ઑફ ગુજરાત’ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે દ્વિતીય ક્રમાંકે આવનાર વિદ્યાર્થીને ₹71,000 અને તૃતીય ક્રમાંકે આવનાર વિદ્યાર્થીને ₹51,000નો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને ₹10,000નો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. એ જ રીતે ઝોન કક્ષા અને કૉલેજ કક્ષાના પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના વિજેતાઓને પણ અલગ અલગ એવોર્ડ અને કેશ પ્રાઇઝથી સન્માનવામાં આવ્યા હતા.


‘ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા’માં સ્વચ્છ સાયબર ભારત, ચારિત્ર્ય નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ, શીલ સંસ્કૃતિ અને સદાચાર રક્ષા, વર્તમાન સમયની અનિવાર્યતા-મૂલ્ય શિક્ષણ, રાષ્ટ્રીય સેવા યોજના : એક ભારત-શ્રેષ્ઠ ભારત જેવા વિવિધ 5 વિષયો નક્કી કરવામાં આવ્યા હતા. જેમાંથી ભાગ લેનારા સ્પર્ધકોએ કોઈ એક વિષય પર પોતાનું વક્તવ્ય રજૂ કરવાનું હતું.
આ પ્રસંગે ઉચ્ચ શિક્ષણના નિયામક શ્રી ગુરવ દિનેશ રમેશ, અધિક નિયામક શ્રી વી.સી. બોડાણા, શ્રી આર.આર.પટેલ, ઉચ્ચ શિક્ષણના સંયુક્ત નિયામક શ્રી આરતીબહેન ઠકકર તથા મોટી સંખ્યામાં યુવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field