લોકસભા ચૂંટણી-૨૦૨૪ પૂર્વે રાજ્યના તમામ જિલ્લાઓમાં જાગૃતિ વાન દ્વારા EVMના લાઈવ ડૅમોન્સ્ટ્રેશનની સાથે સાથે મતદારોને કરાઈ રહ્યા છે મતદાન માટે પ્રેરિત
(જી.એન.એસ),તા.૧૪
ગાંધીનગર,
વિશ્વની સૌથી મોટી લોકશાહી દેશ ભારતની સક્ષમ લોકતાંત્રિક વ્યવસ્થાના મૂળમાં મતદાર રહેલો છે. મતાધિકારના ઉપયોગ થકી સશક્ત રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બનતા મતદાર તેને મળેલા આ અધિકાર, ચૂંટણી વ્યવસ્થા અને મતદાનની પ્રક્રિયા અંગે જાગૃત હોય તે આવશ્યક છે. રાજ્યના મતદારોને ચૂંટણીલક્ષી શિક્ષણ મળે અને મતદાન અંગે જાગૃતિ કેળવાય તે માટે રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા વર્ષ દરમિયાન અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે. પરંતુ આજે વાત કરવી છે મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી દ્વારા મતદાર જાગૃતિ માટે કરવામાં આવી રહેલા એક સ્તુત્ય પ્રયાસની.
મતદારો સુધી ચૂંટણીલક્ષી માહિતી પહોંચાડવા તથા મતદાન અંગે જાગૃતિ કેળવવા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી દ્વારા અખબાર, રેડિયો, ટી.વી. ચેનલ્સ, સોશિયલ મીડિયા જેવા વિવિધ સંચાર માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે. આ તમામ માધ્યમો ઉપરાંત લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ પૂર્વે મતદાર જાગૃતિ ઝૂંબેશના ભાગરૂપે EVMના લાઈવ ડૅમોન્સ્ટ્રેશન અને ઑડિયો-વિઝ્યુઅલની વ્યવસ્થાથી સજ્જ ૪૦ જેટલી ખાસ LED વાન તૈયાર કરવામાં આવી હતી.
આગામી લોકસભાની ચૂંટણીમાં રાજ્યમાં મહત્તમ મતદાન થાય તે માટે નાગરિકોમાં જાગૃતિ કેળવવા મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી દ્વારા ફ્લેગ ઑફ કરી EVMના લાઈવ ડૅમોન્સ્ટ્રેશન અને ઑડિયો-વિઝ્યુઅલની વ્યવસ્થાથી સજ્જ LED વાનને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રાજ્યભરમાં 40 જેટલી જાગૃતિ વાન દ્વારા વિવિધ જિલ્લાના દૂધ મંડળી અને ગામના ચોરા જેવા ગ્રામ્ય વિસ્તાર તથા કૉલેજ, યુનિવર્સિટી કેમ્પસ, GIDC વિસ્તાર અને બગીચા જેવા શહેરી વિસ્તારોમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ હાથ ધરવામાં આવી રહ્યા છે.
રાજ્યના તમામ મતક્ષેત્રમાં નિશ્ચિત રૂટ પર આ LED વાન સાથે ચૂંટણી તંત્રના કર્મચારીશ્રીઓ દ્વારા ચૂંટણીલક્ષી માહિતી માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ મોબાઈલ ઍપ્સ તથા EVM અને VVPAT દ્વારા મતદાનની પ્રક્રિયાના લાઈવ ડૅમોન્સ્ટ્રેશન સહિતની બાબતોથી મતદારોને અવગત કરાવવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત ચૂંટણીમાં દરેક મતનું મૂલ્ય સમજાવી મતદારોને પોતાના મતાધિકારના ઉપયોગ અંગે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને શહેરી મતદારો, મહિલા મતદારો અને યુવા મતદારોમાં મતદાન પ્રત્યે ઉદાસીનતા દૂર કરવા માટે તથા મતદાન જાગૃતિ માટે હાથ ધરવામાં આવેલી આ મતદાર જાગૃતિ ઝૂંબેશમાં મતદારો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. અત્રે નોંધનીય છે કે ગત લોકસભા ચૂંટણીમાં 50% થી ઓછું મતદાન ધરાવતા તથા જ્યાં પુરુષો અને મહિલાઓના મતદાનનો તફાવત 10% થી વધુ હોય તેવા મતદાન મથકોમાં મહિલાઓની મતદાનમાં ભાગીદારી વધે અને સમગ્રતયા રાજ્યમાં મતદાનની ટકાવારી વધે તે માટે મતદાન જાગૃતિના ઑડિયો/વિડિયો તથા હોર્ડિંગ્સનું નિદર્શન પણ આવી LED વાન પર કરવામાં આવી રહ્યું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.