માં અંબાના દર્શન અને શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા અર્થે માઈભકતો માટે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૫૮ બસોની વ્યવસ્થા કરાઈ
પ્રથમ દિવસે શ્રદ્ધાળુઓએ પાલખી યાત્રા અને શંખનાદ યાત્રમાં સહભાગી બની ધન્યતા અનુભવી
ગાંધીનગર જિલ્લામાંથી પરિક્રમાના પ્રથમ દિવસે ૨૫૦૦થી વધુ ભક્તોએ દર્શન-મહોત્સવનો લાભ લીધો
(જી.એન.એસ),તા.૧૨
ગાંધીનગર,
પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ૧૨ મી ફેબ્રુઆરી થી ૧૬મી ફેબ્રુઆરી દરમિયાન શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ૨૦૨૪નું આયોજન થયુ છે. આ મહોત્સવ દરમિયાન ગાંધીનગર જિલ્લામાંથી માં અંબાના દર્શનનો અને શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમાનો માઇ ભકતો વિનામૂલ્યે લાભ લઈ શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન હાથ ધરાયું છે. પરિક્રમા મહોત્સવ સંદર્ભે યોજાઇ રહેલી યાત્રાના પ્રથમ દિવસે ગાંધીનગર જિલ્લામાંથી ૨૫૦૦થી વધુ શ્રધ્ધાળુઓએ માં અંબાના દર્શન અને પરિક્રમા મહોત્સવનો લાભ લીધો હતો.
આ યાત્રા અંતર્ગત ગાંધીનગર ગ્રામ્ય માંથી ૪૭૮ દર્શનાર્થીઓ, દહેગામ તાલુકા માંથી ૪૨૪ દર્શનાર્થીઓ, કલોલ તાલુકામાંથી ૫૮૭ અને માણસા ખાતેથી પણ ૫૮૭ તથા ગાંધીનગર શહેરી વિસ્તાર માંથી ૫૦૭ યાત્રાળુઓ મળી કુલ ૨૫૭૮ દર્શનાર્થી મા અંબાના દર્શન અને શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા અર્થે પહોંચ્યા હતા. સમગ્ર ગાંધીનગર જિલ્લામાંથી પ્રથમ દિવસે ૫૮ બસો શ્રદ્ધાળુઓને લઈ પરિક્રમા અને દર્શન માટે રવાના થઈ હતી.તમામ દર્શનાર્થીઓને ગાંધીનગરથી લઈ મા અંબાના દર્શન કરી પરત લાવવાથી માંડીને અલ્પાહાર, પીવાના પાણી અને ભોજનની વ્યવસ્થા તેમજ આરોગ્યની સેવા પણ મળી રહે તે માટેની વ્યવસ્થા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા ઉભી કરવામાં આવી છે.
પાંચ દિવસીય પરિક્રમા મહોત્સવમાં પ્રથમ દિવસે શ્રદ્ધાળુઓએ પાલખી યાત્રા અને શંખનાદ યાત્રમાં સહભાગી બની ધન્યતા અનુભવી હતી.તા.૧૨ ફેબ્રુઆરીથી ૧૬ફેબ્રુઆરી એમ પાંચ દિવસ ચાલનારા આ મહોત્સવમાં વધુને વધુ ભક્તો સહભાગી થઈ શકે તે માટે દરરોજ નિયત સ્થળેથી બસની વ્યવસ્થા કરાઈ છે.એટલુજ નહીં અંબાજી ખાતે દરરોજ પાદુકા યાત્રા, ચામરયાત્રા, ધ્વજા યાત્રા, મશાલ યાત્રા, ત્રિશુલ યાત્રા અને જ્યોત યાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું પણ ક્રમશ: આયોજન કરાયું છે.
આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા માંથી દર્શનાર્થે ગયેલા માઈભક્તોએ યાત્રાધામ વિકાસ બોર્ડ, આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.વધુનેવધુ ભક્તો આ યાત્રામાં જોડાય તેવો જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.