(જી.એન.એસ,) ગાંધીનગર, તા.18
પશાભાઇના દિકરાએ હાથમાં વીજળીનું બિલ લઇને બાપાને કહ્યું –બાપા લાવો પૈસા એટલે હું ફટાફટ લાઇટનું બિલ ભરતો આવું, નહીંતર મોડુ થઇ જશે. પશાભાઇ બોલ્યા- બેટા હમણાં રેવા દે. છો લાઇટ કપાઇ જતી. ચોરી છુપીથી ચાલવા દે. કપાઇ જશે તો પછી સરકાર જખ મારીને કહેશે કે જાઓ તમારા વીજચોરીના રૂપિયા માફ..! નવી સ્કીમ લાવશે-માત્ર 500 ભરો ચોરીનું કપાયેલું વીજ કનેક્શન પાછુ મેળવો…!
આવા સંવાદ જો સાંભળવા મળે તો મોઢું મોટુ ન કરતા. કેમ કે ગુજરાતમાં રૂપાણી સરકાર હમણાં મોટુ મોટુ કરી રહી છે. વાયબ્રન્ટ મોટુ, વિદેશી મહેમાનો મોટા, ભલે ન આવે અમેરિકાના મોટા તો ય જાહેરાત તો મોટી …મોટી અને નોટી…નોટી…! 20મીએ જસદણ માટે જંગ જામવાનો છે ત્યારે જાહેર પ્રચાર પડઘમ શાંત પડે તે પહેલા મ.છ.રા.(મધ્યપ્રદેશ-છત્તીસગઢ અને રાજસ્થાન)ના પરિણામોના પગલે રૂપાણી સરકારે હાંફળા હાંફળા જાહેર કર્યું – જે ખેડૂત મિતરોં વીજ ચોરીમાં પકડાયા છે અને વીજ જોડાણ કપાયેલું છે તેમણે હવે ચિંતા કરવાની જરૂર નથી. સરકાર તમારે દ્વાર…માત્ર 500 ભરો અને વીજ ચોરીમાં કપાયેલું જોડાણ ફરી જોડો..પણ જસદણમાં અમારૂ નાક ના કપાય એટલું જરા જોજો ભઇસાબ..અમારી ભૂલ થઇ ગઇ કે વિધાનસભા ચૂંટણી વખતે અમે ખેડૂતોના દેવા માફ ના કર્યા. પણ મ.છ.રા.ના પરિણામરૂપી મોટા ડાંસ જેવા મછરા અમને પછી એટલા બધા કરડ્યા…એટલા બધા કરડ્યા અને પછી અમે એટલા બધા રડ્યા….એટલા બધા રડ્યા….(પણ ખાનગીમાં હોં, કોઇ જુએ નહીં એ રીતે…) એટલે એ મછરા હજુ અમારૂ વધ્યું ઘટ્યું કેસરી લોહી ચૂસે તે પહેલાં વીજચોરીના જોડાણો પાછા જોડી લો. કોઇ તમને વઢશે નહીં…. કોઇ તમને બોલશે નહીં…. વીજ કંપનીના કર્મચારીઓ તમારે ઘેર આવીને સન્માન સાથે ફરી વીજ જોડાણ જોડી આપશે..પણ જસદણમાં બાવળિયાની સામે નહીં પણ અમારી સામે જોઇને અને ખાસ તો માફ કરાયેલા 650 કરોડના આંકડાની સામે જોઇને અમને જીતાડશો બાપલિયા….નહીંતર મારી તો નોકરી ગઇ….સમજો……વળી પાછા રાજકોટ ઘરભેગા…!
ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે ખેડૂતો બોલી બોલીને થાકી ગયા કે દેવા ઓ દેવા…વિજયપતિ દેવા…અમારા દેવાં માફ કરો… પણ કોઇ સાંભળતા જ નહોતા. એમાં વળી હમણાં જેમણે મુંબઇ જઇને પોતાના ઘૂંટણ સીધા કરાવ્યાં એને હાર્દિક…તારા જેવા તો કેટલાય જોઇ નાંખ્યા…એમ તાડૂકનાર એ વખતે એમ બોલ્યા કે ગુજરાતનો ખેડૂત સધ્ધર છે, ગુજરાતના ખેડૂતોની વાર્ષિક આવક 1-25 લાખ કરોડ કરતાં પણ વધારે છે એટલે તેમના દેવાં માફ કરવાની કોઇ જરૂર નથી…પરિણામ આવ્યું ત્યારે ગોથુ ખાતા ખાતા માંડ બચ્યા અને 182માંથી 150 કમળો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સમક્ષ મૂકવાની જાહેરાતો કરનારા મોઢા બંધ રાખીને હું વિજય રૂપાણી ઇશ્વરના નામે સોગંદ લઉ છું કે….બોલીને 99એ ફરી સ્વર્ણિમ સંકૂલમાં પહોંચ્યા હતા
સરકારને એક વર્ષ થયું પણ વીજ ચોરીના બાકી નિકળતાં 650 કરોડ માફ કરવાનો કોઇ આચાર કે વિચાર આવ્યો નહીં.. અને ક્યાંથી આવે..? આપણે તો રોબોટિયા… જીતની ચાબી ભરી દિલ્હીને ઉતના ચલે ખિલૌના….ની જેમ ચાલીએ-બોલીએ અને સહીઓ કરીએ. પણ મછરાના મતદારોએ જે સહીઓ રાજે અને બે સિંહોની સામે કરી કે ગાંધીનગર દોડતું થયું. અલ્યા, લાવો પેલી ફાઇલ…કેટલા નિકળે છે વીજ ચોરીના બાકી….650 કરોડ….? કરો માફ નહીંતર લોકસભામાં ગુજરાતના મતદારો આપણને બે હાથ જોડીને કહેશે કે, હેં કેસરીલાલ આ વખતે તો અમને કરો માફ…જીએસટી અને નોટબંધીએ અમારા ધંધા કર્યા સાફ…અમને જોઇએ ઇન્સાફ…! અને આપણે ક્યાંથી આપીશું ઇન્સાફ..? કેમ કે આપણને જ નથી મળતો પાર્ટીમાં ઇન્સાફ…!
હે ગુજરાતના વીજચોરો,,,જાઓ તમારી વીજ ચોરી માફ કરી.. બાકી નિકળતા રૂપિયા પણ માફ કર્યા બસ માત્ર કણ કણ મેં ભગવાનની જેમ જસદણના મતરૂપી કણ કણમાં સમાયેલી અમારી આબરૂ.. તમારે હાથ…! અરે…ના…ના…જો જો હોં હાથને મત ના આપતાં આ તો ખાલી બોલ્યાં. બાકી તો તમે જાણો જ છો કે સૌનો સાથ-સૌનો વિકાસ…. અમારો “સાથ” તમારો ચહુમુખી વિકાસ..! આ બાવળિયાને ક્યાં લાવ્યાં પાર્ટીમાં દિલ્હીવાળા…? જો હાર્યા તો 26 આંબાના કેસરી વૃક્ષ બની જશે બાવળના વૃક્ષ..! અમારી લાજ રાખજો વીજને ચોરી જનારા…! આ મછરાને અત્યારે જ આવવું હતું..? લોકસભા પછી આવ્યાં હોત તો…?
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.