સરકારને ફક્ત અદાણીને કઈ રીતે નફો કરાવવો તેમાં જ રસ છે : કોંગ્રેસ
વિધાનસભામાંથી કોંગ્રેસે નારા સાથે વોકઆઉટ કર્યુ
(જી.એન.એસ),તા.૦૬
ગાંધીનગર,
આજે વિધાનસભા સત્રનો ચોથા દિવસે મળેલી પ્રથમ બેઠકમાં ઉર્જા પેટ્રોકેમિકલ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ વિધાનસભામાં અદાણી પાવર પાસે વીજ ખરીદવા મુદ્દે વિપક્ષે સવાલ કર્યા હતા. જે પછી ગૃહમાં વાર-પલટવાર જોવા મળ્યો હતો. પછી વિધાનસભામાંથી કોંગ્રેસે નારા સાથે વોકઆઉટ કર્યુ હતું. સાથે જ કોંગ્રેસ ધારાસભ્યો દ્વારા અદાણી મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો. બેનર સાથે કોંગ્રેસ નેતાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સાથે ખેડબ્રહ્માના ધારાસભ્યોએ જણાવ્યું કે, વિધાનસભામાં કેટલાક પ્રશ્ન સરકારે ઉડાવી દીધા છે, સરકારને ફક્ત અદાણીને કઈ રીતે નફો કરાવવો તેમાં જ રસ છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ડબલ એન્જિન સરકારમાં માનીતાઓને ડબલ ફાયદો કરાવવાની નીતિથી આ સરકાર કામ કરી રહી છે. સરકાર દ્વારા અદાણી પાવર સાથે 2007માં 25 વર્ષ માટે કરાર કરવામાં આવ્યો હતો. અદાણી પાવર પાસેથી વીજળી યુનિટ ખરીદવા માટે બીડ-1માં 2.89 પૈસા પ્રતિ યુનિટ અને બીડ-2માં 2.35 પૈસા પ્રતિ યુનિટ ભાવ નક્કી થયો હતો. એની સામે જે પ્રશ્નોતરીના જવાબમાં હક્કીત બહાર આવી છે.
2022ના વર્ષમાં એવરેજ 7.185 પૈસા 2023માં 5.33 પૈસા પ્રતિ યુનિટ આપવામાં આવ્યો હતો. એટલે જે કરારમાં નક્કી કરેલી રકમ હતી તેના કરતા બેથી ત્રણ ગણા ભાવ આપીને સરકાર અદાણી પાવર પાસે વીજળી ખરીદી છે. 2022માં 6110 મિલીયન વીજળી 2023ના વર્ષમાં 7425 મિલિયન વીજળી ખરીદવામાં આવી છે. 2022માં વીજળી ખરીદવામાં 4,315 કરોડ અને 2023માં 3,950 કરોડ રૂપિયા વધારે ચૂકવવામાં આવ્યા છે. એટલે 2 વર્ષમાં અદાણી પાવરને સરકાર 8,265 કરોડ રૂપિયા વધારે ભાવ વધારો આપીને ફાયદો કરાવ્યો છે. કોઈને એક રૂપિયો આપવાનો હોય તો સરકારી કચેરીમાં લોકો ધક્કા ખાઈ ખાઈને થાકી જાય છે. પણ અદાણી પાવર કંપનીને સરકારે સામે ચાલીને જાણે સરકારની તિજોરી લૂંટાવતા હોય, પ્રજાના પૈસાની ખેરાત કરતા હોય, એ રીતે 2 વર્ષમાં 8,265 કરોડ રૂપિયા વધારે ચૂકવ્યા છે. અમે વિધાનસભામાં માંગણી કરી કે, સરકારના પોતાના પીએસયુ ચેક અને વીજ ઉત્પાદન મફતો છે એમાં શું કામ આ પૈસાનું રોકાણ કરીને વીજળી ઉત્પાદન સમક્ષા નથી વધારતા? સરકારે કારણ આપ્યું કે, ઈન્ટરનેશન બજારમાં ઈન્ડોનેશિયામાં કોલસના ભાવ વધારે થયા એટલા માટે આ ભાવ વધારો આપવામાં આવ્યો છે. પણ જ્યારે સાહેબના મિત્રો હોય અને ગુજરાત સરકાર મહેરબાન હોય તો આ ડબલ એન્જિન સરકારમાં ડબલ ભાવ આપવામાં આવે છે. જે બીડમાં રકમ નક્કી થઈ હતી તેના કરતા બમણો ભાવ આપવામાં આવે છે.
ખેડબ્રહ્મા તાલુકાના ધારાસભ્ય તુષાર ચૌધરીએ જણાવ્યું કે, ગઈકાલે મારો વન વિભાગનો સામાન્ય પ્રશ્ન હતો. ખેડબ્રહ્મા તાલુકામાં માર્ગ મકાનના રસ્તાની કેટલીક દરખાસ્તો વન વિભાગની મંજુરીના અભાવે પડતર છે. તો જવાબ રૂટીન આપી દીધો કે, કોઈ દરખાસ્ત પડતર નથી. પણ ખરેખર 5 દરખાસ્ત પડતર છે અને બીજી બે નવી થયેલી છે તેના મારી પાસે પુરાવા છે. એટલે રૂટીન જવાબ આ રીતે જ ધારાસભ્યોને વિધાનસભામાં સરકાર આપતી હોય છે, એનો મતલબ એ છે કે 156 અમારે છે એટલે બીજા 17ની ચિંતા કરવાની જરૂર નથી. એવો અભિગમ હોય તેવું લાગી રહ્યું છે. વીજળી બાબતે તુષાર ચૌધરીએ વધુમાં જણાવ્યું કે, ઈન્ડોનેશિયામાં કોલસાનો ભાવ વધારો થવાથી અમને રિવાઇસ સપ્લીમેન્ટરી કરીને આ અદાણીને પાવરનો ભાવ વધારી આપ્યો છે. 25 વર્ષથી તમે એગ્રીમેન્ટ કોઈ સાથે કર્યા હોય તો 25 વર્ષના ઉતાર ચઢાવને ધ્યાનમાં રાખીને ભાવ વધારો કે બધું કન્યુમન ફેક્ટર કન્સીલેશન કરીને જ એગ્રીમેન્ટ કરતા હોવ છો. તો પછી તમારે તાત્કાલિક ભાવ વધારો માંગવાની શું જરૂર છે. મારો સરકારને પહેલો પ્રશ્ન તો એ જ હતો કે, આ અદાણી પાવર કંપનીની જગ્યાએ કોઈ બીજી કંપની હોત તો તમે આ ભાવ વધારો આપ્યો હોત? એ જવાબ સરકારે ઉડાવી દીધો હતો. અદાણી પાવર કંપનીની હવે માઈન્ડ થઈ ગઈ છે. હવે એને કોલસો પોતાનો ઘરનો આવે છે. તો એનો નફો વધી ગયો છે. તો મે કહ્યું કે, આ એગ્રીમેન્ટમાં એવો પણ કોઈ કરાર છે કે આપણે જે એગ્રીમેન્ટ કર્યું તેના ઓછા ભાવમાં આપણે વીજળી ખરીદીએ એ જવાબ પણ સરકાર ઉડાવી દીધો એનો મતલબ સાફ છે કે, સરકારને ગુજરાતની જનતાને ફાયદો થાય, સરકારની તિજોરીને ભાર ઘટે તેમાં રસ નથી. પણ અદાણીને કઈ રીતે નફો કરાવવો. અદાણીને કઈ રીતે વધારે પૈસા કમાવી આપવામાં જ રસ હોય તેવું લાગી રહ્યું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.