Home ગુજરાત પંચમહાલ જિલ્લાના વિંઝોલ સ્થિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો પાંચમો વાર્ષિક દીક્ષાંત સમારોહ...

પંચમહાલ જિલ્લાના વિંઝોલ સ્થિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો પાંચમો વાર્ષિક દીક્ષાંત સમારોહ યોજાયો

23
0

૪૮ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ, ૪૧ વિદ્યાર્થીઓને પી.એચ.ડીની ડીગ્રી અને ૧૬,૧૮૧ વિદ્યાર્થીઓને ડીગ્રી આપવામાં આવી

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી :

– આદિવાસી બહુમૂલ્ય ધરાવતા જિલ્લાઓમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને સરકારના પ્રયત્નો થકી શિક્ષણક્ષેત્રે અમૂલ્ય ક્રાંતિ સર્જાઈ

– માનવતાનો ધર્મ એ સૌથી મોટો ધર્મ, મનુષ્યને જીવનના મૂલ્યો શિખવાડનાર માતા-પિતા અને ગુરૂજન દેવતા સમાન

– ભણતર અને ડિગ્રીની સાથે પોતાના કર્તવ્યોથી સજાગ બનીને સમાજ, રાષ્ટ્ર અને માનવ કલ્યાણ માટે કાર્ય કરવું તે જ સાચું શિક્ષણ

– ઘોર અંધકારમાં એક પ્રકાશની જ્યોત અજવાળું પાથરી શકે, તેમ વિદ્યાર્થીઓએ હંમેશા સત્ય અને અહિંસાનો માર્ગ અપનાવીને તેનું આચરણ કરવું જોઈએ

પંચમહાલ જિલ્લાના વિંઝોલ સ્થિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો પાંચમો પદવીદાન સમારોહ રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં યોજાયો હતો.

(જી.એન.એસ),તા.૩૦

રાજયપાલશ્રીએ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં પદવીધારક વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવીને જણાવ્યું હતું કે, આદિવાસી બહુમૂલ્ય ધરાવતા જિલ્લાઓમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને સરકારના પ્રયત્નો થકી શિક્ષણક્ષેત્રે અમૂલ્ય ક્રાંતિ સર્જાઈ છે. આ યુનિવર્સિટી થકી આ વિસ્તારમાં આજે શિક્ષણની જ્યોત સાથે ઘર આંગણે જ તમામ સુવિધાઓ પણ પ્રાપ્ત થઈ છે. યુનિવર્સિટી ખાતે ૧.૫૦ લાખ વિદ્યાર્થીઓની સાથે ૧૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ પી.એચ.ડી કરી રહ્યા છે તે ખરેખર ગર્વની બાબત હોવાનું જણાવ્યું હતું.

તેમણે પ્રાચીન ભારતીય ગુરુકુળ શિક્ષણ પદ્ધતિ વિશે વાત કરતાં કહ્યું કે, તક્ષશિલા, નાલંદા, વિક્રમશિલા અને પલ્લવી વગેરે સ્થળોએ દુનિયાભરના વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા આવતા હતા. તેમણે દીક્ષાંત સમારોહમાં જણાવ્યું કે, વિદ્યાર્થીઓ, માતા – પિતા અને ગુરુજનોના સંગમરૂપી આજના દિવસે  વિદ્યાર્થીઓ સમાજ અને રાષ્ટ્રના હિત માટે કાર્યો કરવાનો સંકલ્પ લે. માનવતાનો ધર્મ એ સૌથી મોટો ધર્મ છે. મનુષ્યને જીવનના મૂલ્યો શિખવાડનાર માતા – પિતા અને ગુરૂજન દેવતા સમાન છે. ભણતર અને ડિગ્રીની સાથે પોતાના કર્તવ્યોથી સજાગ બનીને માનવ કલ્યાણ માટે કાર્ય કરવું તે જ સાચું શિક્ષણ છે.

રાજ્યપાલશ્રીએ આજે ૩૦ જાન્યુઆરી એટલે કે ગાંધીજીના નિર્વાણ દિવસને યાદ કરીને કહ્યું કે, ઘોર અંધકારમાં એક પ્રકાશની જ્યોત અજવાળું પાથરી શકે છે, તેમ વિદ્યાર્થીઓએ હંમેશા સત્ય અને અહિંસાનો માર્ગ અપનાવીને તેનું આચરણ કરવું જોઈએ. તેમણે આદિવાસી સમાજના ઉદ્ધાર માટે કાર્ય કરનાર શ્રી ગોવિંદ ગુરુને યાદ કર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને સમાજ અને રાષ્ટ્રના વિકાસ અને ઉન્નતિ માટે વિવિધ ક્ષેત્રોમાં આગળ આવવા જણાવ્યું હતું. પ્રાકૃતિક ખેતી અંગે રાજ્યપાલશ્રીએ કહ્યું કે,આજે રાજ્યના ૯ લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થયા છે. તેમણે ખેડૂતોને રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક કૃષિ તરફ વળવા આહવાન કર્યું હતું. તેમણે શિક્ષણની જ્યોતની સાથે શ્રેષ્ઠ સમાજ થકી ૨૦૪૭ સુધી વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવા જણાવ્યું હતું.

આ પ્રસંગે રાજ્યપાલશ્રી અને મહાનુભાવોના હસ્તે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વિવિધ ક્ષેત્રોમાં વિજેતા ૪૮ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ, ૪૧ વિદ્યાર્થીઓને પી.એચ.ડીની ડીગ્રી અને ૧૬,૧૮૧ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઇ હતી. આ પ્રસંગે પંચમહાલ સાંસદશ્રી રતનસિંહ રાઠોડે જણાવ્યું હતું કે,રાજ્યપાલશ્રીના સફળ પ્રાકૃતિક ખેતી અભિયાન થકી અનેક ખેડુતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. છેલ્લા આઠ વર્ષમાં આ યુનિવર્સીટીએ શિક્ષણ ક્ષેત્રે નવીન માર્ગ ચીંધ્યો છે. સરકારના પ્રયત્નો થકી વિદ્યાર્થીઓને અદ્યતન સુવિધાઓ અને શ્રેષ્ઠ ફેકલ્ટી આપવામાં આવી છે.

યુનિવર્સિટીના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણે પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું કે, અહીં ૨૨૮ વિદ્યાર્થીઓ સરકારશ્રીની શોધ યોજના અંતર્ગત સહાય મેળવે છે.ગાંધીજીના મૂલ્યો પર ચાલતી આ યુનિવર્સિટીએ અનેક ક્ષેત્રોમાં સિધ્ધિઓ હાંસલ કરી છે. યુનિવર્સિટીના કુલ સચિવશ્રી અનિલ સોલંકીએ આભારવિધિ કરી હતી. આજના દીક્ષાંત સમારોહ વખતે પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રેણુકાબેન ડાયરા, ગોધરાના ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજી, મોરવા હડફના ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથાર, જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમાર, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી સહિત યુનિવર્સિટીના પ્રોફેસરશ્રીઓ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય જનતા પાર્ટી, ગાંધીનગર લોકસભાની “બૃહદ બેઠક” યોજાઇ
Next article‘સુક્તિઓના સ્વપ્ન’ પુસ્તકનું વિમોચન કરતા સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા