બટાટાના પાછોતર સુકારાના લક્ષણો : પાકના પાન, પ્રકાંડ ઉપર જાંબુડીયા કાળા રંગના ટપકા જોવા મળે છે
(જી.એન.એસ),તા.૨૯
ગાંધીનગર,
બટાટાના પાકમાં ચાલુ વર્ષે લેટ બ્લાઈટ એટલે કે પાછોતર સુકારાના લક્ષણો દેખાય છે. આ રોગની બટાટાના પાકના પાન, પ્રકાંડ ઉપર જાંબુડીયા કાળા રંગના ટપકા જોવા મળે છે. ગાંધીનગર જિલ્લાના બટાટાના ખેતી કરતા ખેડૂતોને આ રોગના નિયંત્રણ માટે જરૂરી પગલા લેવા માટેનું માર્ગદર્શન જિલ્લાના નાયબ બાગાયત નિયામકશ્રી દ્વારા આપવામાં આવ્યું છે. ગાંધીનગર જિલ્લાના નાયબ બાગાયત નિયામકશ્રીએ જણાવ્યું છે કે, સામાન્ય રીતે દેખવા જઈએ તો આ રોગ જ્યારે વાતાવરણમાં ૯૫% થી વાધારે ભેજ હોય ત્યારે જ આવે છે. પરંતુ ઝાકળ પડવાથી, વાદળછાયું વાતાવરણ રહેવાથી અને જ્યારે આપણે પિયત આપીએ છીએ,ત્યારે ફિલ્ડના માઈક્રોકલાઈમેટમાં ભેજનું પ્રમાણ વધાતા ખેતરમાં આ રોગની શરૂઆત થઇ જાય છે. જો આ રોગ માટે અનુકુળ વાતાવરણ રહે તો થોડાક જ સમયમાં આખા ખેતેરમાં આ રોગ ફેલાઈ જાય છે.
જો આ રોગના લક્ષણોની વાત કરીએ તો આ રોગની શરૂઆતમાં પાન, દાંડી પ્રકાંડ ઉપર જાંબુડીયા કાળા રંગના ટપકા જોવા મળે છે. ખુબ ભેજવાળા હવામાનમાં રોગીષ્ટ પાનના ટપકાની નીચેની બાજુએ સફેદ રંગની ફુગનો વિકાસ જોવા મળે છે. રોગની ઉગ્રતા વધતા પાક દઝાઈ ગયો હોય તેમ દેખાય છે. આ રોગ ફાયટોપથોરા નામની ફૂગથી થાય છે. આ રોગના નિયંત્રણ માટે હવામાન વધારે વાદળછાયું કે કમોસમી માવઠા જેવુ હોય, ત્યારે પાકને પાણી આપવાનું મુલત્વી રાખવું. હવામાન જ્યારે વાદળછાયું હોય ત્યારે પ્રથમ છંટકાવ મેન્કોઝેબ (૭૫% વે.પા.) અથવા ક્લોરોથેલોનીલ (૭૫% વે.પા.) ૨૫ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવીને કરવો.રોગની તીવ્રતા વધુ હોય તો બીજો છંટકાવ પ્રથમ છંટકાવ બાદ ૧૦ થી ૧૫ દિવસે ડાયમીથોમોર્ફ (૫૦% વે.પા.) ૧૫ ગ્રામ અથવા સાયમોકસાનીલ (૮% વે.પા.) + મેન્કોઝેબ (૬૪% વે.પા.) ૨૫ ગ્રામ અથવા ફેનામીડોન (૧૦% ડબ્લ્યુ.જી) + મેન્કોઝેબ (૫૦% ડબ્લ્યુ.જી) ૨૫ ગ્રામ અથવા એમેટોક્રાડીન (૨૭%) + ડાયમીથોમોર્ફ (૨૦.૨૭ %) ૨૦ મીલી પ્રમાણે ૧૦ લીટર પાણીમાં ભેળવીને કરવો. જો રોગેની તીવ્રતા વધતી હોય તો ઉપરોક્ત દવાનો છંટકાવ ૮-૧૦ દિવસનાં અંતરે ચાલુ રાખવા પણ જણાવ્યું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.