(જી.એન.એસ),તા.૨૦
ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં પાકિસ્તાનની ટીમનો કંગાળ દેખાવ યથાવત્ રહ્યો છે. શુક્રવારે અહીં રમાયેલી ચોથી ટી20માં પણ પાકિસ્તાનનો પરાજય થયો હતો. ન્યૂઝીલેન્ડે 11 બોલ બાકી રાખતા સાત વિકેટે જીત મેળવીને પાંચ ટી20 મેચની સીરિઝમાં 4-0ની અજેય લીડ મેળવી લીધી છે અને હવે તેનું લક્ષ્ય પાક.નો વ્હાઈટવોશ કરવાનું રહેશે. પાકિસ્તાનને મોહમ્મદ રિઝવાનના 90 રનની મદદથી 20 ઓવરમાં પાંચ વિકેટે 158 રન નોંધાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડના નબળા પ્રારંભ બાદ ડેરિલ મિચેલ અને ગ્લેન ફિલિપ્સે ઝંઝાવાતી બેટિંગ કરતા અણનમ ફિફ્ટી ફટકારીને 11 બોલ બાકી રાખીને સાત વિકેટે જીત મેળવી હતી. શાહીન આફ્રિદીએ ત્રણ વિકેટ મેળવતા તે એકમાત્ર સફળ બોલર રહ્યો હતો. ન્યૂઝીલેન્ડની શરૂઆત સારી રહી નહતી અને 2.4 ઓવરમાં 20 રનમાં જ ત્રણ વિકેટ ગુમાવતા દબાણ હેઠળ આવી ગયું હતું. પાકિસ્તાનના બોલર શાહીન શાહ આફ્રિદીએ કિવીના અગ્ર હરોળના બેટ્સમેનોને વહેલા પેવેલિયન મોકલતા પાકિસ્તાન માટે જીતની આશા જાગી હતી પરંતુ ડેરિલ મિચેલે 44 બોલમાં અણનમ 72 રન ફટકાર્યા હતા જેમાં સાત ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થયો હતો.
બીજીતરફ ગ્લેન ફિલિપ્સે 52 બોલમાં પાંચ ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદથી 70 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. બંને વચ્ચે ચોથી વિકેટ માટે 139 રનની અજેય પાર્ટનરશિપ થઈ હતી. ન્યૂઝીલેન્ડે પ્રથમ ઓવરમાં જ ચોથા બોલ પર એલન (4) અને છઠ્ઠા બોલ પર સીફર્ટ (શૂન્ય) એમ બે વિકેટ ગુમાવી હતી. યંગ પણ ચાર રન કરીને પેવેલિયન પરત ફર્યો હતો. આફ્રિદીને બાદ કરતા પાકિસ્તાનનો અન્ય એકપણ બોલર વિકેટ ખેરવી શક્યો નહતો. ટોસ જીતીને ન્યૂઝીલેન્ડે પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કર્યો હતો. બીજી જ ઓવરમાં હેનરીએ પાકિસ્તાનના ઓપનર સઇમ ઐયૂબન મિચેલના હાથે ઝડપાવીને આંચકો આપ્યો હતો. મોહમ્મદ રિઝવાન (90*) અને બાબર આઝમ (19) વચ્ચે બીજી વિકેટ માટે 51 રનની ભાગીદારી નોંધાઈ હતી. રિઝવાન 63 બોલમાં છ ચોગ્ગા અને બે છગ્ગા સાથે 90 રન ફટકારીન નોટ આઉટ રહ્યો હતો. પરંતુ પાકિસ્તાનના મિડલ ઓર્ડરના બેટ્સમેન નિષ્ફળ જતા ટીમ 158 રનનો સ્કોર નોંધાવી શકી હતી જે ટી20 સિરીઝની ચાર મેચમાં પાક.નો સૌથી નીચો સ્કોર રહ્યો હતો. મોહમ્મદ નવાઝના અણનમ 21 રનની મદદથી ટીમ સન્માનજક સ્કોર ઉભો કરી શક હતી. શ્રેણીની પાંચમી અને અંતિમ ટી20 21 જાન્યુઆરીએ રમાશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.