Home ગુજરાત અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ ભારતીય સંસ્કૃતિના મૂળ છે, આ...

અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ ભારતીય સંસ્કૃતિના મૂળ છે, આ સિદ્ધાંતો સંત પરંપરાથી સમાજ સુધી પહોંચ્યાં છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

41
0

શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્-SGVP આયોજિત પૂજ્ય પુરાણીસ્વામી સ્મૃતિ મહોત્સવમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મહાનુભાવો દ્વારા ‘સદાચારનું સરનામું : શિક્ષાપત્રી’ નું વિમોચન

ટેકનોલોજીના આ યુગમાં મનની શાંતિ માટે કોઈ જ સોફ્ટવેર નથી, એ માટે ધર્મના ચરણે અને સંતોના શરણે જ આવવું પડશે : શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિષમુક્ત રાસાયણિક ખેતી છોડીને ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે એ માટે ધૂણી ધખાવી છે : પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી

(જી.એન.એસ),તા.૨૮

શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્-SGVP દ્વારા આયોજિત પૂજ્ય પુરાણીસ્વામી ભક્તિપ્રકાશદાસજી સ્મૃતિ મહોત્સવમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ ભારતનો આત્મા છે, ભારતીય સંસ્કૃતિના મૂળ છે, આપણી જીવનશૈલી છે. આ સિદ્ધાંતો સંત પરંપરાથી સમાજ સુધી પહોંચ્યાં છે. આ સિદ્ધાંતોથી મોટો ધર્મનો બીજો કોઈ માર્ગ નથી. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી, પુરાણીસ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી અને શ્રી માધવપ્રિયદાસજી સ્વામી જેવા સંતોએ આ દુનિયા સુખમય અને આનંદમય બને એ હેતુથી પરોપકારની પરંપરા જાળવી રાખી છે. ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિ વિશ્વનું પથ પ્રદર્શન કરતાં રહેશે.

શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ના સ્મૃતિ મહોત્સવમાં બીજા દિવસે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને સંતો, મહંતો, મહાનુભાવોએ જાણીતા હાસ્યકાર-સાહિત્યકાર શ્રી ડૉ. જગદીશભાઈ ત્રિવેદી દ્વારા લિખિત ગ્રંથ – ‘સદાચારનું સરનામું : શિક્ષાપત્રી’ નું વિમોચન કર્યું હતું. શિક્ષાપત્રીની રચનાને ૨૦૦ વર્ષ સંપન્ન થઈ રહ્યા છે. આ અવસરે આ પુસ્તકનું પ્રકાશન કરાયું છે. જાણીતા હાસ્યકાર શ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડ પણ આ અવસરે ઉપસ્થિત હતા.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ અવસરે કહ્યું કે, સત્ય, અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ ટકાઉ સિદ્ધાંત છે. અસત્ય, હિંસા અને સ્તેય સમાજમાં નહીં ટકે. અહિંસા એટલે મન, વચન અને કર્મથી કોઈને દુઃખ ન થાય, પીડા ન પહોંચે તેનું ધ્યાન રાખવું. જરૂર પડે તો પોતાની આહુતિ આપીને પણ અન્યને સુખી કરવા. જો આમ થશે તો વિશ્વમાં ક્યાંય આતંકવાદ કે ખૂન-ખરાબાને અવકાશ નહીં રહે. જૂઠના પહાડ પણ સત્ય સામે ટકી શકતા નથી. અસ્તેય એટલે ચોરી ન કરવી, અણહક્કનું ન લેવું. ભારતીય વેદ, ઋષિમુનિઓ અને સંતોએ આપેલા આ મહાવ્રતો આખા વિશ્વમાં એક સમાન સ્વરૂપે, બે વત્તા બે બરોબર બધે જ ચાર થાય એમ, એવી જ રીતે લાગુ પડે છે.

તેમણે કહ્યું હતું કે, શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમે્ આજે વટવૃક્ષનું રૂપ ધારણ કર્યું છે. સંતો, મહંતો અને મહાપુરુષોની પ્રેરણાથી ગુરુકુળમાં અપાતા ભારતીય જીવનમૂલ્યોના શિક્ષણથી હજારો બાળકોને જીવન જીવવાની સાચી દિશા મળી રહી છે. સ્વામી માધવપ્રિયદાસજીની નિશ્રામાં અહીં નિયમિત યજ્ઞો થાય છે, વેદ ગોષ્ઠિ યોજાય છે, ધર્મચર્ચાઓ થાય છે, આવનારી પેઢી નિર્વ્યસની બને એવા પ્રયત્નો કરાય છે, ગૌમાતાનું પાલન થાય છે અને પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે તેવા પ્રયાસો પણ થાય છે. ગ્લોબલ વૉર્મિંગ માટે પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ખેતીના માધ્યમથી પર્યાવરણની રક્ષા અત્યંત અનિવાર્ય છે, એમ કહીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, કોરોનાની વેક્સિન તો આપણે શોધી કાઢી પણ ગ્લોબલ વૉર્મિંગની કોઈ વેક્સિન નથી. આપણે પર્યાવરણનું જતન કરવું પડશે. પ્રાકૃતિક ખેતી અપનાવવી પડશે. જો આપણે આજે નહીં ચેતીએ તો આવતીકાલે અત્યંત દુઃખદાયી દિવસો આવશે.

બીમારીઓ બહારથી નથી આવતી; કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર અને અહંકાર જેવા દુર્ગુણો આપણી અંદરની બીમારી છે. સંતકૃપા, સંતોના ઉપદેશઅમૃત અને સંત સાંનિધ્યથી આ બીમારીઓ દૂર થાય છે અને આંતરિક મજબૂતી મળે છે એમ કહીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, આ વિશાળ બ્રહ્માંડમાં જડ કે ચેતન તમામ પ્રકારના પદાર્થો અન્ય માટે અસ્તિત્વ ધરાવે છે. આપણું જીવન પણ અન્યના ઉપયોગમાં આવે એમાં જ એની સાર્થકતા છે. ‘ઈટ, ડ્રિન્ક એન્ડ બી મેરી’ એ જ જીવનનો ઉદ્દેશ ન હોઈ શકે. કર્મની પૂંજી સૌથી મોટી પૂંજી છે. માણસ જ માણસની દવા બને એ જ પરમાત્માની પ્રાપ્તિનું સાચું સાધન છે.

શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ આ પ્રસંગે કહ્યું હતું કે, સંત પરમ હીતકારી છે. સંતોએ અગરબત્તીની જેમ જાત બાળીને સમાજને સુવાસ આપી છે. તેમણે કહ્યું કે, ટેકનોલોજીના આ યુગમાં મનની શાંતિ માટે કોઈ જ સોફ્ટવેર નથી, એ માટે તો ધર્મના ચરણે અને સંતોના શરણે જ આવવું પડશે. દુનિયાએ જો સુખી થવું હશે તો ભારતીય સંસ્કૃતિને સ્વીકારવી પડશે. સંતોના સાંનિધ્યમાં જે ઊર્જા મળે છે એ ઊર્જા સમાજ અને રાષ્ટ્રની સેવામાં વાપરવાનો તેમને સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

SGVP ના અધ્યક્ષ શ્રી માધવપ્રિયદાસજી સ્વામીજીએ આ અવસરે કહ્યું કે, જેમણે આચરણથી ‘આચાર્ય’ નામ સાર્થક કર્યું છે એવા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિષમુક્ત રાસાયણિક ખેતી છોડીને ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે એ માટે ધૂણી ધખાવી છે. લાખો ખેડૂતોને તેમણે પ્રાકૃતિક ખેતી કરતા કરીને ગુજરાતને નવી દિશા આપી છે. આવા રાજ્યપાલ માટે ગુજરાત ગર્વ અનુભવે છે. ભારત સાધુ સંતોનો દેશ છે, સંત ચેતનાને વંદન કરતાં તેમણે કહ્યું કે, સંતોએ સેવા, સદાચાર અને જીવનમૂલ્યોની સેવા આપી છે.

SGVP ના ઉપાધ્યક્ષ સદગુરુ શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી એ સ્વાગત ઉદ્ભોધન કર્યું હતું.

સ્મૃતિ મહોત્સવ અંતર્ગત SGVP ના પરિસરમાં ગૌ-પ્રાકૃતિક કૃષિ પ્રદર્શન યોજાયું છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ  આ પ્રદર્શનના પ્રત્યેક સ્ટોલની મુલાકાત લઈને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field