(જી.એન.એસ),તા.૨૨
આગામી ઉત્તરાયણ- ૨૦૨૪ના તહેવારમાં ગાંધીનગર શહેર વિસ્તારમાં પતંગ વિતરણ કરવા માંગતા વ્યક્તિઓ કે સંસ્થાઓએ હંગામી મંજુરી મેળવવાની રહેશે. આ મંજુરી મેળવવાનું અરજી ફોર્મ તા.૨૬-૧૨-૨૦૨૩ થી તા.૦૨-૦૧-૨૦૨૪ દરમ્યાન કામકાજના ચાલુ દિવસોએ રજીસ્ટ્રી શાખા, કલેકટર કચેરી, ગાંધીનગરમાં કચેરી સમય દરમિયાન રજુ કરવાની રહેશે. આ અરજી સ્વીકારવાની છેલ્લી તા.૦૨.૦૧.૨૦૨૪ ના ૧૭,૦૦ કલાક સુધી રહેશે. જે અરજી રજીસ્ટ્રી શાખા, કલેકટર કચેરી, ગાંધીનગરમાં જ સંપુર્ણ વિગતો ભરીને આધાર, પુરાવા સહ રજુ કરવાનું રહેશે. ત્યારબાદ મળેલ ફોર્મ/અરજી ધ્યાને લેવામાં આવશે નહિ, તેવું નિવાસી અધિક કલેકટર શ્રી ભરત જોષીએ જણાવ્યું છે.
નિવાસી અધિક કલેકટર શ્રી ભરત જોષીએ વઘુમાં જણાવ્યું છે કે, હંગામી પરવાનાની અરજી ઉપર રૂા.૩/- ની કોર્ટ ફી સ્ટેમ્પ લગાડવાની રહેશે.જરૂરી ફી સદર હેડ “૦૦૭૦, ઓ.એ.એસ.સી. સદરે જનસેવા કેન્દ્રમાંથી મંજૂર કરાવી સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા અથવા બેન્ક ઓફ બરોડામાં ચલણથી જમા કરાવીને એક નકલ અરજી ફોર્મ સાથે બીડવાની રહેશે.ગાંધીનગર શહેરમાં સરકારી ખુલ્લા પ્લોટ સરકારશ્રીના માર્ગ અને મકાન વિભાગ અથવા અધિક્ષક ઈજનેરશ્રી ગાંધીનગર તરફથી નિયત કરવામાં આવેલ સેક્ટર-૨૨, સેક્ટર-૧૧ અને સેક્ટર-૬ માટે જ હંગામી મંજુરી આપવાની છે. જેથી જે તે સેકટર પુરતી જ પ્લોટ મેળવવા માટે પસંદગી પ્રમાણે અરજી કરવાની રહેશે. અરજીમાં પસંદગીના સેક્ટરની વિગત અવશ્ય લખવાની રહેશે.
તેમણે વઘુમાં જણાવ્યું છે કે, જે પ્લોટ ફળવાશે તેમાં જ ધંધો કરવાનો રહેશે. જેથી પ્લોટનું ભરેલ ભાડું રીફંડ મળશે નહિ.પ્લોટ ઉપર સ્ટોલની વ્યવસ્થા, લાઈટની વ્યવસ્થા, ફાયર સેફટીના સાધનોની વ્યવસ્થા અરજદારે જાતે કરવાની રહેશે.મંજુરીની શરતો પ્રમાણે આગ/અકસ્માત માટેની સાવચેતીના પગલાં માંગણીદારે લેવાના રહેશે. આમ છતાં કોઈ દુર્ઘટના બનશે તો તેની જવાબદારી અરજદારની રહેશે. જરૂર જણાયે મંજુરી માટે અરજી કરનારે વિમો લેવાનો રહેશે.અરજદારે ધંધો જાતે જ કરવાનો રહેશે. અન્ય વ્યક્તિને ધંધો કરવા અધિકૃત કરી શકશે નહિ કે અન્યને વાપરવા આપી શકશે નહિ.અરજદાર કોઈ ગુન્હામાં સંડોવાયેલા નથી તેવું પ્રમાણપત્ર તેના રહેણાંકના નજીકના પોલીસ સ્ટેશનમાંથી મેળવી અરજીપત્રક સાથે રજુ કરવાનું રહેશે. સંબંધિત ફાયર ઓફિસરશ્રીનો અભિપ્રાય પણ અરજી પત્રક સાથે રજુ કરવાનો રહેશે.
તેમણે ઉમેર્યું છે કે, નોવેલ કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાતુ હોઈ, દરેક હંગામી પતંગ વિતરણ લાયસન્સ ધારકોએ સરકારશ્રીની વખતો વખતની કોવિડ-19 ની ગાઈલાઈનનું તેમજ સરકારની વખતો વખતની સુચનાઓનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે.કોઈપણ સંજોગોમાં અધુરી વિગતવાળી અરજી વિચારણામાં લેવામાં આવશે નહી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.