Home ગુજરાત મોદીજી કરમસદની નહીં સરદારની આબરુનો સવાલ છે….!

મોદીજી કરમસદની નહીં સરદારની આબરુનો સવાલ છે….!

856
0

(જી.એન.એસ.) ગાંધીનગર, તા.30
કરમસદની કરમ કઠણાઇ કે જ્યાં લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલનો જન્મ થયો તે ગામ, તે સ્થળ, તે ટાઉનના લોકોને સરદારની જન્મભૂમિને રાષ્ટ્રીયકક્ષાનો દરજ્જો મળે તે માટે ઉપવાસ પર બેસવું પડે અને વચન આપનારાઓને યાદ કરાવે કે, સાહેબ તમે તો કહેતા હતા કે બસ એકવાર હું દિલ્હી પહોંચુ પછી સરદારને અન્યાય નહીં થવા દઉ અને રાષ્ટ્રીય દરજ્જો તો આમ…..આમ… ચપટી વગાડતામાં મળી જશે. કોંગ્રેસે ભલે અન્યાય કર્યો હું નહીં થવા દઉં…એવા શબ્દો દિલ્હીવાળાના કાન સુધી પહોંચાડવા સરદારની ધરતી પરથી કરમસદના લોકો ઉચ્ચારે અને કરમસદના મનમાં એમ થાય કે મારા બેટા, તમે પણ પેલા કોંગ્રેસની જેમ જ નિકળ્યા…તો તેમાં વાંક લોકોનો નહીં પણ એ ભૂમિનો કહી શકાય જે ભૂમિ પર એવી મહાન વિભૂતિ જન્મી કે જે ભલભલાને કહી દેતા હતા કે આ ખોટુ છે, આ ચલવી નહીં લઉં…!
એક એવા નેતાની જનમભૂમિ કે જેમણે અખંડ ભારતનું નિર્માણ કર્યું અને જો સરદાર સાહેબને પ્રથમ વડાપ્રધાન બનાવવામાં આવ્યાં હોત તો આજે કાશ્મીરની સમસ્યા હોત જ નહીં….એમ જેમણે સરદારસાહેબ જેટલા દિવસ જીવ્યાં એના કરતાં વધુ વખત દરેક મંચ પરથી ગર્જના કરી તેમને કરમસદના લોકો તેમના શબ્દો અને તેમના વચન યાદ અપાવવા ઉપવાસ પર બેઠા છે તે કરતાં તેઓ સરદારની જન્મભૂમિને એક રાષ્ટ્રીય ઓળખ મળે તે માટે મથી રહ્યાં છે ત્યારે આ રાષ્ટ્રીય દરજ્જો આપવામાં વિલંબ નો પાલવે. સરદારની જન્મભૂમિને રાષ્ટ્રીય દરજ્જો નહીં મળે તો કોને મળશે? સરદાર જેમને પોતાના ગુરૂ માનતા તે ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરને રાષ્ટ્રીય દરજ્જો મળ્યો હોય તો લોખંડી પુરૂષ સરદારની જન્મભૂમિ માટે કેમ નહીં?
4 વર્ષ રાહ જોયા બાદ કરમસદના લોકોને એમ લાગ્યું કે સરદારને ન્યાય અપાવવા ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવા સિવાય બીજો કોઇ શૂરાનો માર્ગ નથી ત્યારે જ તેઓ બહાર આવ્યાં છે. સરદાર જન્મભૂમિને રાષ્ટ્રીય દરજ્જો આપવામાં વાર કેટલી? ગાંધીનગરમાં જે પક્ષની સરકાર એ જ પક્ષની સરકાર મુકામ દિલ્હીમાં છે. ફટ ફટાફટ અને ફટ..ફટ..નિર્ણયો લેવાય છે છોટે સરદારના શાસનમાં. ગુજરાત સરકારે તો રાષ્ટ્રીય સ્મારક માટે દિલ્હીને દરખાસ્ત મોકલી જ હશે.દિલ્હીમાં પણ એ જ પક્ષની સરકાર છે. કોઇ વિરોધ નથી. વિરોધ કરે તો તેનો વિરોધ કરવા માટે આપણે તૈયાર જ બેઠા છે. ત્યારે ભારત સરકારે કરમસદને વહેલામાં વહેલી તકે રાષ્ટ્રીય દરજ્જો આપીને દેશ-વિદેશના પ્રવાસીઓ જેમ ગાંધી દર્શન માટે પોરબંદર જાય છે તેમ સરદાર દર્શન માટે કરમસદ પધારશે. પેલા લોકોએ તે 60 વર્ષમાં કાંઇ કર્યું નથી. જવા દો એમને. પણ આપણે તો કંઇક કરીએ.કરમસદ સાદ પાડે છે કે છેલ્લાં 10 વર્ષથી રજૂઆતો થઇ છે છતાં કોઇ સાંભળતું નથી. જેમના નામે ડેમ છે તે સરદાર સરોવર પર દરવાજા મૂકવાનો નિર્ણય સરકાર રચાયાના 17 દિવસમાં લેવાયો તો સરદાર જન્મસ્થળીને રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો આપવામાં વાર કેટલી? 3 હજાર કરોડના ખર્ચે સરદાર સાહેબની 182 મીટર ઉંચી પ્રતિમા સરદાર સરોવર નજીક મૂકવાની તડામાર તૈયારીઓ ધડાધડ ચાલતી હોય અને તેનું સતત મોનિટરીંગ પીએમઓ કક્ષાએથી થઇ રહ્યું છે ત્યારે કરમસદની લાગણી તેમના સુધી ગુજરાત સરકાર પહોંચાડે તે જરૂરી છે. સુન રહા હૈ..ના તું…આ કરમસદની નહીં સરદારની આબરૂનો સવાલ છે….!

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબ્રાહ્મણોનો રણટંકાર- કુંડળી બનાવતા આવડે છે તો બગાડતા પણ આવડે છે
Next articleબ્રહ્મસમજના ઘેરા પ્રત્યાઘાતો પછી પણ બોલ્યા અઘ્યક્ષ, મોદી-આબેડકરને બ્રાહ્મણ જ કહેવાય…!