Home ગુજરાત રાજભવનમાં પ્રાકૃતિક કૃષિ મહિલા પરિસંવાદ યોજાયો:- ઉત્તર ગુજરાતના છ જિલ્લાઓની કૃષક અને...

રાજભવનમાં પ્રાકૃતિક કૃષિ મહિલા પરિસંવાદ યોજાયો:- ઉત્તર ગુજરાતના છ જિલ્લાઓની કૃષક અને પશુપાલક મહિલાઓએ ભાગ લીધો

16
0

પ્રાકૃતિક કૃષિના પવિત્ર મિશનને બહેનો-માતાઓથી વધુ વેગ મળશે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

પ્રાકૃતિક ખેતીના મહા અભિયાનમાં મહિલાઓ સક્રિયતાથી અગ્રેસર થાય એ માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું આહ્વાન

(જી.એન.એસ),તા.૨૬

ગાંધીનગર,

મહિલાઓએ મહેનત, નિષ્ઠા અને સમર્પણના ગુણોથી પોતાના ક્ષેત્રોમાં સિદ્ધિ મેળવી છે. કોઈ ક્ષેત્ર એવું નથી જ્યાં નારીએ નામના ના મેળવી હોય. પ્રાકૃતિક ખેતીના મહા અભિયાનમાં પણ મહિલાઓ સક્રિયતાથી અગ્રેસર થાય એ માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આહ્વાન આપ્યું હતું. રાજભવનમાં મહર્ષિ દયાનંદ સભામંડપમાં યોજાયેલા પ્રાકૃતિક કૃષિ મહિલા પરિસંવાદમાં બોલતાં રાજ્યપાલશ્રીએ કહ્યું કે, પ્રાકૃતિક કૃષિના પવિત્ર મિશનમાં બહેનો-માતાઓ જોડાશે તો આ અભિયાનને વધુ વેગ મળશે.

ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ સંયોજક મંડળ દ્વારા આજે રાજભવનમાં પ્રાકૃતિક કૃષિ મહિલા પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાની ખેતી અને પશુપાલનના વ્યવસાયમાં સક્રિય મહિલાઓએ આ પરિસંવાદમાં ભાગ લીધો હતો.

ખેડૂત મહિલાઓ અને પશુપાલક બહેનોને સંબોધતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, વૈદિકકાળથી ભારત રાષ્ટ્રમાં નારીનું વિશેષ મહત્વ રહ્યું છે. અહીં વીરતાનો આદર્શ દુર્ગા છે, વિદ્યાનો આદર્શ સરસ્વતી મા છે અને જગતનું પાલનપોષણ જગતજનની મા જગદંબા કરે છે. ઈશ્વરે સૃષ્ટિનું નિર્માણ કર્યું પણ તેના સંચાલનની જવાબદારી નારી શક્તિને સોંપી છે. જે ઘર, સમાજ, રાષ્ટ્રમાં નારીનું સન્માન થાય છે, દેવતાઓ પણ ત્યાં જ વાસ કરે છે. બહેનો જે પણ કામ કરે છે તે પૂર્ણ પ્રમાણિકતાથી કરે છે. પ્રાકૃતિક કૃષિના અભિયાનમાં મહિલાઓના યોગદાનથી વિશેષ ગતિ આવશે.

ખેતીમાં રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ અને હાનિકારક તત્વોનો અંધાધુંધ ઉપયોગ થયો છે. પરિણામસ્વરૂપ આપણો ખેડૂત અન્નદાતા ‘ઝેરી અન્નદાતા’ બની ગયો છે. આપણે ખોરાકમાં ધીમું ઝેર આરોગી રહ્યા છીએ. પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી ખેડૂત ‘અમૃત અન્નદાતા’ બનશે એમ કહીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાસાયણિક ખેતી અને ઓર્ગેનિક ખેતીના ગેરફાયદા સમજાવ્યા હત તથા પ્રાકૃતિક ખેતીની અનિવાર્યતા તરફ ધ્યાન દોર્યું હતું.

પ્રાકૃતિક ખેતી પદ્ધતિની વિગતવાર સમજણ આપતાં તેમણે જીવામૃત-ઘનજીવામૃત બનાવવાની રીત અને સમગ્ર ખેતી પદ્ધતિની સમજણ આપી હતી. રાજ્યપાલશ્રીએ કહ્યું હતું કે, પ્રકૃતિના જે નિયમોથી જંગલમાં ઉગેલા વૃક્ષો પલ્લવીત છે, પ્રકૃતિ એવું જ કામ ખેતરમાં પણ કરે તે પ્રાકૃતિક ખેતી. અળસિયા અને સૂક્ષ્મ જીવાણુઓ ભૂમિને ફળદ્રુપ બનાવે છે. રસોડામાં તમામ સામગ્રી હોવા છતાં બહેનો અને માતાઓ રસોડામાં જાય પછી જ રસોઈ બને છે, એવી જ રીતે અળસિયા અને મિત્ર જીવો વાતાવરણમાં રહેલા ઉપયોગી તત્વોને પાક અને ભૂમિમાં ભેળવે છે જે ખાતર અને દવાઓની તમામ જરૂરિયાત સંતોષે છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક કૃષિ અભિયાનનો અત્યંત ગંભીરતાથી સમગ્ર રાષ્ટ્રમાં વ્યાપ વધારવાનું આહ્વાન કર્યું છે, ત્યારે મહિલાઓ-બહેનોને પ્રાકૃતિક કૃષિને આંદોલન બનાવવા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ  અનુરોધ કર્યો હતો.

પ્રાકૃતિક કૃષિ મહિલા પરિસંવાદના શુભારંભે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉ. સી. કે. ટિમ્બડીયાએ સ્વાગત ઉદબોધન કર્યું હતું. પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત અગ્રણી શ્રી ભીખાભાઈ ભુટકાએ આભારવિધિ કરી હતી. આ પ્રસંગે કૃષિ અને પશુપાલન ક્ષેત્રે કાર્યરત અગ્રણી મહિલાઓ શ્રીમતી કૈલાસબેન પરમાર, શ્રીમતી પ્રવિણાબેન પટેલ, શ્રીમતી જેઠીબેન ભૂટકા, શ્રીમતી વસંતીબેન રથવી, શ્રીમતી પૃથ્વીબેન પટેલ અને શ્રીમતી રશ્મિબેન જોશી ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલશ્રીના અગ્ર સચિવ શ્રી રાજેશ માંજુ,  કૃષિ અને પશુપાલન વિભાગના સંયુક્ત સચિવ શ્રી પી.ડી. પલસાણા આત્માના નિયામક શ્રી પ્રકાશ રબારી, સંયોજક મહાત્મા શ્રી પ્રફુલભાઈ સેંજલીયા, શ્રી દીક્ષિતભાઈ પટેલ અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅડાલજ ૧૦૮ ટીમની પ્રમાણિકતા : ઈજાગ્રસ્ત ટેમ્પોચાલક પાસેથી મળેલ રોકડ સહિતનો કિંમતી મુદામાલ પરત કર્યા
Next article“હું ગવર્નર પછી છું, પહેલાં ખેડૂત છું” :  શ્રી આચાર્ય દેવવ્રતજી